ક્રિપ્ટો કરન્સીના નામે કરોડોની છેતરપિંડી આચરનારી રાજકોટની ટોળકીને સીઆઈડી ક્રાઈમે ઝડપી

અમદાવાદ, તા.24

ક્રિપ્ટોકરન્સી રેકેટની અનેક ફરિયાદો સીઆઈડી ક્રાઈમમાં અત્યાર સુધીમાં નોંધાઈ ચૂકી છે. લગભગ નોંધાયેલી તમામ ફરિયાદ અને ભોગ બનનારા લોકો સુરતના છે, જ્યારે તાજેતરમાં નોંધાયેલી છેતરપિંડીની ફરિયાદમાં રાજકોટ વિસ્તાર ચમક્યો છે. પાવરયાત્રા પ્રા.લિ.ના રાજકોટ અને વડોદરાના બે ડાયરેક્ટરે એજન્ટ્સની મદદથી કરોડો રૂપિયા ઉઘરાવી લઈને છેતરપિંડી આચરી છે. છેતરપિંડીની ફરિયાદમાં 62.16 લાખનો ઉલ્લેખ થયો છે, પરંતુ તપાસ દરમિયાન ઠગ ટોળકીએ 43.18 કરોડની ઠગાઈ આચરી હોવાનો આંકડો હાથ લાગ્યો છે.

રાજકોટ ઝોન સીઆઈડી ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં ક્રિપ્ટોકરન્સીના નામે 62.16 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ નોંધાતાંની સાથે જ સીઆઈડી ક્રાઈમની ટીમે પાવરયાત્રા પ્રા.લિ.ના ડાયરેક્ટર પરાગ હસમુખભાઈ દોશી (રહે.રાજકોટ) અને જયેશ શાંતિલાલ દલવાડી (રહે. વડોદરા)ને ઝડપી લઈ લેપટોપ, 8 ચેકબુક અને 46 સમજૂતી કરાર કબજે લીધા છે. રોકાણ પર 8થી 10 ટકા કમિશન લઈને કામ કરતા રાજકોટના એજન્ટ દેવેન્દ્ર ધીરજલાલ મદાણી, કિરીટ તેજુભા જાડેજા, ભોગીલાલ પ્રભુદાસ શાહ અને ધીરજ મોહનભાઈ જોગિયાને પણ સીઆઈડી ક્રાઈમે ઝડપી લઈ મોબાઈલ ફોન તેમજ દસ્તાવેજો કબજે લીધા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પરાગ દોશી અને જયેશ દલવાડીએ સૌપ્રથમ ઈબીટી (એન્ટરટેઈન્મેન્ટ બિઝનેસ ટ્રાવેલિંગ) કોઈન લોન્ચ કરી રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી હતી. ત્યારબાદ પાવરબીટી અને પાવરયાત્રા કોઈન લોન્ચ કર્યા હતા. પાવરબીટીમાં અંદાજે 14,958 લોકોએ 50.45 કરોડનું રોકાણ કર્યું હતું, જેની સામે 17.65 કરોડ જ ચૂકવવામાં આવ્યા છે. પાવરયાત્રામાં અંદાજે 7592 લોકોએ 11.91 કરોડનું રોકાણ કર્યું છે અને તેની સામે માત્ર 1.52 કરોડની રકમ જ ચૂકવી છે. એટલે પાવરબીટી અને પાવરયાત્રા કોઈનના નામે 43.18 કરોડથી વધુ રકમની ઠગ ટોળકીએ છેતરપિંડી આચરી છે. કરોડોની છેતરપિંડી સામે માત્ર લાખો રૂપિયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.