અમદાવાદ
કોવિડ-19ના કારણે લાગુ લૉકડાઉન દરમિયાન જન ઔષધી કેન્દ્રો પર એપ્રિલ 2020માં રૂ. 52 કરોડના ટર્નઓવર સાથે વિક્રમી વેચાણ
નવી દિલ્હી, 03-05-2020
કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન ખરીદી અને લોજિસ્ટિક્સની સમસ્યાઓ હોવા છતાં પણ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રો – PMBJAKએ એપ્રિલ 2020માં રૂ. 52 કરોડના ટર્ન ઓવર સાથે વિક્રમી વેચાણ કર્યું છે જ્યારે માર્ચ 2020માં રૂપિયા 42 કરોડનું વેચાણ થયું હતું. એપ્રિલ 2019માં જન ઔષધી કેન્દ્રો પર રૂ. 17 કરોડનું વેચાણ થયું હતું.
નવી દિલ્હી, 03-05-2020
ક્રમબદ્ધ, સક્રીયતાપૂર્ણ અને પૂર્વ-અસરકારક પ્રતિક્રિયા વ્યૂહનીતિ સાથે ભારત સરકાર તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કોવિડ-19 મહામારીના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ તમામ પગલાં પર નિયમિત ધોરણે સર્વોચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધને આજે લેડી હાર્ડિંજ મેડિકલ કોલેજની મુલાકાત લઇને કોવિડ-19 વ્યવસ્થાપનની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રીએ ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે ડાયરેક્ટરની ઓફિસ, ઇમરજન્સી, OPD, સેમ્પલિંગ કેન્દ્ર, કોવિડ બ્લૉક – મહત્વપૂર્ણ વિસ્તારો, રેડ ઝોન વિસ્તાર અને ડૉક્ટરો તેમજ આરોગ્ય કર્મચારીઓની ચેન્જિંગ સુવિધાની મુલાકાત લીધી હતી.
ડૉ. હર્ષવર્ધને સંતોષ વ્યક્ત કર્યો હતો કે, અહીંયા ડૉક્ટરો અને આરોગ્ય સ્ટાફને ઓન્કોલોજી ઇમારત, વિશેષ કોવિડ 19 સુવિધાના સ્થળે પોતાને જંતુમુક્ત રાખવા માટે તેમને વિશેષ સ્નાન, ચેન્જિંગ અને સ્પ્રેના છંટકાવની સુવિધા આપવામાં આવી છે. અગ્ર હરોળમાં કામ કરતા આ આરોગ્ય કર્મચારીઓ આ સ્થિતિ સામે અસરકારક રીતે સામનો કરી શકે તે માટે હોસ્પિટલના વહીવટીતંત્ર દ્વારા નિયમિત દિવસમાં બે વખત વાતચીત કરવામાં આવે છે તે પ્રયાસોની મંત્રીશ્રીએ પ્રશંસા કરી હતી.
ડૉ. હર્ષવર્ધને ભારતના લોકોને લૉકડાઉન 3.0 (17 મે 2020)નું અક્ષરશઃ પાલન કરવાની વિનંતી કરી હતી કારણ કે કોવિડ 19ના સંક્રમણની સાંકળ તોડવા માટે આ એકમાત્ર અસરકારક રીત છે. તેમણે દેશવાસીઓને વિનંતી કરી હતી કે, કોવિડ-19 દર્દીઓની સારવાર કરી રહેલા ડૉક્ટરો અને સ્ટાફ સાથે ગેરવર્તણૂક ન કરવી અને જેઓ કોવિડ-19 બીમારીનો સામનો કરી રહ્યા છે તેવા દર્દીઓ સાથે પણ ખરાબ વ્યવહાર ન કરવો.
દેશમાં અત્યાર સુધીમાં 10,632 દર્દીઓ સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 682 દર્દી સાજા થઇ ગયા છે. જે 26.59% દર્દીઓ સાજા થવાનો દર બતાવે છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 39,980 થઇ છે. ગઇકાલ સુધીમાં ભારતમાં કોવિડ-19ના નવા 2644 કેસો પોઝિટીવ મળ્યા હોવાની પુષ્ટિ થઇ છે.
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19@gov.in પર અને અન્ય પ્રશ્નો ncov2019@gov.inપર ઇમેલ પણ કરી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમનો ઉપયોગ ખાલી ટ્રકો સહિત માલવાહક વાહનોની અવરજવર માટે ડ્રાઇવરો અને ટ્રાન્સપોર્ટરોની ફરિયાદો/ પ્રશ્નોના ઉકેલ માટે કરવામાં આવશે
સમગ્ર દેશમાં લૉકડાઉન દરમિયાન એક રાજ્યથી બીજા રાજ્યમાં ખાલી ટ્રકો સહિત માલવાહક વાહનોની અવરજવર માટે ડ્રાઇવરો/ ટ્રાન્સપોર્ટરોની ફરિયાદો/ પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી થાય તેવા આશયથી કેન્દ્ર સરકારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે જ્યાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH)ના અધિકારીઓને પણ આ હેતુથી નિયુક્ત કરવામાં આવી રહ્યા છે.
લૉકડાઉન માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમનો નંબર 1930 લૉકડાઉનના સમય દરમિયાન ડ્રાઇવરો અને ટ્રાન્સપોર્ટરોને તેમની ફરિયાદો નોંધાવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. વધુમાં NHAIનો હેલ્પલાઇન નંબર 1033 પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સંબંધિત ફરિયાદો નોંધાવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. MoRTH, NHAI, રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના ટ્રાન્સપોર્ટ વિભાગો, ટ્રાન્સપોર્ટ સંગઠનો ડ્રાઇવરો અને ટ્રાન્સપોર્ટરોને જરૂર માહિતી પૂરી પાડવા માટે યોગ્ય પગલાં લેશે. ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમમાં નિયુક્ત કરવામાં આવેલા MoRTHના અધિકારીઓ ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર/ ડ્રાઇવરો સંબંધિત સમસ્યાઓ/ ફરિયાદોના નિવારણ માટે મદદરૂપ થશે. MoRTHના અધિકારીઓ આવી પ્રાપ્ત થયેલી ફરિયાદોનો દૈનિક અહેવાલ પણ તૈયાર કરશે.
અહીં નોંધનીય છે કે, લૉકડાઉન દરમિયાન સમગ્ર હેરફેરની કામગીરીનું સંચાલન ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અને માર્ગદર્શિકાઓ દ્વારા કરવામાં આવે છે.
આમાં માલવાહક વાહનોની અવરજવર સંબંધિત ડ્રાઇવરો અને ટ્રાન્સપોર્ટરોની ફરિયાદોનું નિવારણ લાવવામાં આવે છે જેમાં ખાલી ટ્રકો અને ડ્રાઇવર/ ક્લિનરોને તેમના રહેઠાણથી ટ્રક સુધી અને પાર્કિંગ વિસ્તારથી ઘર સુધી આવનજાવન તેમજ આંતર રાજ્ય હેરફેર સંબંધિત ફરિયાદોનું પણ નિવારણ લાવવામાં આવે છે.
આ વ્યવસ્થાતંત્રથી કોવિડ-19 મહામારીના કારણે ભારતમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં માલવાહક વાહનોનું આવનજાવન વિના અવરોધે થઇ શકે તે સુનિશ્ચિત કરવામાં ખૂબ મોટી મદદ મળશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કોવિડ યોદ્ધાઓને આ મહામારી સામે લડવામાં અતુલ્ય યોગદાન અને બલિદાન આપવા બદલ વંદન કર્યા
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે કોવિડ યોદ્ધાઓને આ મહામારી સામે લડવામાં તેમના અતુલ્ય યોગદાન અને બલિદાન આપવા બદલ તેમને વંદન કર્યા હતા.
શ્રી શાહે ટ્વીટમાં જણાવ્યું હતું કે, “ભારત પોતાના વીર કોરોના યોદ્ધાઓને વંદન કરે છે. હું આ સૌને વિશ્વાસ અપાવું છું કે, મોદી સરકાર અને સમગ્ર દેશ તમારી પડખે ઉભો છે. દેશને કોરોનાથી મુક્ત કરવામાં આપણે જે પડકારોને સામનો કરી રહ્યા છીએ તેને તકોમાં બદલવાની છે અને એક સ્વસ્થ, સમૃદ્ધ તેમજ સશક્ત ભારતનું નિર્માણ કરીને સમગ્ર દુનિયાને એક દ્રષ્ટાંત પૂરું પાડવાનું છે. જય હિંદ!”