કોમી તોફાનોમાં ગુજરાત ભાજપના સોશિયલ મિડિયાના નેતાની ધરપકડ

હળવદમા 26 સપ્ટેમ્બર 2018માં કોમી તોફાનો થયા બાદ દુકાનો અને ગોડાઉનમાં આગ લગાવી દેવામાં આવી હતી. આ બનાવમાં હળવદ ભાજપના સોશિયલ મિડિયા – આઈ.ટી. સેલના પ્રમુખ હિતેશ લોરીયા સહિત 20 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. હળવદમાં હિંદુ – મુસ્લિમ વચ્ચે ઝઘડો થયો બાદ ભાજપના નેતાએ રાજકીય ફાયદો કરાવવા માટે દુકાન અને ગોડાઉનને આગ લગાવી હતી.

સાથ આગામી સમયમાં લોકસભાની ચૂંટણી નજીક હોય ત્યારે મહત્વનું પાસું ગણાતા સોશિયલ મિડિયાના જ હર્તાકર્તા એવા આઈટી સેલના પ્રમુખની ધરપકડ થતા હળવદ ભાજપમાં સન્નાટોછવાઈ ગયો છે.

મોરબી જિલ્લાના હળવદ શહેરમાં જંગરીવાસના નાકે મોડી રાત્રે હિન્દુ-મુસ્લિમના ટોળાં આમને સામને આવી ગયા હતા, બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ચારમાંથી બે વ્યક્તિને ગંભીર ઇજા થતાં સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સામાન્ય બાબતે બે જૂથના લોકો ઘાતક હથિયાર સાથે સામસામે આવી જઇ એકબીજાના ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો. ટોળાંએ બે થી ત્રણ વાહનોમાં આગચંપી કરી હતી. 100થી વધું લોકો આ ઘટનામાં સામેલ હતા. પથ્થર, તલવાર, છરી અને પાઈપનો ઉપયોગ થયો હતો.

બજરંગ દળનાં બે સંયોજક અને કાર્યકરો ઉપર હુમલો થયો હતો. 27 સપ્ટેમ્બરે હળવદ શહેર સજ્જડ બંધ રહ્યું હતું. શાળા – કોલેજો પણ બંધ રહ્યા હતા. બે સ્થળોએ આગ લગાવવાના અને ત્રણ દુકાનોમાં તોડફોડની ઘટના બની હતી. વિફેરલા ટોળાએ એક બેકરી અને એક ભંગારનાં ડેલાને આગ ચાંપી દીધી હતી. જયારે ત્રણ જેટલી દુકાનોમાં તોડફોડ પણ કરાઇ હતી.

21 સપ્ટેમ્બરે મહોર્રમનાં દિવસે તાજીયાનું સરઘસ નિકળ્યું ત્યારે હિન્દુ અને મુસ્લિમ યુવાનો વચ્ચે કોઇ બાબતે બોલાચાલી થઇ હતી. બાદમાં છેલ્લા અઠવાડીયાથી બન્ને કોમો વચ્ચે માથાકૂટ વધવા લાગી હતી. ગંભીર બનાવ ન બને એટલે સમાધાન બેઠક નક્કી થઇ હતી. આ બેઠકમાં ઉગ્ર બોલાચાલી બાદ બન્ને જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઇ હતી.

પોલીસે બંને સમાજનાં આગેવાનોને બોલાવી શાંતિ સમિતિની બેઠક પણ યોજી હતી.

હળવદમાં જૂથ અથડામણમાં બેની હત્યા

14 જુલાઈ 2017માં ધ્રાંગધ્રા નજીક એક ક્ષત્રિયની હત્યા થયા બાદ યોજાયેલા બેસણાં બાદ હળવદથી એક કિ.મી. દૂર જીઆઇડીસી નજીક ભરવાડો અને દરબારો વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં 45  વાહનોની તોડફોડ કરી આગ લગાડાઇ હતી અને આડેધડ ફાયરિંગ અને પથ્થરમારો કરાયો હતો. આ ઘટનામાં બે વ્યક્તિની હત્યા થઈ હતી.