પડતર માંગણીને લઇને ગુજરાતના મહેસૂલ વિભાગના કર્મચારીઓએ સરકારની સામે બાયો ચડાવી છે અને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. ગુજરાતમાં મહેસૂલ કર્મચારીઓને પગાર ઉપરાંત વર્ષ 2017ના ઠરાવથી પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી ગણવા નિર્ણય થયો છે પરંતુ ઇજાફાઓ આપવામાં આવ્યા નથી. આ ઉપરાંત મહેસૂલી કર્મચારીઓની 17 જેટલી માગણીઓને લઇને કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં ન આવતા મહેસૂલ વિભાગના કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. મહેસૂલ પ્રધાન કૌશિક પટેલને વારંવાર રજૂઆતો કરવા છતાં તેઓ આ પ્રશ્ને ઉકેલ ન લાવતાં તેમની સામે તેમના વિભાગના કર્મચારીઓ મેદાવે આવ્યા છે.
જમીનોની ચાવી આ કર્મચારીઓના હાથમાં હોવાથી કૌશિક પટેલે તુરંત માંગણીઓ સ્વિકારી લેવી પડશે.
મહેસૂલ વિભાગના કર્મચારીઓની માગ છે કે, પંચાયત તલાટીઓ સાથે તેમને મર્જ કરવામાં ન આવે. કારણ કે જો આવું કરવામાં આવશે તો 10 વર્ષની રેવેન્યૂમાં નોકરી બાદ પંચાયતમાં મર્જ થાય તો ફરીથી ટ્રેનિંગ લેવી પડે. ફરીથી ટ્રેનિંગ લેવાના કારણે તેમને નાણાકીય અને પ્રમોશનના લાભનો નુકશાન થાય તેમ છે. રેવન્યૂ તલાટીના 3200 કર્મચારીઓને મર્જ કરવામાં આવશે તો આગામી દિવસમાં આવનારી 6,000 લોકોની ભરતી પણ બંધ રહેશે.
રાજ્ય સરકારની સામે હવે સરકારી કર્મચારીઓ પણ આંદોલનના સુર છેડી રહ્યા છે. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવાની માગ કરી રહેલા વિદ્યાર્થીઓનું આંદોલન શરૂ છે. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવાની માગણી કરી રહેલા કેટલાક વિદ્યાર્થીઓને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરોએ પણ ટેકો આપ્યો છે. જેથી હવે વિદ્યાર્થીઓનું આંદોલન વધારે ઉગ્ર બનશે.