ખૂનના કેદી ભાજપનો પ્રચાર કરવા જેલથી બહાર કેમ આવ્યો, તપાસ શરૂ

ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ખૂન કેસની સજા ભોગવી રહેલાં અનિરૂદ્ધસિંહ જાડેજા જેલમાં હતા તેમ છતાં તે સારવારના બહાને જેલની બહાર આવીને ભાજપનો પ્રચાર કરતાં હતા તે અંગે ત્યારે ભારે વિવાદ સર્જયો હતો. આ અંગે ગુજરાતની વડી અદાલતે તેમની સામે તપાસ કરવાનું કહેતાં સરકાર અને જેલ સત્તા વાળાઓ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેમને જેલની બહાર લાવવા માટે કયા ભાજપના રાષ્ટ્રીય નેતાએ મદદ કરી હતી તે વિગતો બહાર ન આવે તેની પૂરી તકેદારી રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના મજબૂત પટેલ નેતા સ્વ.પોપટ સોરઠિયાની હત્યા 15મી ઓગસ્ટના રોજ ધ્વજવંદનના કાર્યક્રમમાં જ કરવાના કેસમાં અને ટાડા હેઠળ કસૂરવાર ઠેરવવામાં આવેલા ગોંડલના અનિરુદ્ધ જાડેજા જેલમાં સજા કાપી રહ્યા હોવા છતાં ભાજપના ઉમેદરાવોનો પ્રચાર કરીને મતદારો માટે ચોક્કસ પ્રકારનો મેસેજ આપવામાં આવતો હતો. તેમ છતાં તે સમયે રાજકોટ, પોરબંદર, જુનાગઢ અને જામનગરના જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીએ કોઈ જ વાંધો લીધો ન હતો કારણ કે ગુનેગાર અનિરૂદ્ધ ભાજપના નેતા છે.

તે જેલમાંથી કેવી રીતે સારવારના બહાને હોસ્પિટલમાં જવાના બદલે ગત વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રચાર સભાઓ ભરી રહ્યો હતો તે અંગે જેલ સત્તાવાળાઓની પણ સંડોવણી બહાર આવે તેમ છે. તેને હોસ્પિટલમાં મોકલવાના બદલે સૌરાષ્ટ્રમાં કોણે મોકલ્યો હતો તે અંગેની વિગતો અધિકારીઓ જાણતાં હોવા છતાં બધા મૌન બની ગયા છે. આવા ગંભીર આક્ષેપોની ગુજરાતની વડી અદાલતે અત્યંત ગંભીર નોંધ લીધી છે. સમગ્ર મામલે સ્થાનિક ડિસ્ટ્રિક્ટ જજને તપાસનો આદેશ કરી ત્રણ મહિનામાં તેનો રિપોર્ટ સુપરત કરવાની તાકીદ કરી છે. તેથી અત્યંત ઝડપથી તેની તપાસ કરવી પડે તેમ છે.

અનિરુદ્ધ જાડેજાએ તે ચૂંટણીના પ્રચાર દરમિયાન કાયદાની ઐસી તૈસી કરી ભાજપના ઉમેદવારની પ્રચાર સભામાં હાજર રહ્યા હોવાની ફરિયાદ સાથે પિટિશન કરી હતી. જે અંગેના તેમના નિવેદનો અને વિડિયો ફિલ્મ સાથે અનેક પૂરાવા હોવાથી તેમની સામે કાર્યવાહી કરવી પડે તેમ છે.

જેમાં 10 ઓગસ્ટ 2018ને શુક્રવારે વડી અદાલતના જસ્ટિસ જે બી પારડીવાલાએ આ બાબતે ગંભીર ગણીને આકરી ટીકા કરી હતી કે આ દોષિત ગુનેગાર 4 ડિસેમ્બર, 2017ના દિવસે જેતપુરની સભામાં હાજર હોવાનું  પુરવાર થયું છે. કોર્ટે અત્યંત આકરા શબ્દોમાં નોંધ્યું કે, ટાડાની જોગવાઈ હેઠળ અને હત્યાનો કસૂરવાર કેદી એક કોન્સ્ટેબલે જવા દીધો એટલે જાહેર સભામાં પહોંચ્યો તે કોર્ટના ગળે ઊતરતી વાત નથી. આથી માત્ર જેલવાળા જ નહીં પરંતુ હોસ્પિટલના મેડિકલ ઓફિસર અને સંબંધિત સ્ટાફની પણ ડિસ્ટ્રિક્ટ જજે તપાસ કરવાની રહેશે. કારણ કે, આખા મામલે એક કોન્સ્ટેબલને બલિનો બકરો બનાવવાની પેરવી થતી હોવાનું જણાય છે. જાડેજા 29 દિવસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા. તેમાંથી માત્ર ૧૨ જ દિવસ ત્યાંના તબીબોએ તેમને ચકાસેલા હતા. તે પણ ખરેખર સાચું છે કે કેમ તે પણ તપાસનો મુદ્દો છે.