ખેડબ્રહ્મા-વિજયનગરમાં પાક નુકસાનીનો સર્વે શરૂ

હિંમતનગર, તા.૦૫ 

2 જી નવેમ્બરે સા.કાં. જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં એક ઇંચથી વધુ કમોસમી વરસાદ થવાને કારણે ખેતીપાકને સંભવિત નુકસાની અંગે બંને તાલુકાના 982 થી વધુ ખેડૂતોએ જાણ કરતાં નાયબ ખેતી નિયામક વિસ્તરણ કચેરી દ્વારા વીમા કંપનીને સર્વે હાથ ધરવા સૂચના અપાઇ છે. બીજી બાજુ જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા પણ ગ્રામ સેવકોના માધ્યમથી સર્વે કામગીરી હાથ ધરાઇ છે.

આ અંગે નાયબ ખેતી નિયામક વિસ્તરણ પી.બી. ખિસ્તરીયાએ જણાવ્યુ કે 982 થી વધુ ખેડૂતોએ નુકસાની અંગે જાણ કરતા વીમા કંપનીને સર્વે કરવા સૂચના અપાઇ છે. તેમણે ઉમેર્યુ કે જે ખેડૂતોએ વીમો લીધો હશે તેમને વચગાળાની રાહત રૂપે વીમો ચૂકવાશે. ફાઇનલ ઉત્પાદન બાદ ચૂકવાનાર વીમાની રકમમાંથી આ રકમ મજરે લેવાશે. નોંધનીય છે કે 30 સપ્ટેમ્બરે થયેલ ભારે વરસાદ બાદ થયેલ 800 અરજીઓ પૈકી 200 ખેડૂતોએ જ પ્રીમીયમ ભર્યું હોવાનુ સર્વે દરમિયાન બહાર આવ્યુ હતું. ખેતીવાડી અધિકારી વી.કે. પટેલે જણાવ્યુ કે શનિવારે વરસાદ થયા બાદ રવિવારે ગ્રામ સેવકો સાથે બેઠક કરી સર્વે શરુ કરી દેવાયો છે અને નુકસાની ના આંકડા આવ્યા બાદ સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી ગ્રાન્ટ મેળવવા દરખાસ્ત કરાશે.

ધિરાણ લેનાર તમામ ખેડૂતોનુ વીમા પ્રીમીયમ ભરાઇ ગયુ છે. પરંતુ કયા ક્રોપનુ પ્રિમિયમ ભરવુ તેનાથી ખેડૂતો પરહેજ કરે છે. વળતર માટે અરજી થયા બાદ સર્વે ટીમ ખેતરમાં પહોંચે છે. ત્યારે ક્રોપ-બીજો નીકળે છે વળી, જ્યારે પણ નુકસાનીનો સર્વે થાય છે ત્યારે નુકસાનની ટકાવારી પ્રમાણે જ વળતર મળે છે. પૂરા પાકનુ મળતુ નથી. વીમાની આંટી ઘૂંટીઓની ખેડૂતોને ખબર ન હોવાથી અંતે ખેડૂતોની આશાઓ ઠગારી નીવડે છે.

સાબરકાંઠા જિલ્લામાં 57 હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થયુ છે અને 11.5 લાખ ક્વિન્ટલ ઉત્પાદન થવાની સંભાવના છે. અત્યાર સુધીમાં જિલ્લાના ખુલ્લા બજારમાં 1 લાખ ક્વિન્ટલ મગફળીની ખરીદી થઇ ચૂકી છે. બીજી બાજુ 23 હજાર ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. તે પૈકી પ્રથમ દિવસે 34 ખેડૂતોએ 711 ક્વિન્ટલ મગફળીનુ વેચાણ કર્યું હતું. આ આંકડા જોતા મગફળીમાં સરેરાશ નહિવત્ નુકસાન બહાર આવે તો નવાઇ પામવા જેવુ નહી રહે. ખેડૂતોને ચાર-પૂળાનુ મોટુ નુકસાન થયુ છે.