અમદાવાદ, તા.23
કોલગર્લ સર્વિસ આપવાની લાલચ આપી અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેનારી ઠગ ટોળકીનો ગાંધીનગર પોલીસે પર્દાફાશ કર્યો છે. એલસીબીએ અગોરા મોલ પાસે આવેલા એટલાન્ટીક પાર્કમાં ભાડે રખાયેલા ફલેટમાં ચાલતા બોગસ કોલ સેન્ટર પર દરોડો પાડી સૂત્રધાર સહિત ચાર શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 1.28 લાખ રોકડ, સાત મોબાઈલ ફોન અને હિસાબની એક ડાયરી કબ્જે લીધી છે. ગાંધીનગર એલસીબીની ટીમે બાતમીના આધારે અગોરા મોલ પાસે એટલાન્ટીક પાર્કમાં આવેલા એક ફલેટમાં ચાલતા બોગસ કોલ સેન્ટર પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે વિજય મનોજભાઈ ચૌહાણ (ઉ.38 રહે. સિધ્ધી કોમ્પલેક્ષ, સત્યમેવ
હોસ્પિટલ પાસે, ચાંદખેડા), જગદીશ ધીરૂભાઈ આહીર (ઉ.23 રહો. સત્યમ રેસીડેન્સી, નરોડા મૂળ રહે. ભાદરોડ, તા.મહુવા, જિ.ભાવનગર) અને કલ્પેશ ખીમજીભાઈ ગોહિલ (ઉ.23 રહે. એટલાન્ટીક પાર્ક, અગોરા મોલ પાસે, સુઘડ મૂળ રહે. હડમતીયા, જિ.ભાવનગર)ને ઝડપી લીધા હતા. આરોપીઓની પૂછપરછ દરમિયાન વિજય ચૌહાણ સૂત્રધાર હોવાનું સામે આવ્યું હતું. વિજય ચૌહાણે દિલ્હીના રાહુલ અને રોની પાસેથી વેબસાઈટ ભાડે રાખી તેમાં પોતાના મોબાઈલ નંબર એડ કર્યા હતા. વેબસાઈટમાં દર્શાવેલા મોબાઈલ નંબરો પર કોલગર્લની સર્વિસ માટે ફોન કરનારા ગ્રાહકોને વોટસએપ પર યુવતિઓના ફોટા મોકલવામાં આવતા હતા. કોલગર્લ સર્વિસ પૂરી પાડવાની લાલચ આપી ગ્રાહકો પાસેથી જુદીજુદી સર્વિસ પેટે બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવી ફોન નંબર બ્લેકલિસ્ટમાં મુકી દઈ છેતરપિંડી આચરતા હતા.