અમદાવાદ,૧૦
જો આપણે અહીંથી ઘેરી મંદીમાં પ્રવેશ કરીશુ તો એમાં કોઈ શંકાને સ્થાન નથી કે બેઝ મેટલ્સ બજાર જે અત્યારે માંગ પુરવઠાની સમતુલા ધરાવે છે તે અસમતોલ બની, વધુ ભાવઘટાડાનો સામનો કરશે. તમામ બેઝ મેટલમાંથી કોપરે ૨૦૧૯મા સૌથી ખરાબ સ્થતિનો સામનો કર્યો છે. વૈશ્વિક મેક્રો અર્થવ્યવસ્થાનાં નિરાશાજનક સેન્ટીમેન્ટે કોપરના નીચા ભાવ નીર્ધારણમાં મુખ્ય ભૂમિકા કરી છે. રોકાણકારો પૂછી રહ્યા છે કે ડો. કોપરને આ શુ થઇ ગયું છે? માંગ અત્યારે મુખ્ય મુદ્દો છે પણ ૧૦ અને ૧૧ ઓક્ટોબરે ચીન અને અમેરિકા વચ્ચે યોજાનારી વેપાર વાટાઘાટોમાંથી શુ નીપજે છે અને યુએસ ફેડરલ રીઝર્વ તેની નાણાનીતિમાં કેવુંક પાણી નાખે છે તેના પર ભાવનો બધો આધાર છે.
અત્યારે તો ડો. કોપરે પોતાનો વૈશ્વિક અર્થતંત્રોની તંદુરસ્તી સંદર્ભનો મત વ્યક્ત કરી દીધો છે અને તે કઈ સારો તો નથી જ. આપણે કહી શકીએ કે બેન્ચમાર્ક મેટલમાં અફડાતફડી પણ શક્ય છે. અલબત્ત, અર્થતંત્ર અને કોમોડીટી બજારની સર્વાંગી તંદુરસ્તીનું બેરોમીટર કહેવાતી ધાતુને આથી જ ડો. કોપરનું હુલામણું નામ આપવામાં આવ્યું છે. વોશિંગટન ખાતે મળનારી ચિન-અમેરિકા વેપારવાર્તા અગાઉ બુધવારે એલએમઈ કોપર બે વર્ષની બોટમે ૫૬૮૦ ડોલર બોલાઈ હતી. અત્યારે આપણે એવા સમય સ્થાને ઉભા છીએ, જ્યાંથી ટ્રેડ વોર વાટાઘાટો પૂર્વે જબ્બર આશાવાદ નિર્માણ થાય અને પછી જાણે કઈ ન બન્યું હોય તેવા નકારાત્મક સમાચાર આવતા હોય છે.
પણ આ બેઠક પહેલા સમાચાર એવા છે કે ચીન કેટલાંક મુદ્દાઓ બાબતે હઠાગ્રહ ધરાવે છે, તેથી વહેલું સમાધાન શક્ય નથી જણાતું. કોમોડીટી રોકાકારો તો એકદમ નિરાશાવાદી બની ગયા છે, તેઓ એવું માનવા લાગ્યા છે કે હજુ વધુ ખરાબ દિવસો આવવાના બાકી છે, તાજેતરના ડેટા પણ તેમના આવા અનુમાનને ટેકો આપે છે. ગત સપ્તાહના અમેરિકન મેન્યુફેક્ચરિંગનાં સપ્ટેમ્બર ડેટા ગબડીને ૧૦ વર્ષના તળિયે જઈ બેઠા. ચીન, ભારતની સ્થિતિ પણ કઈ સારી નથી. યુરોઝોનનાં આ ડેટા સાત વર્ષની બોટમે બેસી ગયા છે. સીટી ગ્રુપનું અનુમાન છે કે પાવર ગ્રીડ ક્ષેત્રમાં સરકારો ખર્ચ ઘટાડી રહી છે અને કારનું વેચાણ પણ ધબી રહ્યું છે. તેને ધ્યાનમાં લેતા ૨૦૧૯મા કોપરની માંગ માત્ર ૦.૨ ટકાના દરે વધશે. સપ્લાય ક્ષેત્રે પણ સમસ્યાઓ હળવી થવાનું નામ નથી લેતી.
ઇન્ટરનેશનલ કોપર સ્ટડી ગ્રુપનાં અહેવાલ મુજબ કોપરનું ખાણ અને રીફાઇન્ડ ઉત્પાદન ૨૦૧૯ના પ્રથમ છ માસિકમાં અનુક્રમે ૧.૪ ટકા અને ૧ ટકા ઘટ્યું હતું. સ્ટડી ગ્રુપે આ વર્ષની માંગ વૃદ્ધિનો અંદાજ બે ટકા બાંધ્યો છે, પણ પ્રથમ અર્ધવાર્ષિકમાં માંગ માત્ર ૧ ટકો વધી હતી. કોમોડીટી એક્સચેન્જો પર હેજ ફંડો અને મની મેનેજરોએ તેમના મંદીના ઓળીયામાં વધારો કર્યો છે. અમેરિકન બેરોજગારી દર ૫૦ વર્ષમાં સૌથી નીચો સપ્ટેમ્બરમાં ૩.૫ ટકા રહ્યો હતો. અલબત્ત તાંબાના ભાવ, નબળી જાગતિક માગ અને ઓછા ઉત્પાદનને પગલે, અત્યારે પ્રમાણમાં સમતોલ રહ્યા છે.
ગત વર્ષનાં જુન મહિનામાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન સાથે ટ્રેડ વોરનું તાપણું કર્યું, ત્યાર પછીથી અત્યાર સુધીમાં કોપરના ભાવ ૨૦ ટકા કરતા વધુ તૂટી ગયા છે. ટ્રમ્પએ બુધવારે કહ્યું હતું કે તેમનું સત્તામંડળ વેપાર સમાધાન માટે સહમત હોવાથી ઝઘડો ઉકેલાવાના ચાન્સ ઉજળા છે. વ્હાઈટ હાઉસ કહે છે કે અમારી ટીમ ખુલ્લા મનથી વાટાઘાટો આદરશે. અને તેથી પરિણામો પણ હકારાત્મક રહેશે. એલએમઈ ખાતે એલએમઈ રજીસ્ટરર્ડ વેરહાઉસમાં ઓન વોરંટ (ગોદામમાં પડેલો માલ) સ્ટોક ૬૭૫ ટન ઘટીને ૧,૯૪,૨૦૦ ટન રહ્યો હતો, ગત સપ્તાહે તે ૩૩,૦૦૦ ટન વધ્યો હતો. એલએમઈ પર અત્યારે મોટા સીધા બદલા ચાલી રહ્યા છે. પાકતા રોકડા (હાજર) વાયદા સામે ત્રિમાસિક ડીલીવરી ૩૫ ડોલરના ડિસ્કાઉન્ટથી (હાજર વાયદા કરતા દુર ડીલીવરીના વાયદા ઊંચા) ચાલી રહ્યા છે, આનો અર્થ એ થાય કે બજારમાં પુરતો માલ ઉપલબ્ધ છે. ઓગસ્ટ ૨૦૧૮ પછીનો આ સૌથી વધુ સીધો બદલો છે.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૧૦-૧૦-૨૦૧૯
નો ગુજરાતી અર્થ સીધા બદલા થાય. કોમોડીટી બજારમાં હાજર વાયદા કરતા દુર ડીલીવરીમાં ભાવ જ્યારે ઊંચા બોલાતા હોય ત્યારે બજારમાં ફરતા માલની ઉપલબ્ધી સારી છે, એમ કહી શકાય. બીજા શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે દુર ડીલીવરી વાયદા સામે હાજર વાયદામાં ડીકાઉંન્ટ બોલાય ત્યારે તેજીવાળા માટે સાનુકુળ સ્થિતિ ગણાય.