ઉધઈ એક અગત્યની બહુભોજીય રાષ્ટ્રીય જીવાત છે. ઉષ્ણકટિબંધના પરદેશોમાં જમીનમાં રાફડો બનાવી રહેતી ઉધઈ શેરડી, મગફળી, કપાસ, ઘઉં, મકાઈ, ભીંડા, રીંગણ, મરચી, ફળઝાડ અને સુશોભનના વૃક્ષોમાં ખુબજ નુકસાન કરે છે. તેમજ મકાનમાં લાકડાના બારી-બારણાં, લાકડાના ફર્નિચર વગેરે કોરી ખાય છે. આમ ઉધઈ એ ખેડૂત માટે એક દ્રષ્ટિએ પડકારરૂપ જીવાત છે. બીજી દ્રષ્ટિએ તે સૂકા પાંદડા તથા અન્ય સેંદ્રિય કચરાને ખાઈને પોષણ મેળવતી હોવાથી તેના નિકાલ માટે મદતકર્તા પણ છે. તેથી સેંદ્રિય કચરાના કોહવાણને વિપરીત અસર કર્યા વિના ખેતીમાં થતુ નુકસાન અટકાવવા તેના જીવનચક્ર અને ખોરાકની ખાસિયત સમજીને નિયંત્રણનાં (termite control) પગલાં લેવા જોઈયે.
જીવનચક્ર
ઉધઈ જમીનની અંદર અથવા બહાર રાફડો બનાવીને સમૂહમાં રહે છે. દરેક રાફડામાં રાજા, રાણી, સૈનિક તથા સૌથી વધુ સંખ્યામાં મજૂરોનો સમાવેશ થાય છે. દરેકને તેમનું કામ કરવા માટે વિશિષ્ટ પ્રકારની શરીર રચના હોય છે. ઉધઈનો રંગ પીળાશ પડતો સફેદ, પોંચું શરીર તથા ચપટાં, ચાવીને ખાવાનાં મુખાંગો હોય છે. સામાન્ય રીતે રાફડામાં મુખ્ય બે જાત જોવા મળે છે. એક પ્રજનનક્ષમ જાત એટલે કે રાજા-રાણી જે શરૂમાં પાંખોવાળી હોય છે. બીજી નપુંસક જાત જે સૈનિક અને મજૂર જેને પાંખો હોતી નથી. રાફડામાં ૮0 થી ૯0 ટકા વસ્તી મજૂરોની હોય છે.
ઉધઈ ની વિવિત જાતો અને તેની કામગીરી
રાજા-રાણી: રાફડામાં રાણી સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે. તે રાફડાના સંચાલનનું તથા ઈંડા મૂકવાનું કામ કરે છે. એક રાણી દરરોજ ૧૦,000 જેટલાં ઈંડા અને ૧૦ વર્ષમાં એક કરોડ જેટલા ઈંડા મૂકે છે.
મજૂર: મજૂરો રાણીએ મૂકેલા ઈંડા ઓગ્ય સ્થળે ખસેડવાનું, રાફડો બનાવવાનું, તેમની સાર સંભાળ રાખવાનું, ઇંડામથી નીકળેલાં બચ્ચાનો ઉછેર કરવાનું, રાફડો ચોખ્ખો રાખવાનું તથા બધા માટે ખોરાક પૂરો પાડવાનું કાર્ય કરે છે. ખોરાક માટે રાફડાની અંદર ફૂગના બગીચા પણ બનાવે છે.
રક્ષકો (સૈનિકો): રાફડાની વસ્તીના ૨ થી ૩ ટકા જ રક્ષકો અથવા સૈનિકો હોય છે. તેનાં જબડાં લાંબા અને અણીદાર તથા મજબૂત હોય છે. તે રાફડાનું અંદરથી તથા બહારના દુશ્મનોથી રક્ષણ કરે છે. રાણીના પેટનો ભાગ અસંખ્ય ઈંડાના વિકાસને કારણે ખુબજ મોટો થતાં તે ૮ થી ૧૦ સે.મી. જેટલી લંબાઈ ધરાવે છે. ભારે પેટ અને નાના પગના કારણે ચાલી શકતી ન હોઈ રાફડામાં તેના માટે ખાસ બનાવેલ “રોયલ ચેમ્બર” માં રહે છે. મજૂરો રાણીને ત્યાંજ ખોરાક પૂરો પાડે છે. અને તેણીએ મૂકેલા ઈંડા યોગ્ય સ્થળે ખસેડી તેમાથી નીકળતા બચ્ચાંને ઉછેરે છે.
ચોમાસાની શરૂઆતમાં પ્રથમ વરસાદ પછી બદામી રંગની પાંખોવાળી ઉધઈ (કુંવર-કુંવરી) મોટી સંખમાં જમીનમાંથી સાંજના સમયે બહાર આવી ઉડવાનું શરૂ કરે છે. થોડા સમય ઉડયા બાદ તેમની પાંખો ખરી પડે છે. આવા પાંખ સિવાયનાં નર-માદા અથવા કુંવર-કુંવરી જોડકાં બનાવી સંભોગ બાદ રાજા-રાણી બને છે. અને સુરક્ષીત જમીનમાં ઉતારી જાય છે. રાણી ઈંડા મુકી નવા રાફડાની શરૂઆત કરે છે. ઈંડા ૧૫-૧૬ દિવસમાં સવાઈને બચ્ચાં નીકળે છે. જેના ઉછેર નર-માદા કરે છે. રાણી ઈંડા મૂકવાનું ચાલુ રાખે છે. તેમાંથી નીકળતા બચ્ચાંની સાર સંભાળની તમામ જવાબદારી પહેલાં નીકળેલ બચ્ચાં ઉઠાવે છે.
સંકલીત નિયંત્રણ
ખેતરમાં ઉધઈ નો ઉપદ્રવ (termite control) ઘટાડવા ના પગલાઓ:
પાકની કાપણી પછી જડિયા/કરાંઠી વગેરે અકઠા કરીને કંપોસ્ટના ખાડામાં નાખી સેંદ્રિય ખાતર બનાવવું.
સારુ કહોવાયેલું ખાતર જ વાપરવું.
જમીન તૈયાર કરતી વખતે દિવેલ, લીંબોળીકે કાણજીના ખોળનો ઉપયોગ કરવો.
પિયતની સગવડ હોય તો સમયસર પિયત આપવું.
જમીનની બહાર બાંધેલા રાફડા શોધી તેનો નાશ કરવો.
રાફડામાં કાણું પાડી તેમાં એલ્યુમીનીયમ ફોસફાઈડની એક ગોળી મુકી ઉપરથી રાફડાનુ કાણું કાદવથી બંદ કરવું. આ સિવાય રાફડામાં ક્લોરપાયરીફોસ ૨૦ ટકા જંતુનાશક ૨૦ મી.લી./૧૦ લીટર અથવા ડાયક્લોરોવોશ ૭૬ ઈ.સી. ૭-૧૦ મી.લી/૧૦ લીટર પાણીનું પ્રવાહી રાફડાના કદ પ્રમાણે ૧૦ થી ૨૦ લીટર જેટલું રેડી માટીવાળી દેવી.
જુદા જુદા પાકમાં ઉધઈનો ઉપદ્રવ અટકાવવા પાકની વાવણી પહેલાં જમીન તૈયાર કરતી વખતે ક્લોરપાયરીફોસ ૧.૫ ટકા ભૂકી ૨૫ થી ૩૦ કી.ગ્રા./હે. મુજબ જમીનમાં ભેળવવી.
ઘઉ ના પાકમાં ઉધઈ નિયંત્રણ
ઘઉના પાકમાં બીજ માવજત આપી ઘઉની વાવણી કરવી. આ માટે ક્લોરપાયરીફોસ ૨૦ ટકા દવા ૪૫૦ મી.લી. અથવા બાયફેનથ્રીન ૧૦ ટકા દવા ૨૦૦ મી.લી. પ્રમાણે ૫ લીટર પાણીમાં મિશ્રણ કરીને ૧૦૦ કી.ગ્રા. ઘઉને તેનું મોણ આપી કલાક સુધી સુકવ્યા બાદ વાવણી કરવી.
ઘઉના ઉભા પાકમાં ઉધઈનો ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ ૨૦ ઈ.સી. ૨ થી ૩ પ્રમાણે પિયતના પાણી સાથે ટીપે ટીપે આપવી.
આ ઉપરાંત ક્લોરપાયરીફોસ ૨૦ ઈ.સી. ૪૫૦ મિ.લી. જંતુનાશક અથવા ફીપ્રોનીલ ૫ એસ.સી. ૧.૫ લી. જંતુનાશક ૫ લી. પાણીમાં મીશ્રણ કરી ૧૦૦ કિ.ગ્રા. કિ.ગ્રા.રેતી સાથે પુખી હળવુ પિયત આપવુ.
ફળઝાડ ના પાકમાં ઉધઈ નિયંત્રણ
ફળઝાડની વાડિઓમાં તથા સુશોભનના વૃક્ષોમાં ઉધઈનો ઉપદ્રવ અટકાવવા માટે ચોમાસા બાદ ક્લોરપાયરીફોસ ૨૦ ઈ.સી. ૨૦ મી.લી. જંતુનાશક ૧૦ લીટર પાણીમાં ભેળવીને બનાવેલ પ્રવાહી મિશ્રણ થડ ઉપર જમીનમાથી દોઢ ફુટ સુધી છાંટવું.
ફળઝાડની નવી કલમો રોપ્યાબાદ દીઠ કંટાળા થોરના એક કી.ગ્રા. જેટલા (૭-૮) ટુકડા નાખીને માટીથી ખાડા પૂરવા આ રીતે વર્ષમાં બે થી ત્રણ વાર થોરના ટુકડા નાખવા.
ફળઝાડની નવી રોપેલ કલમોના ખાડાની આજુબાજુ ખરસાનીના કટકા રોપવા તથા જરૂર પડયે ત્યારે ક્લોરપાયરીફોસ ૨૦ ઈ.સી. દવા ૨૦ મી.લી. ૧૦ લીટર પાણીમાં મિશ્રણ બનાવી ખાડા દીઠ ૨ થી ૩ લીટર જેટલું રેડયા બાદ કલમની રોપણી કરવી.
મગફળીમાં ઉધઈ નિયંત્રણ
મગફળીમાં ડોળ (ધૈણ) તથા ઉંધઈનું નુકસાન અટકાવવા બીજને ક્વીનાલ્ફોસ ૨૫ ઈ.સી. અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈ.સી. જંતુનાશક ૧૫-૨૦ મી.લી. અથવા ઈમીડાક્લોપ્રીડ ૨૦૦ એસ.એલ. જંતુનાશક ૫ મી.લી./૧ કી.ગ્રા. બીજ પ્રમાણે માવજત આપીને ૩ થી ૪ કલાક છાંયડામાં સુકવ્યા બાદ વાવણી કરવી.
શેરડીરોપવા તૈયાર કરેલ ચાસમાં રોપણી પહેલાં ક્લોરપાયરીફોસ ૧.૫ ટકા ભુકી ૩૦ કી.ગ્રા./હે. આપવી.
નીલગીરીનાઝાડમાં ઉધઈ નિયંત્રણ માટે ઝાડની ફરતે લોખંડના સળિયાથી ૮ થી ૧૦ ઈંચ ઉંડા ૫ થી ૬ કાણાં પાડી તેમાં ક્લોરપાયરીફોસ ૨૦ મી.લી./૧૦ લીટર પાણીનું પ્રવાહી મિશ્રણ રેડવું.
લેખક
અંકુર વી. દેસાઇ, ડૉ. મુકેશ આર સિદ્ધપરા, અમિત યૂ ગોજીયા, કીટકશાસ્ત્ર વિભાગ, ન. મ. કૃષિ મહાવિધાલય, નવસારી કૃષિ યુનિવર્સીટી, નવસારી (૩૯૬ ૪૫૦)