અમદાવાદ, તા.૨૭
અમદાવાદમાં મચ્છરો ઉપદ્રવના કારણે બિમારીના વાવડ છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક ખાનગી મિલકતોના માલિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મોટાપ્રમાણમાં નોટીસો પણ પાઠવવામાં આવી રહી છે પણ સૌથી આઘાતજનક બાબત બહાર આવી છે કે, અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા ચાલતા પ્રોજેક્ટમાં જ ગંભીર બેદરકારીનો નમૂનો જોવા મળ્યો છે. દક્ષિણ વાસણામાં આવેલા જીબીશાહ કોલેજ રોડ પર છેલ્લાં ચાર માસથી ભૂગર્ભ ગટરનું અને રસ્તો બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. બીજીબાજુ કોન્ટ્રાકટર દ્વારા મંથર ગતિએ કરવામાં આવતા કામને કારણે રસ્તો હજુ સુધી તૈયાર નથી થયો અને મોટાભાગની ગટરલાઈન ખુલ્લી હોવાથી ખૂબ જ મોટા પ્રમાણમાં ગંદુ પાણી ભરાવાના કારણે આસપાસના વિસ્તારમા રોગચાળાનો ભય વ્યાપી ગયો છે.
અમારા પ્રતિનિધિ દ્વારા જ્યારે આ અંગે સ્થળ પર તપાસ કરવામાં આવી ત્યારે ચૉકાવનારી વિગતો બહાર આવી, જેમાં મોટા ભાગનો રસ્તો લાંબા સમય બાદ પણ ખૂલ્લી હાલતમાં છે. જેના કારણે મચ્છરના ઉપદ્રવની સાથે રોગચાળાની દહેશત ફેલાઈ છે. સ્વામિનારાયણ પાર્કમાં રહેતા સંદીપ મકવાણાએ જણાવ્યુ કે, આ અંગે સ્થાનિક અધિકારીઓને અનેકવાર રજુઆત કરી છે પણ અધિકારીઓ જવાબદારી પોતાના પર લેવાને બદલે કોન્ટ્રાક્ટર પર ઢોળી દે છે. જી બી શાહ કોલેજથી ઘર તરફ આવવા માટેનો અન્ય વૈકલ્પિક રસ્તો પણ ખૂબ જ ખરાબ છે. તો મચ્છરોના કારણે અહીંથી પસાર થવું પણ અઘરું થઈ પડે છે.
જ્યારે અન્ય એક સ્થાનિક વ્યક્તિ સતિષભાઈએ કહ્યું કે, જે રસ્તા પર ગટરની કામગીરી ચાલે છે ત્યાં જ વાસણા પાર્ટી પ્લોટ આવેલો છે. ધીમી કામગીરી કારણે પાર્ટી પ્લોટ પણ ઉપયોગમાં લઈ શકાતો નથી. અનેક બુકીંગ પણ રદ થયા છે. એક તરફ તંત્ર ખાનગી સોસાયટીમાં મોટો દંડ કરે છે. આવડી મોટી ગંભીર બેદરકારી સામે તંત્ર આંખ આડા કાન કરે છે.
જે સ્થળે ખુલ્લી ગટરો છે, ત્યાં મોટાપ્રમાણમાં ઝૂંપડપટ્ટી પણ આવેલી છે, ત્યાં રહેતા લોકોમાં પણ બિમારી વધી રહી છે. આ અંગે સ્થાનિક કોર્પોરેટરને પૂછતા તેણે પણ કબુલ્યું કે, રસ્તાની કામગીરીમાં વિલંબ થયો છે, પણ કામગીરી ઝડપથી પૂર્ણ થશે અને આ વિસ્તારમાં રહેતા લોકોના પ્રશ્નનુ કાયમી નિરાકરણ આવશે.
જો કે આ કામગીરી કરી રહેલા સુપરવાઈઝરને પૂછતા તેણે કબુલ્યું કે હજુ કામગીરી પૂર્ણ થતા ત્રણ થી ચાર માસનો સમય જશે. મચ્છરોના ઉપદ્રવ અને ગંદકી અંગે પૂછતા તેણે કઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.