દાંતીવાડા, તા.૧૨
દાંતીવાડા તાલુકામાં ચોમાસા બાદ કાદવ-કીચડ ફેલાયા છે. ત્યારે પાંથાવાડા પંચાયતના ગટરના પાણી સાંતરવાડા સુધી પહોંચતા ગામલોકો ઘરની બહાર નિકળતા પણ અચકાઇ રહ્યાં છે. ગામમાં ગંદકીના લીધે ગંભીર રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત ઉભી થઇ છે. જેને લઇ શુક્રવારના મોટી સંખ્યામાં ગામલોકો ભેગા થઇ દાંતીવાડા મામલતદારને આવેદન આપી જાહેરમાર્ગે ફેલાતી ગંદકી દૂર કરવા રજુઆત કરી હતી.
પાંથાવાડા હાઇવેથી સાંતરવાડા ગામને જોડતા 3 કિલોમીટર રોડ પર ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ઠેર-ઠેર ગંદકીના ઢગ જામ્યા છે. સાંતરવાડા ગામના અનેક માર્ગો અને શેરીઓમાં ગંદા પાણી રસ્તાઓ પર તળાવરૂપી ભરાયેલા જોવા મળે છે. પાંથાવાડા ગામમાંથી નીકળતી ગટર લાઇનના ગંદા પાણી સાંતરવાડા ગામમાં આવતા અટકાવવા દાંતીવાડા મામલતદારને આવેદન આપી રજુઆત કરી હતી.