ગરીબ આવાસના મકાનો ઉપર કબજો કરનાર ભાજપના કોર્પોરેટર સામે કોઈ કાર્યવાહીમાં ઢીલાશ

અમદાવાદ, તા. 12.
શહેરના ચાંદખેડા વિસ્તારમાં બનાવાયેલા ગરીબ આવાસ યોજનાના મકાનોના ખોટા દસ્તાવેજ ઊભા કરીને ગેરકાયદે મકાનો ઉપર કબજો કરનાર ભાજપના કોર્પોરેટરના કાળા કરતૂતોને પક્ષ તેમજ પોલીસ દ્વારા છાવરવામાં આવી રહ્યા છે. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ થયાને આજે એક અઠવાડિયું થવા આવ્યું છે, છતાં શહેર ભાજપ પ્રમુખ આ કોર્પોરેટર સામે કોઈ કાર્યવાહી કરવાનું તો દૂર રહ્યું પણ આવી કોઈ ઘટના બની છે તેનાથી અજાણ હોવાનું કહીને કોર્પોરેટરના કરતૂતો પર પડદો ઢાંકવાનું કામ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

ભારતીય જનતા પાર્ટીના અસારવા વોર્ડના કોર્પોરેટર બિપિન પટેલ દ્વારા ચાંદખેડા વિસ્તારની ટીપી સ્કીમમાં બનેલા ગરીબા આવાસ યોજના હેઠળના 13 મકાનોના બોગસ દસ્તાવેજો ઊભા કરીને તેના મળતિયાઓ સાથે મળીને ગેરકાયદે કબજો જમાવી દેવામાં આવ્યો છે. આટલું ઓછું હોય તેમ ભાજપના કોર્પોરેટર દ્વારા બિલ્ડરને આ મકાનોની કિંમતમાંથી 30 ટકા રકમ લેવા માટેની ધમકી આપવામાં આવી છે. ભાજપના કોર્પોરેટરના આવા કરતૂતોની સમગ્ર સમાજમાં ચર્ચા થઈ રહી છે. અને લાખો લોકોએ કોર્પોરેટર દ્વારા બિલ્ડરને અપાયેલી ધમકી અને પતાવટની વાતચીતની ઓડિયો ક્લિપ સાંભળી છે, ત્યારે ભાજપના શહેર પ્રમુખ આ બાબતથી બિલકુલ વાકેફ નથી તેવું કહીને તેની સામે કાર્યવાહી કરવામાં ઢીલાશ કરતાં હોય તેવું લાગી રહ્યું છે.

આ ઘટનામાં કોર્પોરેટરને સસ્પેન્ડ કરશો કે કેમ? તેવું ભાજપના શહેર પ્રમુખ અને ધારાસભ્ય જગદીશ પંચાલને પૂછતાં તેમણે ઘણું જ આશ્ચર્યજનક નિવેદન કરતાં જણાવ્યું હતું કે, આ ઘટના અંગે મને કોઈ જાણ નથી. એટલું આવી કોઈ પક્ષમાંથી પણ ફરિયાદ આવી નથી. આવી ફરિયાદ આવશે તો તે અંગે તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદ શહેર ભાજપના અસારવાના કોર્પોરેટર બિપિન પટેલના આ કૌભાંડ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેના સમાચાર મોટાભાગના અખબારોમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. તેમજ ખોટા દસ્તાવેજો ઊભા કરીને મકાનો ઉપર કબજો કરીને ઠગાઇ કરી સમાધાન માટે ધાક ધમકીઓ અપાઈ રહી છે. એટલું જ નહિ ભાજપનો કોર્પોરેટર આ મકાનોના બિલ્ડરની સાથે પતાવટ કરવા માટેની વાતચીત કરતો હોવાની ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયા વાયરલ થઈ ચૂકી છે ત્યારે શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલનું ‘મને આ ઘટનાની જાણ નથી અને આવી કોઈ ફરિયાદ નથી મળી’ તેવું નિવેદન ઘણું અજુગતું કહી શકાય અથવા તો પક્ષના કોર્પોરેટરના આવા કરતૂતોને છુપાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

આવી જ રીતે ચાંદખેડા પોલીસ મથકના પીઆઈ પણ સત્તાધારી ભાજપના દબાણમાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. આ ઘટના અંગે ફરિયાદ થયાના એક અઠવાડિયા પછી પણ ચાંદખેડા પોલીસના પીઆઈ બી. કે. ગમારે જણાવ્યું હતું કે, આ ફરિયાદ અંગે અમે તપાસ કાર્યવાહી શરૂ કરીને એક પછી એક સાક્ષીઓ અને પુરાવાઓને ચકાસી રહ્યા છીએ. ત્યાર બાદ અમે આગળની કાર્યવાહી હાથ ધરીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે, અસારવાના આ કોર્પોરેટર બિપિન પટેલનું નામ ગુલબર્ગ હત્યાકાંડમાં ઉછળ્યુ હતું, જો કે કોર્ટ દ્વારા આરોપીઓના નામની યાદીમાંથી તેમનું નામ રદ કરવામાં આવ્યું હતું.