સિંધુભવન રોડ પર ખાલી પડેલો 3800 વારનો પ્લોટ બારોબાર ભાડે આપી દઈને કરાર કરી ડિપોઝીટ તેમજ ભાડા સહિત 7.61 લાખ વસૂલનારા બે ગઠીયાઓ ફરિયાદ નોંધાઈ છે. મૂળ માલિકે જમીનનો કબ્જો લેતા સમગ્ર છેતરપિંડીનો ભાંડો ફૂટતા વસ્ત્રાપુર પોલીસે મેમનગરના રમેશ દેસાઈ અને પરાગ ગણાત્રા (રહે. ઈન્દ્રપ્રસ્થ ટાવર, ડ્રાઈવઈન રોડ) સામે ગુનો નોંધી દસ્તાવેજો કબ્જે લઈ તપાસ શરૂ કરી છે.
જયવીરસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા (રહે. હરિવીલા રો હાઉસ, સીમા હોલ સામે, આનંદનગર રોડ)ને ફૂડ સ્ટોલ શરૂ કરવા માટે જગ્યા શોધી રહ્યા હતા. રમેશ દેસાઈ અને પરાગ ગિરધરભાઈ ગણાત્રાએ સિંધુ ભવન રોડ સુમેલ ટાવર પાસે આવેલા 3800 વારનો પ્લોટ બતાવી પોતાની માલિકીનો હોવાનું જણાવ્યું હતું. પ્લોટ પસંદ આવતા જયવીરસિંહ અને તેમના ભાગીદાર કેયુર સમીરભાઈ શાહે તા. 1 ઓક્ટોબર 2018થી તા. 29 સપ્ટેમ્બર 2019 સુધીનો મહિને 80 હજારના ભાડાનો કરાર કર્યો હતો. ત્યારબાદ પ્લોટ પર બાંધકામ કરી 30 લાખનો ખર્ચ કરી કોફી બાર શરૂ કરવામાં આવ્યો હતો. ડિપોઝીટ પેટે અઢી લાખ રોકડ અને 51 હજાર રૂપિયા ચેકથી આપવામાં આવ્યા હતા.
શરૂઆતના બે મહિના 80-80 હજાર લેખે અને ત્યારબાદ એક-એક લાખ એમ કુલ 3.60 લાખ રૂપિયા ભાડું રોકડેથી ચૂકવવામાં આવ્યું હતું. ગત માર્ચ-2019માં બંને આરોપીઓએ મહિને 1.20 લાખનું ભાડુ નક્કી કરી નવો ભાડા કરાર બનાવ્યો હતો. ગત મે મહિનામાં જમીનના મુળ માલિક પરેશ નટવરભાઈ પટેલ અને દિપક પરમાનંદ નિમ્બાર્કે કોર્ટના આદેશથી પોલીસ પ્રોટેકશન મેળવી પ્લોટ ખાલી કરાવ્યો હતો. જમીન માલિક નહીં હોવા છતાં રમેશ દેસાઈ અને પરાગ ગણાત્રાએ ભાડા કરાર કરી લાખો રૂપિયા ભાડા અને ડિપોઝીટ પેટે પડાવ્યા હોવાની માહિતી સામે આવતા છેતરપિંડીની ફરિયાદ પોલીસે નોંધી છે.