ચાઇનામાં કોરોના વાયરસના કારણે સર્જાયેલી સ્થિતીમાં ગુજરાતના જે યુવાનો ત્યાં ફસાયેલા છે તેની સંપૂર્ણ વિગતો મેળવી જરૂરી તમામ સહાયતાના પ્રબંધ માટે મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમને સૂચનાઓ આપી છે.
તદ્દઅનુસાર, આવા વિદ્યાર્થીઓના વાલી-પરિવારો જે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વસેલા છે તેમનો રાજ્ય સરકારનું રિલીફ કમિશનર તંત્ર સંપર્ક કરીને સંબંધિત વિદ્યાર્થીઓની વિગતો મેળવશે. ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આ માટે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.
જે વાલી-પરિવારોના બાળકો ચાઇનામાં અભ્યાસ માટે ગયેલા છે તે વાલી-પરિવારો પોતાના બાળકોની ત્યાંની વિગતો તથા તેમને ગુજરાત પરત લાવવાની વ્યવસ્થાઓ માટે ગુજરાત રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરનો સંપર્ક કરી શકશે.
આ હેતુસર જે સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે તે મુજબ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલરૂમ ૦૭૯-૨૩૨૫૧૯૦૦ તેમજ નાયબ કલેકટરશ્રી ૯૯૭૮૪૦૫૭૪૧, ૯૦૯૯૦૧૬૨૧૩ અને મામલતદારશ્રી ૯૯૭૮૪૦૫૭૪૩નો સંપર્ક કરી વિગતો આપી શકાશે.
કોરોના વાયરસને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં જો ચાઇનાથી આ વિદ્યાર્થીઓ ગુજરાત પરત આવવા ઇચ્છતા હોય તો તેમને મદદ અને જરૂરી વ્યવસ્થાઓ તથા સ્વાસ્થ્ય સુરક્ષાની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર વિદેશ મંત્રાલય અને ભારત સરકારના પરામર્શમાં રહીને હાથ ધરે તેવી સૂચના શ્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્ય સચિવશ્રીને આપી છે.
આ હેતુસર, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને પ્રાપ્ત થતી વિગતો ભારત સરકાર અને વિદેશ મંત્રાલયને મોકલીને ચાઇનાથી ગુજરાતના યુવાનોને પરત લાવવાની જરૂરી વ્યવસ્થાઓનું સંકલન હાથ ધરવામાં આવશે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, આવા વિદ્યાર્થીઓને ગુજરાત-ભારત પરત આવ્યા બાદ જરૂર જણાયે જરૂરી આરોગ્ય સારવાર અને પરિક્ષણ માટે આરોગ્ય વિભાગમાં ડૉ. ઉમંગ મિશ્રા ૯૮૭૯૫૪૯૫૧૬ તથા ૦૭૯-૨૩૨૫૦૮૧૮ ટેલિફોન નંબર ઉપર સંપર્ક કરવાથી આરોગ્ય સેવાઓ પણ પૂરી પાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવશે.
આ રોગથી બિન જરૂરી ગભરાવવાની જરૂર નથી પણ જરૂરી સાવચેતી રાખવા નાગરિકોને અપીલ કરતા આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ કહ્યું હતું કે, ચાઇનામાં રહેતા ભારતીય નાગરિકોની મદદ માટે ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગ અંતર્ગત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્યકક્ષાનો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. કંટ્રોલ રૂમ ખાતે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીશ્રીની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત કોઇ વ્યક્તિમાં વાયરસના લક્ષણો જોવા મળે તો આરોગ્ય વિભાગના રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ-૦૭૯ ૨૩૨૫૦૮૧૮ ઉપર સંપર્ક કરવાનો રહેશે. જે માટે રાજ્યકક્ષાએ ડૉ. ઉમંગ મિશ્રા અને ડૉ. પઠાણની નિયુક્તિ કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ડૉ. રવિએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા મળેલ માહિતી તેમજ સ્થાનિક કક્ષાએથી આરોગ્ય વિભાગને મળેલ માહિતી અનુસાર હાલ રાજ્યમાં ચાઈનાથી આવેલ અમદાવાદમાં-૪, વડોદરામાં-૨, સુરત મહાનગરપાલિકામાં-૧, રાજકોટમાં-૧, આણંદમાં-૧ અને જુનાગઢમાં-૧ એમ કુલ ૧૦ મુસાફરોને ઓઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. આ તમામ મુસાફરોનું જિલ્લાના સર્વેલન્સ અધિકારી તેમજ કોર્પોરેશન સર્વેલન્સ અધિકારી દ્વારા દૈનિક ધોરણે મુલાકાત લેવામાં આવે છે. આ તમામ મુસાફરો સ્વસ્થ્ય છે અને તેમનામાં આ રોગના કોઈપણ પ્રકારના લક્ષણો જોવા મળ્યા નથી. આગામી વધુ ૨૮ દિવસ સુધી આરોગ્ય અધિકારીઓ દ્વારા તેમનું નિરીક્ષણ કરવામાં આવશે અને જો કોઈ લક્ષણ જણાશે તો તેને તાત્કાલિક આઈસોલેશન વોર્ડમાં દાખલ કરી ગાઈડલાઈન મુજબ સેમ્પલ લેવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા દેશના જે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચાઈનાથી ફ્લાઈટ આવે છે તેવા દિલ્લી, મુંબઈ, કલકત્તા, બેંગ્લોર, કોચીન, હૈદરાબાદ અને ચેન્નાઈ ખાતેના એરપોર્ટ હેલ્થ ઓફીસ દ્વારા એન્ટ્રી સ્ક્રીનીંગ શરુ કરવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે ગુજરાતમાં પણ અમદાવાદ સહિત બીજા ૧૨ એરપોર્ટ પર સાઈનેજીસ ડિસપ્લે તેમજ સેલ્ફ રીપોટીંગ કરવાની સુચના આપવામાં આવી છે. જે મુજબ અમદાવાદ એરપોર્ટ ખાતે ટર્મિનલ ૧ અને ૨ ઉપર હેલ્થ એલર્ટ ડિસપ્લે કરવામાં આવેલ છે અને ચાઈનાથી આવનાર જે મુસાફરને આ રોગના લક્ષણો હોય તો એરપોર્ટ ઓથોરીટી કે આગામી ૨૮ દિવસમાં આ રોગના લક્ષણો જણાય તો તેને સ્થાનિક આરોગ્ય કેન્દ્ર કે જિલ્લા આરોગ્ય તંત્રનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવેલ છે.
ડૉ. રવિએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ ખાતે પણ હેલ્થ એલર્ટ ડિસપ્લે કરવામાં આવેલ છે. અમદાવાદ કે રાજયના અન્ય કોઈ એરપોર્ટ ખાતે હાલમાં મુસાફરોનું સ્ક્રીનીંગ કરવાની સુચના મળેલ નથી, પરંતુ આરોગ્ય તંત્ર દ્વારા એરપોર્ટ પર એરપોર્ટ હેલ્થ ઓફીસ ખાતે સ્ક્રીનીંગ કરવા માટેની તૈયારીઓ કરી દેવામાં આવેલ છે. સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ-અમદાવાદ ખાતે ૨૪x૭ મેડીકલ ટીમ તથા એબ્યુલન્સ રાખવામાં આવેલ છે.
ખાસ કરીને કોરોના વાયરસ માટે સિવિલ હોસ્પિટલ, અમદાવાદને બેઝ હોસ્પિટલ બનાવવામાં આવેલ છે, જેમાં અદ્યતન સાધનો અને દવા સાથેનો આઈસોલેશન વોર્ડ શરુ કરવામાં આવેલ છે. સિવિલ હોસ્પિટલ, અમદાવાદના તબીબી અધિક્ષક ઉપરાંત અન્ય તમામ નિષ્ણાતો અને સ્ટાફને આ રોગ અંગે સેન્સીટાઈઝ કરવામાં આવેલ છે. રાજયમાં તમામ હોસ્પિટલ તેમજ આરોગ્ય કેન્દ્રોમાં આ રોગ માટે જરૂરી તમામ દવાઓ વેન્ટીલેટર જેવા સાધનો સાથેનો આઈસોલેશન વોર્ડ શરુ કરવા સુચના આપવામાં આવેલ. રાજયમાં તમામ આરોગ્ય સંસ્થાઓ તેમજ હોસ્પિટલ ખાતે પી.પી.ઈ. કીટ, એન-૯૫ માસ્ક, ટ્રીપલ લેયર માસ્ક વગેરેનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના તબીબોને તેમજ ખાનગી હોસ્પિટલો કે જેમાં આઈસોલેશન વોર્ડની સુવિધા ઉપલબ્ધ છે તેવી હોસ્પિટલના તબીબોને રાજયના નિષ્ણાતો દ્વારા આ રોગ તેમજ તેની ગાઈડલાઈન વિષે તાલીમ આપવામાં આવી રહી છે. ભારત સરકાર તરફથી આવેલ માર્ગદર્શિકા તમામ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા મુખ્ય જિલ્લા તબીબી અધિકારી તેમજ સંબંધિતોને મોકલી આપવામાં આવી છે તેમ ડૉ. રવિએ વધુ માહિતી આપતાં ઉમેર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, હાલમાં ચાઈના વુહાન, હુબઈ અને અન્ય પ્રાંતોમાં નોવેલ કોરોના વાયરસ-૨૦૧૯ (nCoV-2019)ના કારણે ૨૮૦૦ થી વધુ કેસ અને ૮૨ જેટલા મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત જાપાન, થાઈલેન્ડ, સાઉથ કોરીયા, અમેરિકા, ઓસ્ટ્રેલીયા, હોંગકોંગ, મલેશિયા, ફારસ, તાઈવાન, મકાઉ, વિયેતનામ, કેનેડા, શ્રીલંકા તેમજ નેપાળ વગેરે દેશોમાં પણ આ રોગના કેસ નોંધાયેલ છે. પરંતુ આ દેશોમાં હજુ સુધી કોઈ મૃત્યુ નોંધાયા નથી.
ડૉ. રવિએ આ વાયરસના લક્ષણોની માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ રોગના લક્ષણોમાં ભારે તાવ, કફ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ વગેરે જોવા મળે છે. આ રોગનો ચેપ ચેપી સી-ફૂડ ખાવાના કારણે થતો હોવાનું મનાય છે. આ રોગનો ફેલાવો મનુષ્યથી મનુષ્યમાં થવાની ખુબજ ઓછી શક્યતા રહેલી છે. આ રોગની તપાસ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજી, પુના ખાતે કરવામાં આવે છે. રાજ્યમાં જો કોઈ કેસ નોંધાય તો તેનું સેમ્પલ પુના ખાતે મોકલી આપવામાં આવશે. આ રોગની કોઈ ચોક્કસ એન્ટીવાયરલ દવા કે વેકસીન ઉપલબ્ધ નથી. રોગના અટકાવ અને નિયંત્રણ માટે સીઝનલ ફ્લુની જેમ દર્દીને આઈસોલેશનમાં રાખવો, પી. પી. ઇ. કીટનો ઉપયોગ કરવો, વારંવાર સાબુથી હાથ ધોવા, હસ્તધૂનનના બદલે નમસ્કારથી અભિવાદન કરવું, ભીડભાડ વાળી જગ્યાએ ન જવું વગેરે જેવી તકેદારી રાખવા તેમણે રાજ્યના નાગરિકોને અનુરોધ કર્યો હતો.