કોર્પોરેશનની 10 મિલકતોનું કુલ લાઈટબિલ 50 લાખ, એકમાત્ર એસવીપીનું 1.5 કરોડ

અમદાવાદ,તા:07 અમદાવાદ શહેરના નાગરિકો પ્રાથમિક સુવિધા માટે મસમોટો વેરો ચૂકવી રહ્યા છે, પરંતુ કોર્પોરેશનના મહાનુભાવો તેમના અંગત સ્વાર્થ માટે તેનો સરેઆમ દુરુપયોગ કરી રહ્યા છે અને પ્રજાનાં નાણાંથી બારે મહિના દિવાળી ઊજવે છે.

રાજ્ય સરકારની ગ્રાન્ટથી તૈયાર કરવામાં આવેલી એસવીપી હોસ્પિટલને સંપૂર્ણપણે વાતાનુકૂલિત બનાવવામાં આવી છે, જેના માટે બે હજાર ટનનું એસી લગાવવામાં આવ્યું છે. આ બે હજાર ટનના એસીના કારણે એસવીપી હોસ્પિટલનું લાઈટબિલ પણ મસમોટું આવી રહ્યું છે. એસવીપી હોસ્પિટલ શરૂ કરવામાં આવી તે સમયથી તેનું લાઈટબિલ રૂ.1.5 કરોડ આવે છે, જે કોર્પોરેશનની 10 મોટી ઈમારતોના કુલ બિલ કરતાં આશરે ત્રણ ગણું વધારે આવી રહ્યું છે. મહત્ત્વની ગણાતી કોર્પોરેશનની 10 મિલકતોનું કુલ બિલ રૂ.50 લાખ થવા જાય છે, જ્યારે એકમાત્ર એસવીપી હોસ્પિટલનું બિલ જ રૂ.1.5 કરોડ કરતાં વધુ આવી રહ્યું છે. આ કારણથી લોકોની સેવા માટે બનાવાયેલી કોર્પોરેશનની એસવીપી હોસ્પિટલ સફેદ હાથી સમાન બની ગઈ છે.

એસવીપી હોસ્પિટલને શરૂઆતમાં માત્ર 300 બેડથી શરૂ કરવામાં આવી હતી, જે સમયે પણ તેનું બિલ રૂ.68 લાખ જેટલું આવ્યું હતું. જો કે હાલમાં પણ હોસ્પિટલ સંપૂર્ણપણે કાર્યરત ન હોવા છતાં માસિક લાઈટબિલ રૂ.1.5 કરોડથી વધુનું આવે છે. ત્યારે જોવાનું એ છે કે જ્યારે એસવીપી સંપૂર્ણપણે કાર્યરત્ થશે ત્યારે આ બિલ રૂ.3 કરોડને પણ આંબી શકે છે.

એસવીપી હોસ્પિટલના મસમોટા વીજબિલ અંગે જ્યારે હોસ્પિટલનો હવાલો સંભાળતા રમ્ય ભટ્ટનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી. અમપાની મુખ્ય કચેરી સિવાય પણ અન્ય કેટલીક મિલકતો એવી છે કે જેનું વીજબિલ મહિને રૂ.50 લાખથી વધતું નથી.

આ ઉપરાંત ઠંડકમાં આળોટવામાં મ્યુનિ. કોર્પોરેશનની મુખ્ય દાણાપીઠ કચેરીના પદાધિકારીઓ અને અધિકારીઓ પણ ઉણા નથી ઉતર્યા. દાણાપીઠ કાર્યાલયમાં એ, બી અને સી બ્લોકનો સમાવેશ થાય છે, જ્યાં મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા, મેયર બીજલ રૂપેશભાઈ પટેલ સહિતના ક્લાસ વન અને ટુ સહિતના અન્ય અધિકારીઓ અને સ્ટાફ કામ કરે છે. તેમ છતાં ઓફિસદીઠ ચારથી પાંચ એસી લગાવવામાં આવ્યાં છે. અને ત્રણેય બ્લોકમાં મળીને કુલ 150 જેટલાં એસી લગાવવામાં આવ્યાં છે, તેમ છતાં આ કચેરીનું બિલ માસિક રૂ.50 લાખ જેટલું આવે છે.

અમપાની મુખ્ય કચેરી સિવાય પણ અન્ય કેટલીક મિલકતો એવી છે કે જેનું કુલ વીજબિલ મહિને રૂપિયા પચાસ લાખથી વધતું નથી. આ મિલકતોમાં ટાગોરહોલ, અમરાઈવાડી પમ્પિંગ સ્ટેશન, ટાઉનહોલ, સારંગપુર સ્નાનાગર, આરોગ્યભવન, ગીતામંદિર, ડી.કે. પટેલ હોલ, નારણપુરા, મલ્ટિલેવલ કાર પાર્કિંગ કાંકરિયા, નવરંગપુરા વગેરેનો સમાવેશ થાય છે. કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર સુરેન્દ્ર બક્ષીએ એક પ્રતિક્રિયામાં કહ્યું, લોકોનાં નાણાંનો વ્યય કરવો એ હાલના શાસકોની માનસિકતા બની ગઈ છે. જૂની વી.એસ. હોસ્પિટલ દિવસ અને રાત ધમધમતી હોવા છતાં તેનુ વીજબિલ દોઢ કરોડ આવ્યું નહોતું.