ગાલ અને જડબાના કેન્સર માટે અતિ જટિલ શસ્ત્રક્રિયા કરવી પડતી હોય છે. જેને કમાન્ડો ઓપરેશન કહે છે. અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં છેલ્લાં 16 વર્ષથી ફરજ બજાવતાં કાન, નાક અને ગળાનાં વડા ડૉક્ટર નરેન્દ્ર હિરાણીએ છેલ્લા દોઢ દાયકામાંએ ગળા અને મોઢાના કેન્સરનાં 1,000 ઓપરેશન કરવાની સિધ્ધિ હાંસલ કરી છે. સફળ ઓપરેશન કરી કેન્સર પીડિત દર્દીઓને જીવતદાન આપ્યું છે. સરેરાશ છ દિવસે કેન્સરનું એક ઓપરેશન કર્યું છે. મોઢાના અને ગળાના ઓપરેશન ત્રણ હેતુથી કરવામાં આવે છે. પ્રથમ કેન્સરની નાબુદી જેમાં કેન્સરગ્રસ્ત વિસ્તારનો આજુબાજુનો એક સેન્ટીમીટરનો ભાગ કાઢી નાખવામાં આવે છે. બીજું ગળામાં ગાંઠરૂપે કેન્સર ક્યા સુધી ફેલાયેલું છે તે ચકાસી દૂર કરવામાં આવે છે. છેલ્લે પ્લાસ્ટિક સર્જરી દ્વારા તે ભાગને પૂર્વવત કરવામાં આવે છે. આ ઉપરાંત જો સ્વરપેટી અને અન્નનળીનું કેન્સર હોય તો તે દૂર કરવામાં આવે છે. પરંતુ, મોઢા અને ગળાના કેન્સરનું વેળાસર નિદાન કરવા માટે દર્દીને ગળામાં ગાંઠ હોય, ચામડી હોય જે દવાથી મહિના સુધી મટે નહિ ઉપરાંત સફેદ અને લાલ ડાઘ જે સારવારને પ્રતિસાદ ન આપે અને અવાજ ખરાબ થઇ જાય તેમજ ખાવામાં તકલીફ પડે સાથેસાથે ગળામાં દુ:ખાવો રહે તો એ કેન્સર હોઈ શકે છે. ભારતમાં કુલ કેન્સર પૈકી ત્રીસ ટકા કેન્સર આ પ્રકારના હોય છે. મોઢાના કેન્સર થવાના કારણોમાં મુખ્યત્વે તમાકુ, ધુમ્રપાન વગેરે જેવા વ્યસનો છે. કેન્સરનાં સ્ટેજ ઓપરેશન અંગે ડૉ. હિરાણીએ જણાવ્યું હતું કે, શસ્ત્રક્રિયા, રેડિયોથેરાપી અને કિમોથેરાપી મુખ્ય સારવાર છે. કેન્સરના ચાર સ્ટેજ હોય છે. પ્રથમ અને બીજા સ્ટેજના કેન્સરમાં સર્જરી અને રેડિયોથેરાપી સારવાર જ્યારે ત્રીજા અને ચોથા સ્ટેજમાં સર્જરી અને રેડિયોથેરાપી બંને સારવાર આપવી પડે છે. ડો. હિરાણીએ આ તમામ પ્રકારના ઓપરેશન કર્યા છે.