અમદાવાદ, તા.23
સિરિયલ કિલરે લૂંટનો માલ ખરીદતા યુવકની હત્યા કર્યા બાદ પૂરાવાનો નાશ કરવા લાશને જે ગટરમાં નાંખી દીધી હતી તે સ્ટ્રોમવોટર લાઈનની ગટરમાંથી પોલીસે કેટલાક માનવ અવશેષ કબ્જે લીધા છે. ત્રણ દિવસની જહેમત બાદ ફાયરબ્રિગેડ ટીમે ખોપડીનો એક ટુકડો અને પાંચ-છ હાડકા બહાર કાઢતા કૃષ્ણનગર પોલીસે તે કબ્જે કરી તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપ્યા છે. ગટરમાંથી મળેલા માનવ અવશેષનો ડીએનએ ટેસ્ટ કર્યા બાદ જાણવા મળશે કે અવશેષ મૃતક વિશાલ પટેલના છે. પોલીસે ગટરમાંથી મૃતદેહનો ચેહરો છુંદી નાંખવા માટે ઉપયોગમાં લીધેલો પથ્થર અને ગટરનું ઢાંકણું ખોલવા ઉપયોગમાં લીધેલી ત્રિકમ કબ્જે લીધી છે. ગાંધીનગર જિલ્લામાં સવા ત્રણ મહિનામાં ત્રણ લોકોની લૂંટના ઈરાદે ગોળી મારી હત્યા કરનારા મદન ઉર્ફે મોનિસ નાયકની ધરપકડ બાદ વધુ એક હત્યા કેસની આરોપીએ સીઆઈડી ક્રાઈમ સમક્ષ કબૂલાત કરી હતી. વિરાટનગરનો વિશાલ પટેલ મદન નાયક પાસેથીલૂંટનો માલ ખરીદતો હોવાથી હત્યારાને તેની ઓળખ છતી થઈ જવાનો ડર હતો. પાંચ લાખના ઈનામની લાલચે વિશાલ પટેલ મદનને પકડાવી દે તેવો ડર હોવાથી તેની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. વિશાલને કઠવાડા જીઆઈડીસી ખાતે બોલાવી ગોળી મારી હત્યા કરી લાશને ગટરમાં નાંખી દીધી હતી. જ્યારે વિશાલની કારને દહેગામ રોડ પર લઈ જઈ સળગાવી દીધી હતી.