મહેસાણા, તા.૦૩
મહેસાણા ગંજબજારમાં મંગળવારે મોડી રાત્રે તસ્કરો 3 દુકાનો અને ગોડાઉનનાં શટર તોડી રોકડ રૂ. 2.99 લાખની મત્તા ચોરી ગયા હતા. જોકે, એ ડિવિજન પોલીસે રૂ.1.94 લાખની ચોરીનો ગુનો નોંધ્યો છે. દરમિયાન, પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરાઇ છે.
મહેસાણા ગંજબજારમાં બરોડા બેંકની સામેની બાજુમાં આવેલા સોહમ ટ્રેડર્સ નામની અનાજની દુકાનનું મંગળવારે રાત્રે તસ્કરોએ શટર તોડ્યું હતું અને અનાજની ચોરી કરવાનું ટાળી તિજોરીના ડ્રોઅરમાં મુકેલા રોકડ રૂ.1.94 લાખ ચોરી ગયા હતા. બુધવારે સવારે પાણીનો જગ મુકવા ગયેલા યુવાને દુકાનનું શટર ખુલ્લુ જોઇ દુકાન માલિક વિપુલભાઇ પટેલને ફોન કરી જાણ કરી હતી. મનીષકુમાર નરેન્દ્રભાઇની કું.માં પણ રૂ.5 હજારની ચોરી થયાનું, જ્યારે પ્રહલાદભાઇ કેશવભાઇ પ્રજાપતિની દુકાનમાં રોકડ રૂ.1 લાખની ચોરી થયાનું ખુલ્યું હતું. એ ડિવિજન પોલીસે ચોરીની ફરિયાદ આધારે તપાસ હાથ ધરી છે.
ચોરીના પગલે ગંજબજારના વેપારીઓ ચેરમેન ખોડભાઇ પટેલને મળ્યા હતા અને ચોરી સંબંધે રજૂઆત કરી હતી. ગંજબજાર વેપારી એસોસીએશનના પ્રમુખ કાંતિભાઇ પટેલે રજૂઆત કરી હતી કે, છેલ્લા 50 વર્ષમાં અહીં ચોરી થઇ નથી. અહીં સિક્યુરિટી પણ ન હોવા બરાબર છે. સીસીટીવી કેમેરા 4 વર્ષથી બંધ હાલતમાં છે. સાથે પૂરતી લાઇટની વ્યવસ્થા ન હોઇ ચોરીનો બનાવ બન્યો હોઇ આ સંબંધે ત્વરીત કાર્યવાહી કરવા માંગણી કરી હતી.