ખંભાળિયામાં મંદીના માર વચ્ચે નિસ્તેજ દિવાળી : બજારોમાં ઘરાકીનો અભાવ

અમદાવાદ,તા:૨૧
હિન્દુઓના પવિત્ર પર્વ દિપોત્સવી તથા નૂતન વર્ષ નિમિતે અગાઉના વર્ષોમાં ભારે ઉતેજના અને ઉમંગ ભર્યો માહોલ પખવાડીયા પૂર્વે જ છવાઇ જતો. તમામ વેપાર-ધંધાઓમાં ભારે તેજી સાથે બજારોમાં દિવાળીની અનેરી રોનક જોવા મળતી હતી. આ સુવર્ણ દિવસો હાલ જાણે સ્વપ્ન બની ગયા હોય, તેવો ભાસ ખંભાળિયાના વેપારીઓ તથા વિવિધ ધંધાર્થીઓ કરી રહ્યા છે. ખંભાળિયા શહેરના વેપાર ધંધા વરસાદ તથા ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેતીની ઉપજ પર મહદ્ અંશે આધારીત છે. ત્યારે આ વખતે નોંધપાત્ર વરસાદ વચ્ચે આગામી વર્ષ ખેતી માટે ચૌદ આની-સોળ આની બની રહે તેમ કહેવાય છે આમ છતાં પણ આગામી તા.27મીને રવિવારે દિવાળી તથા તા.28મીએ નૂતન વર્ષને હવે એક સપ્તાહ જેટલો સમય જ છે, ત્યારે શહેરની બજારોમાં હજુ સુધી ખરીદીની ચમક જોવા મળી નથી.

નોંધપાત્ર વરસાદ અને સારા ચોમાસા છતાં જમીન, મકાન વ્યવસાયને પણ મંદીનું ગ્રહણ

પ્રકાશ અને ઉમંગના પર્વ દિવાળીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ખંભાળિયાની બજારોમાં હજુ સુધી દિવાળીની ઘરાકી નીકળી નથી. ખંભાળિયા શહેર સાથે સમગ્ર તાલુકામાં વિવિધ વેપાર-ધંધાને હાલ મંદીનો માર પડયો હોવાનું સ્પષ્ટ જોઇ શકાય છે.

ઓનલાઇન શોપીંગના ક્રેઝ

શહેરમાં વેપાર-ધંધામાં મંદી માટે નોટબંધી અને જીએસટીને પણ મહત્વનું પરિબળ માનવામાં આવી રહ્યું છે. આટલું જ નહિં, છેલ્લા વર્ષોમાં વધતા જતા ઓનલાઇન શોપીંગના ક્રેઝ તથા આકર્ષણે પણ શહેરના વેપારીજનોને મરણતોલ ફટકો માર્યો છે. આ પરિસ્થિતિમાં લોકોની ખરીદ શકિત દિવસે દિવસે ઘટી રહી હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે.
મલ્કત વેંચાણમાં નુકશાની

ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં બેફામ થયેલા પ્લોટીંગ તથા અન્ય પરિબળોના કારણે છેલ્લા ઘણા સમયથી જમીન-મકાનમાં ભારે મંદી જોવા મળી રહી છે. શહેરના હાર્દ સમા વિસ્તારોમાં પણ મિલ્કત વેંચાણમાં નુકશાની આવી રહી છે. આટલું જ નહિં, નવા પ્રોજેકટ કે પ્લોટીંગ મુકવામાં પણ બિલ્ડરો હાલ વિચાર કરી રહ્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષોની રીઅલ એસ્ટેટની મંદીના કારણે રોકાણકારો હવે પોતાનો વારો કયારે આવશે? તેની રાહ જોઇ રહ્યા છે. આ પરિસ્થિતિમાં હવે ચોમાસું સારૂ જતાં આગામી સમયમાં અચ્છે દિન આવશે તેવી હૈયાધારણા બિલ્ડરો-એસ્ટેટ બ્રોકરો આપી રહ્યા છે.

ખંભાળિયાને પણ સાર્વત્રીક મંદીનું ગ્રહણ

સાર્વત્રીક મંદીનું ગ્રહણ ખંભાળિયાને પણ લાગી ગયું હોય, તેમ શહેરની બજારોમાં ઘરાકીનો અભાવ જોવા મળે છે. આ સાથે વેપારીઓમાં પણ ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. ખંભાળિયાના એક અગ્રણી ઓટોમોબાઇલ ડીલરના જણાવાયા મુજબ આ વર્ષે નવરાત્રીમાં અગાઉના વર્ષોની સરખામણીએ ખૂબ જ ઓછા વાહનોનું વેચાણ થયું છે. આ સાથે સંભવત : આગામી મહિનાઓમાં ખેડૂતોના પાક બજારમાં વેંચાણ અર્થે આવે ત્યારે ઘરાકી નીકળે તેવો આશાવાદ પણ વ્યકત કરવામાં આવ્યો છે.