અમદાવાદ
સપ્તાહના પ્રથમ દિવસે શેરોમાં બેતરફી વધઘટે ભારે ઘટાડો થયો હતો. સાઉદી આરબની કંપની અરામકોના બે પ્લાન્ટમાં ડ્રોન હુમલા પછી ક્રૂડ ઓઇલની કિંમતોમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડની કિંમતોમાં એક તબક્કે 20 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ભારત ક્રૂડ ઓઇલનો ચોખ્ખો આયાતકાર દેશ છે. વળી સરકારી ઓઇલ ફીલ્ડની હુમલાની અસર આખા વિશ્વ પર પડશે. જેથી સેન્સેક્સ 261.68 પોઇન્ટ તૂટીને 37,123.31 બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 72.40 પોઇન્ટ તૂટીને 11,004.50 બંધ રહ્યો હતો. નિફ્ટી50 ઇન્ડેક્સે 11,000ની મહત્ત્વની સપાટી જાળવી હતી.
ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારો થતાં નિફ્ટી સવારના સેશનમાં ગેપમાં ખૂલ્યો હતો અને ટ્રેડિંગ સેશનના અંતે નરમાઈ સાથે બંધ રહ્યો હતો.
બજારમાં ક્રૂડના ભાવમાં ભડકાથી શરૂમાં ઓઇલ-ગેસ શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. જેથી એચપીએલ, બીપીસીએલ અને આઇઓસીમાં ભારે ઘટાડો નોંધાયો હતો. આ સાથે બેન્ક, ઓટો, ફાઇનાન્સિયલ શેર, સરકારી બેન્કો, રિયલ્ટી, મેટલ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, પરંતુ મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં નવી લેવાલીએ ભાવમાં સુધારો થયો હતો. આ ઉપરાંત એફએમસીજી, આઇટી, ફાર્મા અને મિડિયા શેરોમાં સુધારો થયો હતો.
મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી 25 શેરોમાં મંદી થઈ હતી અને એનએસઈના નિફ્ટી50 ઇન્ડેક્સમાં 50માંથી 36 શેરોમાં મંદી થઈ હતી. મુંબઈ શેરબજારમાં 1384 શેરો ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે 177 શેરો સુધરીને બંધ રહ્યા હતા, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 1191 શેરો ઘટીને રહ્યા હતા, જ્યારે 991 શેરો વધીને બંધ રહ્યા હતા. જ્યારે બેન્ક નિફ્ટીના 12એ 11 શેરો ઘટીને સાથે બંધ થયા હતા.
અરામકોનો 100 અબજ ડોલરનો આઇપીઓ ટળે એવી શક્યતા
અરામકો પ્લાન્ટ પર ડ્રોન હુમલો એવા સમયે થયો છે, જ્યારે કંપની 100 અબજ ડોલરની મૂડી એકત્ર કરવા માટે આઇપીઓ લાવવાની તૈયારીમાં છે. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર આ હુમલા પછી આઇપીઓની યોજના કેટલોક સમય ટાળવામાં આવે એવી પૂરી શક્યતા છે. જોકે કંપનીના મૂલ્યાંકન પર આની પ્રતિકૂળ અસર જોવા મળે એવી ધારણા છે.
જોકે સાઉદી આરબની પાસે પેટ્રોલિયમ ઉત્પાદનના લાખ્ખો બેરલનો સ્ટોક છે. જેથી સંકટ સમયે આનો ઉપયોગ કરી શકાય એમ છે. વળી, સાઉદી આરબની કંપનીના સીઈઓ અમિન નસીરે બજારને વિશ્વાસમાં લેવાની કોશિશ કરતાં જણાવ્યું હતું કે ઉત્પાદન ક્ષમતા પુનઃ જૂના સ્તરે લાવવાના પ્રયત્નો ચાલુ છે. જોકે આમાં ઘણો સમય લાગવાની સંભાવના છે.
બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો
સાઉદી આરબની કંપની અરામકોના બે પ્લાન્ટ પર ડ્રોન હુમલા પછી ક્રૂડ ઓઇલના ઉત્પાદન પર સીધી અસર પડી હતી. જેથી ક્રૂડની કિંમતોમાં ભારે ભડકો થયો હતો. આ હુમલા બાદ વિશ્વની સૌથી મોટી ઓઇલ ઉત્પાદક અરામકોનું ઉત્પાદન આશરે અડધું થઈ ગયું છે. જેથી ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થયો હતો. ભારત પોતાની જરૂરિયાતના આશરે 80 ટકા ક્રૂડ ઓઇલની આયાત કરે છે. જેથી ક્રૂડની કિંમતોમાં તેજી રહી તો દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં આશરે 8-10 ટકા વધવાની શક્યતા છે. જેથી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં રૂ. 5થી રૂ. 10નો વધારો સંભવ છે. જો પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થશે તો કંપનીઓની નફાશક્તિ પર પ્રતિકૂળ અસર અને મોંઘવારી વધવાની ધારણા છે. વિશ્વના કુલ ક્રૂડ ઓઇલના ઉત્પાદન પર પાંચ ટકા અસર પડશે.
આર્થિક મોરચે વધુ એક એલાનની સંભાવના
નાણાપ્રધાન આર્થિક મોરચે વધુ એક રાહત માટે મોટી જાહેરાત કરે એવી સંભાવના છે, એમ સૂત્રો કહે છે. જો પ્રસ્તાવને અંતિમ સ્વરૂપ આપી દેવાશે તો આ શુક્રવારે આ એલાન થશે. અત્યાર સુધી સરકાર ત્રણ મોટી જાહેરાત કરી ચૂકી છે. નાણાપ્રધાને પહેલી જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે ટૂંક સમયમાં ઓટો ક્ષેત્ર માટે સ્ક્રેપ પોલિસી લાવશે.
હવે સરકાર ખેડૂતોને મદદ કરવા માટે ગ્રામીણ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ ઉપરાંત બજારની લિક્વિડિટી સમસ્યા કેવી રીતે હળવી કરવા ઉપરાંત સરકાર રાજકોષીય ખાધ પર કેવી રીતે ઘટાડવી એના પર કામ કરી રહી છે. આ સાથે સરકાર જીડીપીમાં કેવી રીતે વેગ લાવવો એના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
વ્યાજદર કપાત અંગે હાલ કશું કહેવું મુશ્કેલઃ આરબીઆઇ
રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે અરામકો હુમલાની અસર અંગે કહ્યું હતું કે આને સમજતાં હજી ઘણો સમય લાગશે. જો ક્રૂડની કિંમતો હવે વધશે તો દેશની ચાલુ ખાતાની ખાધ અને નાણાકીય સ્થિતિ પર પ્રતિકૂળ અસર પડશે. તેમણે જણાવ્યું હતું કે ઓઇલ ફીલ્ડ પર હુમલાની અસર પૂરા વિશ્વ પર પડશે.
બુસ્ટર ડોઝથી રિયલ્ટી અને એનબીએફસી શેરોને વેગ મળશે
સરકારના તાજેતરના પ્રોત્સાહન પગલાથી હાઉસિંગ ક્ષેત્રની રિયલ એસ્ટેટ કંપનીઓ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓના શેરોને વેગ મળવાની ધારણા છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને અધૂરા હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે ભંડોળ આપવા આશરે રૂપિયા 10,000 કરોડની જાહેરાત કરી છે. સરકાર અને બાહ્ય રોકાણકારો આ ફંડિંગ આપશે. જેથી એફોર્ડેબલ હાઉસિંગ કંપનીઓ અને એનબીએફસીના શેરોને વેગ મળવાની ધારણા છે. ચાલુ વર્ષે કેટલીક રિયલ એસ્ટેટ કંપનીઓના શેરોએ બજારમાં ચડિયાતો દેખાવ કર્યો છે. 2019માં અત્યાર સુધી બીએસઈના રિયલ્ટી ઇન્ડેક્સમાં 14.5 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. આની સામે બીએસઈના બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટીમાં માત્ર 3.6 ટકા વધારો થયો છે. બજારના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે રિયલ એસ્ટેટ ફાઇનાન્સ ક્ષેત્રમાં પિરામલ એન્ટરપ્રાઇઝ, એડલવાઇસ, પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ અને એચડીએફસીના શેરોમાં વધારો થઈ શકે છે. સરકારે નિકાસ ક્ષેત્ર માટે પણ પગલાંની જાહેરાત કરી છે.