ખાનગી લકઝરી બસ સંચાલકોની ઉઘાડી લૂંટ, ભાડામાં બમણો વધારો કરાયો

અમદાવાદ, તા. 12

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે સુરતથી સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાત તરફ આવતા મુસાફરોની મજબૂરીનો લાભ ઉઠાવીને ખાનગી બસ ટ્રાવેલ્સ સંચાલકોએ ભાડાં વધારી દીધા છે. સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ગામોમાં આવવા માટે ખાનગી બસ ટ્રાવેલ્સ દ્વારા ભાડાંમાં બમણો વધારો કરી દીધો છે. એટલું જ નહિ ખાનગી લક્ઝરી બસના સંચાલકો દ્વારા સ્લિપર બસમાં એક સીટમાં એક વ્યક્તિને બદલે બે બે મુસાફરોને બેસાડી રહ્યા છે.

ખાનગી બસીસમાં મુસાફરી કરવાની મજબૂરીનો લાભ લેતા બસ સંચાલકો

દિવાળીનો તહેવાર આવતા જ સુરત અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં સ્થાયી થયેલા લોકો પોતાના  મુળ વતન તરફ પ્રયાણ કરતા હોય છે. આ માટે મુસાફરો સરકારી કે ખાનગી વાહનો-બસીસનો ઉપયોગ કરે છે. ગુજરાતમાં અંદાજે 7200 જેટલી ખાનગી ટ્રાન્સપોર્ટની બસીસ નોંધાયેલી છે.  તહેવારના દિવસોમાં સરકારી બસીસમાં પણ ભારે ધસારો જોવા મળે છે જેથી મુસાફરો મો માગ્યુ ભાડુ આપીને મજબુરીવશ ખાનગી વાહનોનો ઉપયોગ કરવો પડે છે. દિવાળી જેવા તહેવારોમાં મુસાફરો જયારે બહોળી સંખ્યામાં પોતાના વતન કે પ્રવાસન સ્થળે જતા હોય ત્યારે ખાનગી બસીસના સંચાલકો મુસાફરોની મજબુરીનો બરાબર લાભ લે છે અને તેમની પાસેથી મનફાવે તેમ ભાડુ વસુલે છે.  આમ મુસાફરો છડેચોક લુંટાઈ રહ્યા છે, ખાનગી બસ સંચાલકો વધુ નફાની લાલચે  ક્ષમતા કરતા વધારે મુસાફરો ભરીને   આરટીઓ નિયમના લીરેલીરા ઉડાડી રહ્યા છે. ટ્રાફિક નિયમાવલીમાં કે લાયસન્સ પ્રોવાઈડ કરવામાં આકરુ બનતુ આરટીઓ  તંત્ર  અહી કેમ મૌન છે? કેમ આ સંચાલકોની બસીસ બરોકટોક દોડી રહી છે? તે પ્રશ્ન દરેક જાગૃત નાગરિકને થઈ આવવો સ્વભાવિક છે.

પહેલા 600 માં મળતો સીંગલ સોફાના રુ.1200 વસુલાય છે, ડબલ સોફાનો ભાવ 1200 માંથી 2500 પર

હાલમાં દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે સુરતથી સૌરાષ્ટ્ર તરફના રૂટ ઉપર ચાલતા ખાનગી બસ ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા બસ ભાડાંના દરમાં વધારો જાહેર કરાયો છે. જેમાં હાલમાં ચાલતા ભાડાંના બમણો વધારો કરાયો છે.  સુરતથી સૌરાષ્ટ્ર તરફ એટલે કે તળાજા, મહુવા, રાજુલા, વિજપડી, ઉના જેવા રૂટ માટે ચાલુ દિવસોમાં ખાનગી સ્લિપર લક્ઝરી બસોમાં એક સીટ (સોફા)નું ભાડું છસોથી સવા છસો રૂપિયા લેવામાં આવતું હોય છે. પરંતુ દિવાળી વેકેશન આવે છે ત્યારે સંચાલકોએ એક સીટ સોફાનું ભાડુ 1200 લે છે. સામાન્ય દિવસોમાં રુપિયા 1200માં મળી જતા ડબલ સોફા માટે હવે 2500 રુપિયા સુધીનું ભાડુ વસુલાય છે.

 

લક્ઝરી બસ એસોસિયેશનના નામે ભાડાં પત્રક ફરતું થયું

સુરત લક્ઝરી બસ એસોસિયેશન દ્વારા સુરતથી તળાજા, મહુવા, રાજુલા, વિજપડી અને ઉના રૂટ માટેનું ભાડું જાહેર કરાયું છે જે સોશિયલ મીડિયા પર ફરતું થયું છે. જે મુજબ તા. 16થી 18 ઓક્ટોબર સુધી ટિકિટનો ભાવ રૂપિયા 800,  જ્યારે 19 અને 20 ઓક્ટોબર માટે રૂ. 900 લેવાશે. જ્યારે તા. 21 મી માટે આ ભાડું વધીને રૂ. 1000 લેવાશે. જ્યારે તા. 22મીના રોજ રૂ. 1000 અને તા. 23થી 27 સુધી રૂ. 1200 વસૂલવામાં આવશે. જ્યારે કેબિન માટે રૂ. 400 લેવાશે. જ્યારે તા. 27મીને દિવાળીથી લઈને તા. 1 નવેમ્બર સુધી એટલે કે લાભ પાંચમ સુધી રૂ. 1000 ભાડું વસૂલવામાં આવશે.

ભાડાંમાં વધારો નથી કર્યો સીટના બદલે વ્યક્તિ દીઠ ભાડું લઈએ છીએ: ખાનગી લક્ઝરી બસ સંચાલક

લક્ઝરી બસ એસોસિયેશનના નામે ફરતાં થયેલા ભાડાં પત્રકને સુરત ખાનગી લક્ઝરી બસ સંચાલક એસોસિયેશનના પ્રમુખ દિનેશભાઇ અણઘડે બોગસ ગણાવીને જણાવ્યું હતું કે, આ અમારા એસોસિયેશન દ્વારા જાહેર કરાયું નથી. તેમણે જણાવ્યું હતું કે, ખાનગી લક્ઝરી બસ સંચાલકો દ્વારા ભાડાંમાં કોઈ વધારો નથી કરાયો પરંતુ ઓફ સિઝનમાં અમે સીટ (બેઠક-સોફા) દીઠ ભાડું લઈએ છીએ. જેમાં એક સિંગલ સોફામાં બે વ્યક્તિ જતી હોય છે જ્યારે ડબલના સોફામાં ચાર વ્યક્તિ જતી હોય છે. પરંતુ દિવાળીના તહેવારોને લઈને મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે ઓફ સિઝનમાં અહીથી જતી બસ બીજે દિવસે રાતે પરત આવતી હોય છે. પરંતુ દિવાળીના તહેવારોમાં રાતના બદલે સવારે જ બસ પરત આવે છે. જેના કારણે અમારે ડબલ સ્ટાફ તેમજ મેંટેનન્સ વધી જાય છે. જેના કારણે અમે દર વર્ષે આવો નિર્ણય લઈએ છીએ.

આરટીઓ કુંભકર્ણ નિદ્રામાં કેમ?

ખાનગી બસીસની બેઠક વ્યવ્સ્થા પ્રમાણે જોઈએ તો માત્ર  ટુ બાય ટુ સીટીંગ વ્યવ્સથા ધરાવતી બસીસમાં 41 થી 45 સીટ્સ હોય છે, સ્લીપર કોચ બસીસમાં જોઈએ તો તેમાં સીંગલ અને ડબલ મળીને કુલ 30થી 31 જેટલા સોફા હોય છે. દિવાળીના તહેવારોમાં મુસાફરોના ધસારા સામે ખાનગી બસ સંચાલકો દ્વારા સ્લિપર બસમાં સિંગલની સીટમાં બે અને ડબલની સીટમાં ચાર મુસાફરોને બેસાડતા હોય છે. આ સંજોગોમાં જો કોઈ અકસ્માત થાય તો તેને માટે કોણ જવાબદાર ઠરે? ટ્રાફિક નિયમાવલીમાં કે લાયસન્સ પ્રોવાઈડ કરવામાં આકરુ બનતુ આરટીઓ  તંત્ર  અહી કેમ કોઈ કડક પગલા લેવાને બદલે કુંભકર્ણ નિદ્રામાં પોઢી ગયુ છે? કેમ આ સંચાલકોની બસીસ બરોકટોક દોડી રહી છે? આ પ્રશ્નો દરેક જાગૃત નાગરિકને થઈ આવવો સ્વભાવિક છે.