કોરોના વાયરસ (COVID-19)ની વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર

નવી દિલ્હી, 27-03-2020

સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રાલય હેઠળ કાર્યરત દિવ્યાંગજનોના સશક્તીકરણ વિભાગે કોરોના વાયરસના મહામારીના સંદર્ભમાં દિવ્યાંગજનોની સલામતી અને સુરક્ષા માટે “દિવ્યાંગજનો માટેની વિસ્તૃત માર્ગદર્શિકા” જાહેર કરી છે. વિશ્વમાં કોરોના વાયરસ ફેલાવના કારણે તથા ઝડપથી આગળ વધતા જાહેર આરોગ્યને જોખમમાં મૂકે તેવી વ્યાપક પરિસ્થિતિ દેશ અને દુનિયામાં સર્જાઈ છે. તેના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આ રોગનો ચેપ આગળ વધે નહીં તે હેતુથી તાકીદનાં પગલાં લેવાની જરૂર ઉભી થઈ છે. ભારત સરકારે કોરોના વાયરસને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને રાષ્ટ્રીય મહામારી જાહેર કરી છે અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ જરૂરી માર્ગદર્શિકા બહાર પાડી છે.
આરોગ્ય અંગેના મુદ્દાઓ બાબતે મધ્યસ્થ એજન્સી હોવાના કારણે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સામાન્ય પ્રજા અને આરોગ્ય કર્મચારીઓ માટે રોગનો પ્રસાર થતો અટકાવવા માટે માર્ગદર્શિકાઓ બહાર પાડી છે. આ માર્ગદર્શિકા વેબસાઈટ (www.mohfw.gov.in) પર ઉપલબ્ધ છે, જેમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છેઃ
• નાગરિકો અને ફ્રન્ટલાઈન કર્મચારીઓ માટે જાણકારી આપતી પ્રચાર સામગ્રી (હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં) બહાર પાડવી.
• જાહેરમાં એકત્ર થવા અંગે તથા સોશિયલ ડિસ્ટન્સીંગ અંગે માર્ગદર્શિકા.
• દર્દીઓની સંભાળ માટે ટેલિ-મેડિસીન પ્રણાલી સહિત હોસ્પિટલોએ અનુસરવાની પ્રક્રિયા અને માર્ગદર્શિકાઓ.
• કોમન હેલ્પલાઈન નંબરોઃ 1075, 011-23978046, 9013151515
• અવારનવાર પૂછવામાં આવતા સવાલો.
કોરોના વાયરસ સમગ્ર વસતિને અસર કરી રહ્યો હોવાથી દિવ્યાંગ હાલત ધરાવતા વ્યક્તિઓ તેમની શારીરિક અને માનસિક તથા વૈચારિક મર્યાદાઓને કારણે દયનિય સ્થિતિમાં મૂકાઈ જાય છે. હકિકતમાં તેમની દિવ્યાંગતાને કારણે ઉભી થતી ખાસ જરૂરિયાતોને, જીવનની પ્રવૃત્તિઓ સમજવાની જરૂર છે અને તેમની સુરક્ષા અને સલામતી અંગે જોખમની સ્થિતિમાં યોગ્ય અને સમયસરના પગલાં લેવાય તેની ખાતરી રાખવાની જરૂર છે.
રાઈટ્સ ઑફ પર્સન્સ વીથ ડિસેબિલીટી એક્ટ 2016ની કલમ-8 આવી સ્થિતિમાં દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને સમાન સુરક્ષા અને સલામતીની ખાતરી આપે છે. તે જિલ્લા/રાજય અને રાષ્ટ્રીય સ્તરે દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટની પ્રવૃત્તિઓ અંગે લેવાનારા પગલાં અંગે માહિતગાર રાખવાનું દર્શાવે છે. આ સત્તા તંત્રોએ ફરજીયાતપણે સ્ટેટ કમિશ્નર ફોર પર્સન્સ વીથ ડિસેબિલીટીને ડિઝાસ્ટર મેનેજમેન્ટની પ્રવૃત્તિઓમાં સામેલ કરવાની જરૂર છે. સપ્ટેમ્બર 2019માં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી અને કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે ઉપર દર્શાવેલી જોગવાઈઓ અનુસાર દિવ્યાંગતા સમાવેશી ડિઝાસ્ટર રીસ્ક રીડક્શન (DiDRR) ની માર્ગદર્શિકાઓ બહાર પાડી છે. આ ઉપરાંત તાજેતરમાં તા.24 માર્ચ, 2020ના રોજ ગૃહ મંત્રાલયે કોરોના વાયરસનો પ્રસાર અટકાવવા માટે વિવિધ સત્તા તંત્રો માટે તા.25-03-2020 થી 21 દિવસના ગાળા માટે તેનું પાલન કરવાની માર્ગદર્શિકાઓ બહાર પાડી છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા ગૃહ વિભાગે બહાર પાડેલી માર્ગદર્શિકાઓ તમામ નાગરિકોને લાગુ પડે છે. આ ઉપરાંત વિવિધ રાજ્ય/ જિલ્લા તંત્રોને કામગીરી હાથ ધરવા માટે અને કોરોના વાયરસની સ્થિતિમાં દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓની સલામતી અને સુરક્ષા માટે કેન્દ્રીત ધોરણે ધ્યાન આપવા માર્ગદર્શિકાઓ બહાર પાડી છે.
સામાન્યપણે હાથ ધરવાની પ્રવૃત્તિઓઃ
• કોરોના વાયરસ અંગે આપવામાં આવતી સેવાઓની તમામ માહિતીઓ અને લેવા જેવી સાવચેતીઓ અંગે માહિતી સરળ અને સ્થાનિક ભાષામાં પ્રાપ્ત થઈ શકે એવા સ્વરૂપમાં એટલે કે બ્રેઈલ અને સાંભળી શકાય તેવી ટેપ સ્વરૂપે દૃષ્ટિની ખામી ધરાવતા લોકો માટે તથા પેટા શિર્ષકો ધરાવતી વીડીયોગ્રાફિક સામગ્રી અને ઈશારાની ભાષામાં દુભાષિત થઈ શકે તે રીતે સાંભળવાની ખામી ધરાવતા લોકો માટે વેબસાઈટ મારફતે ઉપલબ્ધ કરવાની રહેશે.
• તાકીદની પરિસ્થિતિ અને હેલ્થ સેટીંગમાં કામ કરતા ઈશારાની ભાષાના દુભાષિયાઓને પણ કોરોના વાયરસ દરમિયાન કામ કરતા અન્ય આરોગ્ય કર્મચારીઓની જેમ જ સમાન પ્રકારે આરોગ્ય અને સલામતીની સુવિધા પૂરી પાડવાની રહેશે.
• ઈમર્જન્સી રિસ્પોરન્સ સર્વિસ હાથ ધરતા તમામ કર્મચારીઓને દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓનાં હક્કો અંગે તાલિમ આપવાની રહેશે અને ચોક્કસ પ્રકારની દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ માટેની વધારાની સમસ્યાઓ અને સંકળાયેલા જોખમો અંગે પણ જાણકારી આપવાની રહેશે.
• દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓના સહયોગ માટે સુસંગત માહિતી તમામ જાણકારી ઝૂંબેશોનો હિસ્સો બની રહેવી જોઈએ.
• ક્વૉરેન્ટાઈનના ગાળા દરમિયાન અંધજનો, બૌદ્ધિક/માનસિક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે (સાયકો- સોશિયલ) તથા તેમની કાળજી રાખનાર લોકોને આવશ્યક સહયોગી સેવાઓ, કર્મચારીઓની સહાય મળી રહે તે માટે ખાતરી રાખવાની રહેશે. સમાન પ્રકારે દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ તેમની વ્હિલ ચેર અને અન્ય સહાયકારી સાધનોમાં ક્ષતિ ઉભી થાય તો સુધારવા માટે જણાવી શકશે.
• દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓની કાળજી લેતા લોકોને તે દિવ્યાંગજનો સુધી પહોંચી શકે તે માટે લૉકડાઉન દરમિયાન મૂકેલા નિયંત્રણોમાંથી મુક્તિ આપવાની રહેશે અથવા તો અગ્રતાના ધોરણે સરળ પધ્ધતિથી પાસ પૂરા પાડવાના રહેશે.
• દિવ્યાંગજનોને સહાય કરતી વ્યક્તિઓને સપોર્ટ સર્વિસીસ ચાલુ રહે તેની ખાતરી માટે ઓછામાં ઓછા માનવ સંપર્ક સાથે, કાળજી લેનાર સમુદાયને વ્યક્તિગત સુરક્ષા ઉપકરણો મળી રહે તેની ખાતરી રાખવાની રહેશે.
• રેસિડેન્ટ વેલફેર એસોસિએશન્સને દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓની જરૂરિયાત માટે મેઈડ, કેર ગીવર અને અન્ય સપોર્ટ પ્રોવાઈડર્સ સંભાળની કામગીરી પૂર્ણ કર્યા પછી સેનેટાઈઝીંગ પ્રક્રિયાને અનુસરીને પોતાના નિવાસ સ્થાને જઈ શકે તેવી વ્યવસ્થા કરવાની રહેશે.
• દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને આવશ્યક ભોજન, પાણી, દવાઓ શક્ય તે પ્રકારે ઉપલબ્ધ થાય તેની ખાતરી રાખવાની રહેશે અને આ બધી ચીજો તેમના નિવાસના સ્થળે અથવા તો તેમને જ્યાં ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા હોય ત્યાં પહોંચાડવાની રહેશે.
• રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સુપર માર્કેટ સહિતના રિટેઈલ પ્રોવિઝન્સ સ્ટોર્સમાં દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે સ્ટોર ખૂલવાના શરૂઆતના કલાકોમાં અનામત સમય રાખી શકશે અને તેમની રોજ બરોજની જરૂરિયાતો આસાનીથી ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે.
• ક્વોરેન્ટાઈનના ગાળા દરમિયાન દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે સાથીદારોના સહયોગના નેટવર્કસ સ્થાપવાની સુવિધા ઉભી કરવાની રહેશે.
• દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને તેમની દિવ્યાંગતા મુજબ વધારાના સુરક્ષાત્મક પગલાં લેવામાં આવશે અને તેમને તાકીદની પરિસ્થિતિમાં પ્રવાસ માટે પાસ જારી કરવાના રહેશે અને તેમના વ્યક્તિગત સલામતી અને સુરક્ષા માટે જાણકારી આપવાની રહેશે.
• દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને સારવારમાં અગ્રતા આપવાની રહેશે. તેમને અગ્રતા આપવાની સાથે સાથે દિવ્યાંગતા ધરાવનારના બાળકો અને મહિલાઓ માટે પણ ખાસ કાળજી લેવાની રહેશે.
• દૃષ્ટિની ખામી અને અન્ય દિવ્યાંગતા ધરાવતા જાહેર અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ આસાનીથી ચેપનો ભોગ બની શકે તેમ હોવાથી તેમને આવશ્યક સેવાઓમાંથી મુક્તિ આપવાની રહેશે.
• દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ અને તેમના પરિવારો ક્વોરેન્ટાઈનના ગાળાને પહોંચી વળી શકે અને તાણમુક્ત રહી શકે તે માટે ઓનલાઈન કાઉન્સેલીંગની વ્યવસ્થા વિકસાવવાની રહેશે.
• રાજ્યના સ્તરે સપ્તાહના સાતેય દિવસ અને ચોવીસે કલાક દિવ્યાંગજનો માટે હેલ્પ લાઈન નંબર બહાર પાડવાના રહેશે અને તેમાં ઈશારાની ભાષા, અર્થઘટન અને વિડીયો કોલીંગની સુવિધા પૂરી પાડવાની રહેશે.
• રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ દિવ્યાંગજનો માટે કોરોના વાયરસ અંગેની માહિતી તૈયાર કરવામાં અને તેના પ્રસાર માટે દિવ્યાંગજનોના સંગઠનોને સામેલ કરવાના રહેશે.
આ ગાળા દરમિયાન દિવ્યાંગજનો માટેના ખાસ મુદ્દાઓ હલ કરવા વ્યવસ્થા ગોઠવવાની રહેશેઃ
(એ) દિવ્યાંગજનો માટે સ્ટેટ કમિશ્નર
• દિવ્યાંગ વ્યક્તિઓ માટે સ્ટેટ કમિશ્નર ફોર દિવ્યાંગજનને નોડલ ઓથોરિટી જાહેર કરવાની રહેશે.
• કટોકટીના આ ગાળા દરમિયાન તેમને ચોક્કસ દિવ્યાંગ સ્થિતિ અનુસાર વિવિધ મુદ્દા હલ કરવા માટે ઓવરઓલ ઈન્ચાર્જ બનાવવાના રહેશે.
• તેમણે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, આરોગ્ય, પોલિસ અને અન્ય વિભાગોની સાથે સાથે જિલ્લા કલેક્ટરેટ અને જિલ્લા સ્તરના ઓફિસરો સાથે દિવ્યાંગજનો બાબતે સંકલન કરવાનું રહેશે.
• તેમણે એ બાબતની ખાતરી રાખવાની રહેશે કે કોરોના વાયરસ અંગેની તમામ માહિતીઓ, જાહેર નિયંત્રણ યોજનાઓ, ઓફર કરવામાં આવતી સર્વિસીસ, સ્થાનિક ભાષામાં પ્રાપ્ત થઈ શકે તેવા સ્વરૂપે ઉપલબ્ધ કરવા જવાબદાર ગણાશે.
(બી) દિવ્યાંગજનોના સશક્તીકરણની કામગીરી સંભાળતા જિલ્લા ઓફિસર
• દિવ્યાંગજનોના સશક્તીકરણ માટેની કામગીરી સંભાળતા જિલ્લા ઓફિસરને દિવ્યાંગ વ્યક્તિઓ માટેની જિલ્લા નોડલ એજન્સી જાહેર કરવાની રહેશે.
• તેમને જિલ્લામાં દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓની યાદી આપવાની રહેશે અને તેમની જરૂરિયાતો સમયાંતરે મોનિટર કરવાની રહેશે તથા વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓની તેમના વિસ્તારમાં વધુ સહયોગ પ્રાપ્ત થાય તે માટે અલાયદી યાદી તૈયાર કરવાની રહેશે.
• આ અધિકારી ઉપલબ્ધ સ્રોતોની સમસ્યા હલ કરવા માટે જવાબદાર ગણવામાં આવશે અને જરૂર જણાય તો સ્વૈચ્છિક સંસ્થાઓ, નાગરિક સમાજના સંગઠનો અને રેસિડેન્ટ વેલફેર એસોસિએશનની સહાય લઈ શકશે.