યાત્રાધામ અંબાજી નજીક આવેલા આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટની માલિકીના કોટેશ્વર મંદિરનો કબજો પૂજારીને 6 મહિનામાં ખાલી કરવાનો સુપ્રીમ કોર્ટએ આદેશ કર્યો છે. પાછલા કેટલાય વર્ષોથી મહંત દ્વારા હક્ક દાવા કરવામાં આવ્યા હતા. જેની પર સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરતા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની જીત થઈ હતી.
યાત્રાધામ અંબાજી મંદિર નજીક ખેડબ્રહ્મા હાઇવે પર ડાબી બાજુએ આવેલા કોટેશ્વર મહાદેવ મંદિરની માલિકીના હકને લઈ છેલ્લાકેટલાય વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો. મહંત જનાર્દનદાસજી દ્વારા શરૂઆતમાં હાઇકોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો. જ્યાં તેમને હાર મળી હતી. જેથી સુપ્રીમ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો, જેની ફાઇનલ સુનાવણી દરમિયાન આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટને જીત મળી હતી.
આ અંગેની વિગતો આપતા આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના વહિવટદાર સુરેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં મંદિર તરફે ચુકાદો આવ્યો છે અને 6 મહિનામાં તેમને કબજો ખાલી કરવાનું સુપ્રીમ કોર્ટ કહ્યું છે. કોટેશ્વર મહાદેવનું મંદિર પણ પ્રવાસીઓમાં ઘણું પ્રખ્યાત છે. આ સ્થળ અંબાજીથી આશરે પાંચ કિમી દૂર આવેલું છે. અહીં મંદિરની સાથે ગૌમુખ કુંડ આવેલો છે, જે સરસ્વતી નદીનું ઉદગમ સ્થાન મનાય છે. અંબાજી મંદિરે આવતા ઘણા પ્રવાસીઓ કોટેશ્વર પણ જતા હોય છે.