ગુજરાતની ભાજપ સરકારના પર્યાવરણ અને વન પ્રધાન ગણપત વસાવા આ ચૂંટણીમાં ભાજપના ટોચના નેતાની સૂચનાથી વારંવાર વિવાદાસ્પદ નિવેદનો કરતાં રહ્યાં છે તેમ છતાં ચૂંટણી પંચે તેમને રોક્યા નથી કે નોટિસ પણ આપી નથી. નીમ્ન કક્ષાની રાજનીતિ ભાજપના નેતાઓ તેમાંએ જવાબદાર પ્રધાનો કરી રહ્યાં છે. ગુજરાતના રાજકીય નેતાઓની ગરીમા ખંડિત કરી દીધી છે.
એ જાહેર સભામાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી ખુરશીમાંથી ઉભા થાય તો સિંહ ઉભો થયો તેમ દેખાય છે. જ્યારે રાહુલ ગાંધી ખુરશીમાંથી ઉભા થાય તો પૂંછડી પટપટાવતું ગલુડિયું ઉભું થાય તેવું લાગે છે. જેને એક રોટલી નાંખી દે તો ભી ચાલી જાય.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં સુરતમાં બારડોલીના બાબેન ખાતેના એક સમારંભમાં જાહેર વકતવ્ય દરમ્યાન એવું કહ્યું હતું કે, જો કોંગ્રેસ રાહુલ ગાંધીને ભગવાન શંકરનો અવતાર ગણે છે, તો તેમને ઝેર પીવડાવો તો ખબર પડી જાય. રાહુલ ગાંધીને 500 ગ્રામ ઝેર આપીને ચેક કરો તો અમે પણ માનીએ.
વસાવાએ અગાઉ કહ્યું હતું કે, કોંગ્રેસવાળા પાકિસ્તાનની ભાષા બોલીને એમ કહેતા હતા કે, અમને એર સ્ટ્રાઈકના પુરાવા આપો. બદલો લેવા માટે 12-12 ફાઈટર પ્લેન મોકલીને આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો ત્યારે પણ કોંગ્રેસની ભાષા પાકિસ્તાન જેવી જ છે અને તેઓ કહી રહ્યા છે કે, અમને પુરાવાઓ આપો. ત્યારે અમારા એક મંત્રીએ તેમને તેમની જ ભાષામાં જવાબ આપ્યો છે કે, હવે જ્યારે જ્યારે પાકિસ્તાન ઉપર કોઈ પગલા ભરવાના હોય ત્યારે-ત્યારે કોંગ્રેસના એક નેતાને પ્લેનની સાથે બાંધીને જ મોકલવાના.એકાદ નેતાને પ્લેન સાથે જ બાંધીને મોકલવાની જરૂર હતી.
સૌ પ્રથમ વસાવાએ નિવેદન આપ્યું હતું કે, ચુનાવ રોકી દો , પાકિસ્તાન ને ઠોકી દો… લોકસભા ચૂંટણી પૂર્વે પાકિસ્તાનમાં શોકસભા થવી જોઈએ. આ નિવેદન તેઓ વાંચી ગયા હતા. તેમને કોઈકે લખીને આપ્યું હોય એવું તેમનું વર્તન વિડિયોમાં દેખાય છે.
ભાજપના નેતાઓ હવે ચૂંટણી ટાણે માનસિક સંતુલન ગુમાવી રહ્યા છે. જે ભાજપની હતાશા છતી કરે છે.
ગલુડીયાની સમગ્ર ઘટનાને પગલે એડીશનલ ચીફ ઈલેકશન કમિશનર દ્વારા નર્મદા જિલ્લા કલેક્ટરને ઝડપથી આ મામલે તપાસ કરી તુરંત અહેવાલ મોકલી આપવા આદેશ કર્યો છે. ઘટનાની ઓડિયો કલીપ, વીડિયો ક્લિપ સહીતના તમામ પુરાવાઓ એકઠા કરી ચૂંટણીપંચને મોકલી આપવા માટેના આદેશો આપવામાં આવ્યા છે.
આ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, પાંચ વર્ષના કેન્દ્ર સરકારના સાશન કાળમાં અને 22 વર્ષના ગુજરાત સરકારના સાશન કાળમાં એક પણ કામ એવું નથી કર્યું કે, જેની વાત આજે પ્રજા વચ્ચે જઈને કહી શકાય, જેના નામે વોટ માંગી શકાય એટલે ક્યાંકને ક્યાંક આવા વાહિયાત ભાષણો અને નિવેદનો કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમની હલકી માનસિકતા અને નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહ્યા છે.
આ બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, હું બોવ સ્પષ્ટ કહું છુ કે, ચૂંટણીના ગરમા ગરમીના વાતાવરણમાં બધાએ સંયમ જાળવવો જોઈએ. વાત મક્કમતાથી કહીએ પણ કોઈનું વ્યક્તિગત માનહાની કે, કોઈના માટે વ્યક્તિગત ખરાબ શબ્દો નહીં વપરાવવા જોઈએ ધ્યાન રાખવું જોઈએ.
આમ રબ્બર સ્ટેમ્પ મુખ્ય પ્રધાન પોતાના પ્રધાનને રોકી શક્યા નથી. વસાવા ફેબ્રુઆરીથી આવા નિવેદનો આપી રહ્યાં છે. ભાજપે તેમને આવા નિવેદનો કરવા માટે જ રોક્યા હોય એવું તેમના વર્તન પરથી લાગે છે. ગંભીર બાબત એ છે કે, ચૂંટણી જાહેર થઈ તે પહેલાથી જ તેઓ આવા માનહાની કરે એવા અને મતદારોને ગેરમાર્ગે દોરે એવા નિવેદનો કરતાં રહ્યાં છે. જેને ચૂંટણી પંચના અધિકારીઓ અટકાવવામાં સાવ નિષ્ફળ ગયા છે. તેથી પંચે વસાવાને ધારાસભ્ય પદેથી દૂર કરવા માટે અહેવાલ આપવો જોઈએ એવું આદિવાસી નેતાઓ માની રહ્યા છે.