ભાભર, તા.૨૨
અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ ઉક્તિને ચરિતાર્થ કરતી ભાભરના મીઠા ગામની પ્રતિભાશાળી દીકરી આશા ઠાકોરે ભારતમાં પણ જે રમત પ્રત્યે ઓછો ક્રેજ છે તે રગ્બીમાં ગોલ્ડ મેડલ જીતનારી આશા ઠાકોર દુનિયાભરમાં ભારતનો ડંકો વગાડવાની મહેચ્છા ધરાવે છે. અત્યંત ગરીબ પરિવારમાંથી આવતી આશાના અરમાનોને પાંખ આપવા હવે વિવિધ સંસ્થાઓ આગળ આવી છે.
ભાભરના મીઠા ગામે રહેતી અને સામાન્ય પરિવારમાંથી આવતી આશાએ મેળવેલી સિદ્ધિ ખરા અર્થમાં અસામાન્ય છે. ગુજરાત તો ઠીક ભારતમાં પણ જેનો ક્રેઝ નથી તેવી રગ્બીની રમતમાં આશાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. દીયોદરની કસ્તૂરબા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી આશાએ ગત વર્ષે રાજ્યકક્ષાની રગ્બી ગેમમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. તો ચાલુ વર્ષે અન્ડર-19માં દીયોદરની રગ્બી ટીમે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી સેમિફાઇનલ સુધીની સફર ખેડી. આશા તેની સિદ્ધિનો શ્રેય તેના શિક્ષક અને કોચને આપી રહી છે.
રગ્બીમાં મેળવેલા મેડલ કરતા પણ વધુ પ્રેરણાદાયી આશાએ કરેલો સંઘર્ષ છે. 2 વર્ષ પહેલાં પિતાની છત્રછાયા ગુમાવી માતાના સહારે ઉછરી રહેલી આશાના પરિવારમાં 3 બહેનો અને 3 ભાઇઓ છે. ભાઇઓ નાના હોવાથી આશા ખેતીકામ અને ઘરકામ પણ જાતે જ કરે છે.
આશાની સિદ્ધિઓ જાણી ભાભરની સદારામ યુવા શિક્ષણ સમિતિએ આશાનો શૈક્ષણિક તેમજ રગ્બી માટે જરૂરી તમામ ખર્ચ ઉપાડવાની જાહેરાત કરી છે. ત્યારે દેશ અને સમાજનું નામ રોશન કરવાનું સપનું સેવતી આશાની આ સિદ્ધિ અન્ય તમામ દિકરીઓ માટે પ્રેરણારૂપ છે.