કોટડા ગામે એક માસથી પગાર ન મળતાં ગ્રાહકોએ દૂધ ડેરીને તાળાં મારી દીધા

દિયોદર, તા.૨૫

દિયોદર તાલુકાના કોટડા(ફો) ગામે દૂધ ડેરીના ગ્રાહકોને એક મહિનાથી દૂધના પૈસા ન મળતાં ઉશ્કેરાયેલા લોકોએ સોમવારે સાંજે દૂધ ડેરીને તાળાંબંધી કરી જ્યાં સુધી પગાર નહીં થાય ત્યાં સુધી ડેરી બંધ રાખવાની ચીમકી આપી હતી. આ દરમિયાન ગ્રાહકો અને ડેરીના મંત્રી તેમજ ચેરમેન વચ્ચે બોલાચાલી થતા મામલો બીચકયો હતો. બીજી બાજુ કેટલાક ગ્રાહકોએ મંત્રી દ્વારા ઉચાપત કરાઈ હોવાના આક્ષેપ કર્યો હતા.

દિયોદર તાલુકાના કોટડા(ફો) ગામે સોમવારે સાંજે કોટડા(ફો) દૂધ મંડળી, દ્વારા ગ્રાહકોને પગાર ન મળતા ગ્રાહકોના દૈનિક ખર્ચના વ્યવહારો અટકી જતા સોમવારે સાંજે દૂધ ગ્રાહકો રોષે ભરાઈ પાલનપુર બનાસ ડેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ગ્રાહકોએ આક્ષેપ કર્યા કે કોટડા(ફો) દૂધ મંડળીના મંત્રી દ્વારા ઉચાપત કરવામાં આવી છે. તેવા આક્ષેપ સાથે દૂધનો પગાર ગ્રાહકોને ચુકવવામાં આવતો નથી જે અંગે રજૂઆત કરી હોવા છતા પગાર મળતો નથી. સોમવારે સાંજે દુધ મંડળીના ગ્રાહકો એકઠા થઇ ઉગ્ર વિરોધ કરી તાળાબંધી કરવામાં આવી હતી.

ગ્રાહકોનું કહેવું છે કે અમોને દુધનો પગાર મળ્યો નથી, અમો રજૂઆત કરીએ તો અમોને પગાર આપતા નથી દૂધ ડેરીના મંત્રી દ્વારા કોઈક કારણોસર પગાર ન ચુકવાતાં ડેરીને તાળાં માર્યા છે. જ્યાં સુધી નિરાકારણ નહીં આવે ત્યાં સુધી દૂધ નહિ ભરાવીએ અને તાળાબંધી રાખીશું ત્યારે મંગળવારે સવારે પણ દૂધ ડેરી એ દૂધ ભરાવવામાં આવ્યું ન હતું. ત્યારે સત્વરે ગ્રાહકોના પગાર નાણા ચૂકવાય તેવું ગ્રાહકો ઈચ્છી રહ્યા છે.