કોંગ્રેસના તોફાની ધારાસભ્ય પ્રતાપ દૂધાત સામે લોકો રોષે ભરાયા છે. સાવરકુંડલા તાલુકાનાં વીજપડી ગામે દૂધાત માટે સન્માન સમારંભ યોજ્યો હતો. ત્યારે નાગરીકોએ પંચાયત તેમજ ધારાસભ્ય ઉપર પોતાનો રોષ વ્યકત કર્યો હતો. લોકોએ તેમને સંભળાવી દીધું હતું કે લોકસભાની ચૂંટણી નજીક આવતા જ કેમ દેખાયા છો. અમારી મુશ્કેલીના સમયે તો તમે ઊભા રહ્યાં નથી. લોકોએ ધારાસભ્યને રજૂઆત કરી હતી કે પંચાયતનાં અઢી વર્ષમાં ગામનો વિકાસ થયો નથી. ગટર અને પાણીનાં મોટા પ્રશ્નો છે. પારાવાર ગંદકી છે. બસ સ્ટેન્ડ ગંધ મારે છે. પંચાયતમાં ચૂંટાયેલા સિવાયના લોકો મનમાની કરે છે. આવા અનેક પ્રકારનો રોષ વ્યકત કરીને ધારાસભ્યનું સન્માન કરેલું હતું.
અમરેલીના રાજકમલ ચોક ખાતે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં આફતના એંધાણના બેનર તળે અમરેલી જિલ્લાના પાંચ ધારાસભ્યોની હાજરીમાં સવારે 10 થી 4 ધરણા હતા. પાંચેય ધારાસભ્યો ખેડૂતો સાથે કલેકટર કચેરી સુધી પગપાળા રેલી યોજીને આવેદન પત્ર આપવા ગયા હતા. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત હાજર રહ્યાં ન હતા. કોંગ્રેસના આ ધારાસભ્યને પ્રદેશના નેતાઓ સાથે બનતું ન હોવાથી તેઓ ગેરહાજર રહ્યાં હોવાનું લોકો માની રહ્યાં છે.
લોકો કહે છે કે, પ્રતાપ દુધાત ચૂંટાઈ ગયા પછી વિદેશ સહેલગાહ, સુરત અને મુંબઈ જેવા મહાનગરોમાં જ પ્રવાસ કરી રહ્યાં છે. પણ ગામડાંમાં લોકોની ખબર પૂછવા તૈયાર નથી. ખેડૂતોના મતથી ચૂંટાયેલાં દૂધાત કાર્યક્રમમાં ગેરહાજર રહેતાં ખેડૂતોમાં રોષ ઊભો થયો હતો. ધારાસભ્ય દુધાત ગેરહાજર હોવા અંગેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો હતો. અમરેલી જિલ્લામાં દુષ્કાળ પડતાં ખેડૂતો, પશુપાલકો અને શ્રમજીવીઓમાં ચિંતાનો માહોલ છે ત્યારે તેમના ધારાસભ્ય બહાર ફરી રહ્યાં છે એવું લોકો અનુભવી રહ્યાં છે.
ભાજપના આગેવાન પર હુમલો
ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના વચન સાથે સત્તા પર આવેલા ભાજપ પોતાના નેતાઓને જ સલામતી પૂરી પાડી શકતો નથી. સાવરકુંડલા નગરપાલિકાના ભાજપના ઉપપ્રમુખ ભાવેશ હિંગુ ઉપર પાલિકા કચેરીમાં જ વિપ્ર કર્મચારીઓએ બાકી બીલ બાબતે બોલાચાલી કરી બેફામ ગાળો આપી લાફો મારી પાલિકા કચેરીમાં આવતા નહીં. આવશો તો ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી. આમ ભાજપના નેતાઓ જ અસલામત છે. તે માટે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાની નબળી નેતાગારી જવાબદાર હોવાથી આવું થઈ રહ્યું હોવાનું ભાજપમાં ચર્ચામાં છે.