ખોટી વ્યક્તિને લોન આપવામાં આવી તો કર્મચારીના બોનસ, ઇન્સેન્ટિવ કપાઈ જશે

અમદાવાદ,મંગળવાર

અધિકારીએ મંજૂર કરેલી લોન બેડ લોનમાં કે એનપીએમાં રૂપાંતરિત થશે તો વર્ષ દરમિયાન સારી લોન આપવા બદલ અને સારી કામગીરી કરવા બદલ તેમને આપવામાં આવતા ઇન્સેન્ટિવ કાપી લેવામાં આવશે. સીઈઓની નિમણૂક કરતી વખતે તેમને કેટલો વેરિયેબલ પે એટલે કે બોનસ અને ઇન્સેન્ટિવ આપવામાં આવે છે તેના કરાર પણ કરવામાં આવે છે. આ કરાર હેઠળના તમામ લાભથી તેમને વંચિત કરી દેવામાં આવશે. તેમને અપાતું બોનસ પણ કાપી લેવામાં આવશે. સીઈઓને ફિક્સ વેતન અપાય છે તેનાથી 300 ટકા જેટલું ઊંચું વેરિયેબલ પે અપાય છે. વેરિયેબલ પેમાં રોકડ ઉપરાંત બેન્કના શેર્સ પણ આપવામાં આવે છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આ માટેની ગાઈડલાઈન્સ ચોથી નવેમ્બરે જાહેર કરી છે. પહેલી એપ્રિલ 2020થી આ નવી જોગવાઈ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ઇન્સોલ્વન્સિ એન્ડ બેન્કરપ્સી કોડની જોગવાઈનો લાભ ઊઠાવવા ઘણી કંપનીઓ કૂદી પડી હોવાથી પણ બેન્કના એનપીએમાં વધારો થયો છે. બેન્કનો નફો પણ આઈબીસીને કારણે ઘટ્યો છે.

બેન્ક દ્વારા આપવામાં આવેલા ધિરાણ નબળું પડે કે એનપીએ થવાની સંભાવના વધે તેવા સંજોગોમાં બેન્કના સીઈઓને આપવામાં આવતા વેરિયેબલ પેમાં કાપ મૂકી દેવામાં આવશે. વેરિયેબલ પેમાં બોનસ, ઇન્સેન્ટિવ્સમાં ઘટાડો કરી દેવામાં આવશે. મોટી રકમનું ઇન્સેન્ટિવ મેળવવાની આશા રાખી બેઠેલાં સીઈઓને રાતી પાઈનું પણ ઇન્સેન્ટિવ ન મળે તેવી સંભાવના રિઝર્વ બેન્કની ચોથી નવેમ્બરની ગાઈડલાઈનને કારણે ઊભી થઈ છે. સારું પરફોર્મન્સ આપનાર અધિકારીને રોકડ કોમ્પેન્સેશન પણ આપવામાં આવે છે.

પરિણામે એક જમાનામાં બેન્કના જોબ મેળવવા માટે જે લોકો આકાશપાતાળ એક કરતાં હતા તેઓ હવે બેન્કનો જોબ મેળવવાથી દૂર ભાગશે એવું આ ક્ષેત્રના નિષ્ણાતો માને છે. કારણ કે બેન્ક દ્વારા કરવામાં આવતા ફાઈનાન્સની ગુણવત્તા નબળી પડે તો તેને માટે જવાબદાર અધિકારીઓને આપવામાં આવતા વળતરમાં કાપ મૂકવાની માર્ગદર્શિકા રિઝર્વ બેન્કે જાહેર કરી છે.
બેન્કના કામકાજમાં વધારો થાય અને બેન્કનું ધિરાણ વધે અને નફો વધે તે માટેના પ્રયાસ કરવાને બદલે બેન્કો જેમ ચાલે છે તેમ નોકરી કરીને ઘરભેગા થઈ જવાનું વધુ પસંદ કરશે તેવું બેન્કિંગ સેક્ટરના કેટલાક નિષ્ણાતોનું કહેવું છે. તેમાંય ખાસ કરીને ખાનગી બેન્કના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે કોઈપણ લોન મંજૂર કરતાં પૂર્વે સાતવાર વિચાર કરવો પડશે. ભૂતકાળમાં ધિરાણના ટાર્ગેટ પૂરા કરવામાં ખાનગી અને રાષ્ટ્રીયકૃત બેન્કોના ટોચના અધિકારીઓએ ખત્તા ખાધી હોવાના અનેક કિસ્સાઓ આજ સુધી બહાર આવી ચૂક્યા છે. રિઝર્વ બેન્કની આ ગાઈડલાઈન ખાનગી બેન્કો, વિદેશી બેન્કો, પેમેન્ટ બેન્ક, સ્મોલ ફાઈનાન્સ બેન્ક સહિતની તમામ બેન્કોને લાગુ કરવામાં આવશે. ભૂતકાળમાં ખાનગી બેન્કોએ પણ ખોટા ફાઈનાન્સ કર્યા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવેલા જ છે. એક્સિસ બેન્કે માળખાકીય સુવિધા ઊભી કરી આપતી કંપનીઓને કરેલા ફાઈનાન્સના નાણાં તકલીફમાં આવી ગયા હતા. તાજેતરમાં જ યશ બેન્કોને રૂા.600 કરોડથી વધુની નુકસાની સપ્ટેમ્બર 2019માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં થયેલી હોવાનું બહાર આવ્યું છે. યશ બેન્કો કોર્પોરેટને કરેલા ધિરાણ એનપીએ થવા માંડ્યા હોવાની વિગતો પણ બહાર આવી ચૂકી છે.

બેન્કના ચીફ એક્ઝિક્યુટિવ અધિકારીઓ બેન્કના ધંધાના વિકાસની વાતો કરે તેની કોઈ જ ના નથી, કારણ કે તેનાથી બેન્કનો નફો વધે છે. પરંતુ 2008 પછી બેન્કના ડિપોઝિટર્સની ડિપોઝિટ સામે ખતરો ઊભો થઈ ગયો છે. તેથી જ બેન્કમાં મૂકવામાં આવેલી ડિપોઝિટને રૂા. 10 લાખનું વીમા કવચ આપવાની માગણી બુલંદ બની ચૂકી છે.