ખતરનાક કેમિકલથી હત્યાના ગુનામાં ભાજપના નેતા ધનસુખ ભંડેરીની સંડોવણી

પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે ખાડીમાં કેમિકલ ખાલી કરતા બે લોકોના મોત બાદ રાજકોટના પૂર્વ મેયર અને મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ અને લોકસભાની બેઠકના ભાજપના પ્રભારી ધનસખ ભંડેરી સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. તેમની સાથે બીજા 15 લોકો પણ છે. જેમાં 12ની ધરપકડ થઈ છે. હવે ભાજપના વિવાદાસ્પદ નેતા કંપનીના ધનસુખ ભંડેરી સહિતના ત્રણ માલિકોની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે.

9 ફેબ્રુઆરી 2019માં ગોકુલધામ પાસે ટેન્કરમાં ભરેલું ઝેરી તેજાબી કેમિકલ ખાડીમાં ખાલી કરતી વખતે ભગવાન રેવા ભરવાડ અને ભરત મેઘા સાટીયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઝેરી કેમિકલ વેસ્ટ ઝગડિયાની પ્રહરીત પ્રીગ્મેન્ટ એલ.એલ.પી. કંપનીનું હતું. એક ટન દીઠ રૂ.2300 કેમીકલને જાહેર સ્થળે ફેંકી દેવા માટે ચૂકવવામાં આવતાં હતા.

તેમના નામે અનેક વિવાદો થયેલાં છે

મૂળ અમરેલીના

મૂળ અમરેલી જિલ્લાના વતની ગુજરાત મ્‍યુનિસિપલ ફાઇનાન્‍સ બોર્ડના અધ્યક્ષ, જામનગર લોકસભા બેઠકના પ્રભારી 56 વર્ષના ધનસુખ ભંડેરી રાજકોટ શહેર ભાજપના પ્રમુખ, રામનપાના ખડી સમિતિના અધ્યક્ષ, રાજકોટના મેયર પદો પર રહી ચૂક્યા છે. તેઓ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની નજીકના સાથી છે.  પક્ષના જિલ્લા પ્રભારી તથા નિરીક્ષક તરીકે રહી ચૂક્યા છે. તેઓના સંપર્કો સારા છે. તેથી મુખ્ય પ્રધાન તેમને કાયમ જવાબદારી સોંપતાં રહ્યાં છે. છતાં તેમને ક્યારેય વિધાનસભાની ટિકિટ આપવા દેવામાં આવી નથી. તેના બદલામાં ગુજરાત ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ તરીકે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નિમણૂક આપી હતી.

સિંહો સાથે છબી

ભંડેરી ગીર જંગલમાં ગયા હતા ત્યારે સિંહ સાથે સેલ્ફી લીધી હતી. જે કાયદા વિરુદ્ધ હતું. છતાં આજ સુધી તેમની સામે કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. તેમને સિંહ સાથે રમવાનો પીળો પરવાનો આપવામાં આવ્યો હોય તેમ ગીરમાં બે સિંહ બાળને હાથમાં લઈને ફોટો પડાવ્યો હતો.

સોનિયા ગાંધી પર અભદ્ર ટીપ્પણી

રાજકોટના જસદણ ખાતે કાર્યક્રમમાં ભંડેરી મર્યાદા ચૂકી જઈને સારા દિવસો અંગે સોનિયા ગાંધીની ટીપ્પણી કરતાં ગયા હતા. કુંવરજી બાવળીયાએ ભંડેરીનો વિરોધ કર્યો હતો. ધનસુખ ભંડેરીનું પૂતળું બાળ્યું હતું. કોંગ્રેસ કાર્યકરો ત્રિકોણબાગ ખાતે ભાજપના સેવા સેતુ કાર્યક્રમમાં વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ મેયરની નંબર પ્લેટ તોડી નાંખી હતી. 7 જાન્યુઆરી 2017માં સુરતમાં ધનસુખ ભંડેરીનો હુરીયો બોલાવાયો, મહિલાઓએ ચપ્પલ હાથમાં લીધા હતા.

વજુભાઈ સાથે ભંડેરી ભરાયા

રાજકોટના ભૂતપૂર્વ ભાજપના નેતા અને કર્ણાટકના રાજ્યપાલ વજુ વાળાએ સોમવારે રાજકોટમાં એક કાર્યક્રમમાં કરેલી હળવી ટકોરનો જવાબ આપવા જતાં ભાજપના નેતા ધનસુખ ભંડેરી ભેરવાઈ ગયા હતા. વાળાએ રાજકોટમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, મને તો ભાજપવાળાએ રાજકારણમાંથી કાઢ્યો છે એટલે હું કાંઈ ન કરી શકું પરંતુ ભાજપવાળાને કહી જરૂર શકું. ધનસુખ ભંડેરીએ જવાબ આપ્યો કે રાજકોટ મહાનગરપાલિકા રેસકોર્સ 2 ડેવલપ કરી રહી છે અને તેમાં સવાર સુધી કોઈ પણ કાર્યક્રમ ચાલી શકે તેવી સુવિધા ઉભી કરાશે. આ સાંભળીને વજુભાઈએ સામું પૂછ્યું હતું કે રેસકોર્સ 2ની યોજના સારી છે પણ તે પૂરી ક્યારે કરવાના છો? વર્ષોના વર્ષો વીતી જાય તેવું ન કરતાં. આ સાંભળી ભંડેરી ચૂપ થઈ ગયા હતા.

ભંડેરી સામે મૌન

ભંડેરી સામે ટેલિવિઝન કે છાપાના માલિકો લખી શકતાં નથી. રાજકોટના છાપાઓ તેમની સામે લખી શકતા નથી. તેમની અનેક એવી બાબતો છે કે જે લખી શકાય તેમ છે. પત્રકારો પર તેઓ સતત દબાણ કરતાં રહે છે.