ખારવા જ્ઞાતિથી બહાર કઢાતાં ભાજપના કોર્પોરેટર બેબીબેનનું રાજીનામું

જાફરાબાદ નગરપાલિકાના ભાજપના નગરસેવિકા બેબીબેન સોલંકીએ રાજીનામું આપી દીધું છે. તેનું કારણ એવું છે કે, તેના ભાઈને ખારવા જ્ઞાતિમાંથી બહાર કાઢી મૂકાતા સભ્‍યપદેથી રાજીનામું ધરી દીધું છે. ગુજરાતમાં આજે પણ નાત બહાર મૂકવાની ક્રુર પ્રથાનો સામનો ચૂંટાયેલાં ભાજપના સભ્ય કરી રહ્યાં છે.  સમાજના બની બેઠેલા નેતાઓ આજે પોતાની જ્ઞાતિઓમાં કાયદા અને ભારતના બંધારણ વિરુદ્ધ મનમાની કરતાં હોવાના બનાવ બનતાં બાબીબેને અવાજ ઉઠાવ્યો છે. પોતાના ભાઈને માર મારવા બદલ ખારવા જ્ઞાતિના પ્રમુખ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેથી તેમના ભાઈને જ્ઞાતિ બહાર ધકેલી દીધા હતા.

રાજીનામા પત્રમાં બાબીબેન સોલંકીએ જણાવ્યું છે કે, જાફરાબાદ ખાતે ગત નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.-રમાં સભ્‍ય પદે ખારવા સમાજ દ્વારા મને ઉભી રાખલી અને હું ચૂંટાઈ આવી હતી. ગત સમયમાં નગરપાલિકાના વર્તમાન કારોબારીના ચેરમેન ખારવા સમાજના જ્ઞાતિપટેલ કે જેઓએ જાફરાબાદ ખાતે રહેતા અમારા ભાઈને ઢોર માર મારેલો હતો. જેથી મારા ભાઈએ તેની વિરૂઘ્‍ધ પોલીસમાં ફરિયાદ લખાવેલી હોય તેમણે જ્ઞાતિ સત્તાનો ગેરકાયદેસર દૂરઉપયોગ કરી અમારા ભાઈને ખારવા જ્ઞાતિ બહાર મૂકેલા છે. જે ભારત સરકારના નિયમોનો સરેઆમ ગુનો બને છે. અમારી જ્ઞાતિના આગેવાન તથા નગરપાલિકાના ચેરમેન મનસ્‍વી વર્તન કરતા હોય અને તેમના હોદાનો દૂરૂપયોગ કરતા હોય તેનાથી નાખુશ થઈ હું ઉપરોકત કારણે મારી ફરજ એટલે કે નગરપાલિકાના વોર્ડ નંબર 2ના સભ્‍ય પદેથી રાજીનામું આપું છું. તો મારા રાજીનામું સ્‍વિકારી લેવું.

પ્રમુખ સામે વાંધો પડતાં ખારવા કુટુંબને જ્ઞાતિ બહાર મૂકી દીધું

ખારવા પરિવારો વચ્ચે સામાન્‍ય બાબતની તકરાર થઈ હતી. 10 સભ્યોના પરિવારને ખારવા સમાજનાં પ્રમુખે જ્ઞાતિ બહાર કરી દીધા છે. તેથી પરિવાર મુશ્કેલીમાં આવી પડ્યું છે. તેમણે દરિયામાંથી પકડેલી રૂ.1.50 લાખની માછલીઓ પણ કોઈએ ન લેતાં તે બગડી ગઈ છે. તેમની સાથેના તમામ વ્યવહારો કાપી નાંખવા પ્રમુખે તેની જ્ઞાતિને આદેશ કર્યો છે.  આ સંદર્ભે અમરેલી કલેક્ટરની સમક્ષ પરિવારે ફરિયાદ કરી છે પણ તેમની વાત કલેક્ટર પણ સાંભળતી નથી. સરકારે પણ હાથ ઊંચા કરી દેતાં આખરે પરિવાર દ્વારા ન્યાય આપવા માટે જાહેર માંગણી કરી છે અને જો ન્યાય નહીં મળે તો તેઓ સામૂહિક આત્મહત્યા કરી લેશે.

આમ ભાજપની નિષ્ફળ એવી વિજય રૂપાણીની સરકારમાં જે રીતે અન્યાય માટે જાહેરમાં સળગી મરવાની અને અત્મહત્યા કરવાની ઘટના વધી છે તેમાં એક ઉમેરો થયો છે. લોકો હવે સરકારના અને સમાજના અન્યાયના કારણે જાહેરમાં પોતે જ પોતાની હત્યા કરી રહ્યાં છે.

હજુ જો ગયા મહિને 30 નવેમ્બરે તો જાફરાબાદમાં સમાજ સુધારવાનો ખારવા સમાજ દ્વારા 22મો સમુહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 123 યુગલ લગ્નમાં જોડાયા હતા. આખો સમાજ ઉત્સાહભેર મહારાષ્ટ્રના ડીજેના તાલે નાચ્યો હતો. ગુજરાત ખારવા સમાજના ઉપપ્રમુખ જીતુ કુહાડા, ગુજરાત માછીમાર સેલના વેલજી મસાણી, ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ ગોપાલ ફોફંડી, તા.પં. પ્રમુખ કરણ બારૈયા, ચેતન શિયાળ, કોળી સમાજના પટેલ જીવન બારૈયા, વેપારી એસો.ના પ્રમુખ હર્ષદ મહેતા, ખાલા વંશ, રામજી, બચુ, નાનુ અશ્વિન, નારણ બારૈયા, નરેશ બારૈયા સહિત આગેવાનો હાજર હતા.

એકહથ્થુ શાસન જવાબદાર

જાફરાબાદ નગરપાલિકાની તમામ 28 બેઠકો પર ભાજપના સભ્યો બિનહરિફ ચૂંટાયા હતા. કોંગ્રેસ એક પણ ઉમેદવાર ઊભો રાખી શકી ન હતી. ભાજપના હીરા સોલંકીએ અહીં વગ વાપરીને એકહથ્થું શાસન પ્રસ્થાપિત કર્યું હતું. આ ઉપરાંત કોસ્ટલ બેલ્ટ અને દરિયાકાંઠાના આ શહેરમાં જ્ઞાતીના મંડળો જ સ્થાનિક ચૂંટણીમાં કોણ લડશે તે નક્કી કરતાં હોય છે. ચૂંટણી કરવી કે નહી તે પણ જ્ઞાતિ જ નક્કી કરતી હોય છે. જાફરાબાદ નગરપાલિકા આખે આખી ભાજપ્ની તરફેણમાં બિનહરીફ થઈ હતી અને તેમાં પ્રમુખપદે કોમલબેન બારૈયા અને ઉપપ્રમુખ તરીકે હાજી કબીર મોગલની વરણી કરવામાં આવી છે.