કોંગ્રેસ મેરીટ નહીં મની, પાર્ટી નહીં પરિવાર, નિષ્ઠા નહીં નાતના માપદંડથી ચાલે છે

1985થી કોંગ્રેસ સાથે રહેલાં સાવરકુંડલા વિસ્તારના કોંગ્રેસના આગેવાન દીપક માલાણીએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પત્ર પાઠવીને પોતાના ધારાસભ્ચ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદ કરી છે. અમરેલી જિલ્‍લામાં કેવું ચાલે છે મેરીટને સ્‍થાને મની, પાર્ટીને બદલે પરિવાર, નિષ્ઠાને બદલે નાતના પેરામીટરથી બધુ ચાલે છે તે બજાવવા માટે અમદાવાદ ખાતે ધરણા રાખેલાં છે. આ ઘટના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી માટે દિવાળી બગડવા બરાબર છે. પરેશ ધાનાણીના મત વિસ્તાર અમરેલીમાં કેવી રાજકીય અરાજકતાં છે તે આ બાબત પરથી બહાર આવી છે. માત્ર અમરેલી નહીં પણ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરો એવું અનુભવી રહ્યાં છે કે તેઓ પક્ષની સાથે છે પણ પક્ષ તેની સાથે નથી. અમિત ચાવડાની આ સૌથી મોટી નિષ્ફળતા છે.

નેતાઓ સેટીંગ કરે છે

દીપક માલાણીએ પત્રમાં કહ્યું છે કે, માર્કેટીંગ યાર્ડની યોજાયેલી ચૂંટણીમાં સાવરકુંડલાના ધારાસભ્‍ય પ્રતાપ દુધાત અને લાઠીના ધારાસભ્‍યએ ભાજપના પૂર્વ ધારાસભ્‍ય કાળુભાઈ વિરાણીને જીતાડવા માટે કામ કરેલું છે. જ્યારે કોંગ્રેસને હરાવવા માટે કામ કર્યું છે. કોંગ્રેસને APMCની ચૂંટણીમાં મદદ કરવાને બદલે સેટીંગ કરીને ભાજપને જીતાડવા કામ કર્યું હતું.

હું ભાંગી પડ્યો છું

હું પહેલી વખત હૃદયથી ભાંગી પડયો છું, અમરેલી જિલ્‍લામાં પાર્ટીમાં મહેનત, લાયકાત જેવી મેરીટ બાબતે કોઈ રક્ષણ નથી તેવું અનુભવી રહ્યો છું. કોંગ્રેસનું ઘ્‍યાન દોરાય તે માટે હું અમદાવાદ ખાતે રાજીવગાંધી ભવન ખાતે ધરણા કરવાનું નકકી કરેલું છે. તેની પાછળનો મારો કોઈ હેતુ રાજકીય બ્‍લેકમેઈલીંગ કે સ્‍ટંટ નથી.

વિરોધ પક્ષના ઘરમાં અરાજકતા

મારી કોઈની વિરૂઘ્‍ધ ફરિયાદ કે રજૂઆત નથી કે કોઈના વિરૂઘ્‍ધ શિસ્‍ત ભંગના પગલાંની કે કોઈ પ્રકારની માંગણી નથી. આમમાટે આ ધરણાં નથી. મારા આ કાર્યક્રમનો હેતુ માત્ર અમરેલી જિલ્‍લામાં કેવું ચાલે છે મેરીટને સ્‍થાને મની, પાર્ટીને બદલે પરિવાર, નિષ્ઠાને બદલે નાતના પેરામીટરથી બધુ ચાલે છે. જેમાં કોંગ્રેસ કલ્‍ચરથી કામ કરતા જીવન જીવતા માણસો માટે કેટલું મુશ્કેલ છે, તેના તરફ પણ આપ સૌનું ઘ્‍યાન જાય તે માટે છે.

કોંગ્રેસના બીજી હરોળના નેતાઓ શું માની રહ્યાં છે

યુવાનીથી જ પક્ષ સાથે જોડાયેલા લોકો હવે નિરાધાર હોય એવું માની રહ્યાં છે. પોતાની જિંદગી પક્ષ માટે ખર્ચી નાંખી હોય અને જ્યારે તેને પક્ષના નેતાગારીની મદદની જરૂર હોય ત્યારે તેને કોઈ મદદ કરવામાં આવતી નથી. આવું ભરત સોલંકીના સમયમાં અને અમિત ચાવડાના સમયમાં થઈ રહ્યું છે. પક્ષના કાર્યકરો હતાશ થઈ ગયા છે.

પક્ષમાં બીજી હરોળના નેતાઓ અને કાર્યકરો પોતાની જવાબદારીઓ શ્રેષ્ઠ રીતે બજાવવાની અને શ્રેષ્ઠ કોંગ્રેસમેન બની રહેવા માટે પ્રમાણિક પ્રયાસો અને મહેનત કરે છે. તેઓએ કોંગ્રેસ માટે મોટું પ્રદાન કર્યું હોય છે.

26 વર્ષથી વિરોધ પક્ષ તરીકે લડાઈ

26 વર્ષથી કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં વિરોધ પક્ષ તરીકે કામ કરી રહ્યો છે. ભાજપ સરકારની અને ભાજપના નેતાઓની કિન્નાખોરીનો ભોગ આ કાર્યકરો બનતાં હોવા છતાં પક્ષ સાથે અડીખમ ઊભા હોય છે. આ કપરા વર્ષોમાં વિરોધપક્ષના જવાબદાર કાર્યકર તરીકે પોતાના વિસ્‍તારમાં સતત અને સક્રિય કાકરતાં રહ્યાં છે. તે બાબત પ્રદેશના પ્રત્યેક નેતાઓ જાણતાં હોય છે. તેમ છતાં ત્યારે આવા બીજી હરોળના નેતાઓને પક્ષની ખરેખર જરૂર હોય છે ત્યારે તેને કોઈ મદદ મળતી નથી. મદદ તો બાજુ પર રહી પણ તેને સાંભળવામાં પણ આવતાં નથી.

જીવનભર કોંગ્રેસી રહે છે

કોંગ્રેસના કાર્યકરો અને બીજી હરોળના નેતાઓ માટે વધારે ગૌરવ અને સંતોષ એ વાત તો એ હોય છે કે તેઓ જીવનશૈલીથી કોંગ્રેસમેન રહ્યાં હોય છે. તેઓ સંઘર્ષ કરીને પોતાનું અને પક્ષનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખતાં હોય છે. સાચા કોંગ્રેસ મેન સાદાઈ, સતત મહેનત, નિર્વ્‍યસની, ફુલટાઈમ કાર્યકર, સંસ્‍થાકીય જવાબદારી, નૈતિકતા અને પ્રમાણિકતા રાખતાં હોય છે.

કાર્યકરના કારણે નેતા

તેઓ ક્યારેય કોંગ્રેસ પક્ષને ન છાજે તેવું કોઈપણ કૃત્ય કે વ્‍યવહાર કરતાં નથી હોતા. તેઓ પક્ષને કે પોતાને  કલંક લગાડતાં નથી. વિરોધ પક્ષ આંગળી ચીંધી શકે તેવું તેમની રાજકીય કારકિર્દીમાં કરતાં નથી હોતા.  રાજયમાં 23 વર્ષથી ભાજપનું શાસન આવ્‍યું છે ત્‍યારથી આજ સુધી લાખો કાર્યકરો કોંગ્રેસ માટે પૂર્ણ સમય આપી રહ્યાં છે. જેના કારણે જ અમિત ચાવડા પ્રમુખ બની શકે છે અને પરેશ ધાનાણી પ્રતિપક્ષના નેતા બની શકે છે.

બુથ કક્ષાએ રાજકીય લડાઈ

કોંગ્રેસના હજારો કાર્યકરો એવા છે કે તેની સામે લલચાવી શકે એવી વાતો પ્રતિપક્ષો દ્વારા મૂકવામાં આવતી હોય છે. પણ તેઓ ક્યારેય વેચાતા નથી. પ્રદેશના નેતાઓ સોદાબાજી કરી શકે પણ તાલુકામાં કામ કરતો કોંગ્રેસનો કાર્યકર આવું ન કરીને રાજકીય કિન્નાખોરીનો મુકાબલો કરે છે. તેઓ રાજકીય લડાઈ પોતાના ગામમાં કે તાલુકામાં એકલા હાથે લડવી પડે છે. આવા હજારો કાર્યકરો વેદના ઠાલવી રહ્યાં છે. પણ પ્રદેશ તરફથી મતદાન મથક કક્ષા સુધી આવી બાબતોમાં જ્યારે સહકાર કે હૂંફ મળતી નથી ત્યારે હતાશ થઈ જાય છે. આમ થાય છે ત્યારે પક્ષ તૂટી પડે છે.

ગુજરાત કોંગ્રેસનો કાર્યકર અને બીજી હરોળની નેતાગીરી હવે એવું સ્પષ્ટ માનવા લાગી છે કે, ‘કોંગ્રેસ, મેરીટ નહીં મની, પાર્ટી નહીં પરિવાર, નિષ્ઠા નહીં નાતના માપદંડથી ચાલે છે.” અમિત ચાવડા જો આ વાત નહીં સમજે તો માંદા પક્ષને મોતમાંથી નહીં બચાવી શકે. અમિત ચાવડા હજુ સુધી પ્રદેશ માળખું પણ બનાવી શક્યા નથી તેનું તેઓ દિવાળીના વેકેશનમાં જો આત્મ મંથન કરશે તો તેઓ તેની ખરી સ્થિતી સમજી શકશે. ભરત સોલંકીના સમય કરતાં પણ ખરાબ હાલત હાલ કોંગ્રેસની છે.

આવા મતલબનું એક માત્ર દીપકભાઈ કહી રહ્યાં છે એવું નથી, સેંકડો કાર્યકરોની વેદના કહી રહી છે. ગુજરાતના લોકો સત્તાધારી સામે સબળ વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાસે અપેક્ષા રાખી રહ્યાં છે. જો કોંગ્રેસના જ કાર્યકરોની વેદના સંભળાતી ન હોય તો તેમાં પ્રજાની વેદના આ નેતાઓ કઈ રીતે સાંભળે ?