ગાંધીજીના આ પેઈન્ટીંગ્સ કયારેય પણ જોવા નહી મળ્યા હોય

અમદાવાદ,તા.01

હેમીંગ્ટન જેમ્સ

આપણને બધાને દાંડી માર્ચનું  દ્રશ્ય યાદ છે જેમાં મહાત્મા ગાંધી પોતાના સાથીઓ સાથે અંગ્રેજો સામેબાયો ચઢાવે છે અને મીઠાને હાથમાં લઈને સત્યાગ્રહ છેડે છે પરંતુ ત્યાર બાદના બાપુના અને તેમની સાથે સત્યાગ્રહમાં જોડાયેલા સ્વાતંત્ર્ય સેનાનીઓના ચહેરાને ક્યારેક જ કોઈએ જોયા હશે. પરંતુ એક વ્યક્તિ જેમનું આખું જીવન બાપુએ બદલી નાખ્યું તેમણે બાપુ અને અન્ય નેતાઓના ચહેરા અને તે વખતના સ્થળોને પોતાની પેન્સિલથી વાચા આપી દીધી. આ પેઈન્ટીંગ અમદાવાદના એક ઈતિહાસકારને રવિવારીમાંથી મળી આવ્યા અને તેમણે તેને ખરીદીને તેની ઉપર સંશોધન કર્યુ.

છગનલાલ જાદવ કોણ?

અમદાવાદના ઇતિહાસકાર, રિઝવાન કાદરીએ જનસત્તા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા ત્યાર બાદ 1915ના ફેબ્રુઆરી મહિનામાં તેમણે અમદાવાદના કોચરબમાં પોતાની રાત્રી શાળા, અંત્યજ રાત્રી શાળા શરૂ કરી ઘણા લોકોને અક્ષરજ્ઞાન આપતાં હતાં. છગનલાલ, જેઓ તે વખતે એક બાળક હતાં તેમણે તે શાળામાં જવાનું શરૂ કર્યુ. તેમને ગાંધીજી છગન તરીકે ઓળખતાં હતાં. છગનલાલ તે વખતે 12 વરસના હતાં અને પાલડીમાં આવેલા ચંદ્રનગર સોસાયટીમાં રહેતાં હતાં. રિઝવાનભાઈના જણાવ્યા અનુસાર, છગનલાલને ભણાવવાનું કામ પરિક્ષિતલાલ મજમૂદાર કરતાં હતાં. ભણીને છગનલાલે મીલમાં કામ કરવાનું શરૂ કર્યુ. ગાંધીજીએ તેમને પાછળથી વિદ્યાપીઠમાં લઈ લીધા અને રાત્રે તેઓ બાપુની શાળામાં ભણાવવાનું કામ કરતાં હતાં.

 

દાંડીમાર્ચની અરુણોદય ટુકડીનો ભાગ

અમદાવાદના જાણીતા ચિત્રકાર અમીત અંબાલાલે પોતાની સાથેની યાદોને તાજી કરતાં જણાવ્યું કે, તેઓ મારા ગુરુ હતાં. છગનલાલ શનિવારે મારા ઘરે મને ચિત્રો દોરતાં શીખવવા માટે આવતાં હતા. તેમણે આ ડ્રોઈઁગ મને ઘણી બધી વાર બતાવ્યા હતાં. ખરેખર તો છગનલાલ ગાંધીજીની દાંડીમાર્ચની અરુણોદય ટુકડીનો ભાગ હતાં. આ ટુકડી જે જગ્યાએથી બાપુ પસાર થવાના હોય કે રોકાવાના હોય ત્યાં તૈયારી કરવા જતાં. તેઓ એક હરીજન વણકર ચિત્રકાર હતાં. તેમને શ્રી અરવિંદમાં ઘણો રસ હતો અને તેઓ ગાંધીજીની પણ ખુબ નજીક હતાં. તેમણે એક વખત મને એવું કહ્યું હતું કે, તેમણે (છગનલાલે) ગાંધીજીને સાબરમતી નદીમાં નહવડાવ્યા હતાં. એવું પણ કહેવાય છે કે જ્યારે કરાડીમાં ગાંધીજીને જેલ કરવામાં આવી ત્યારે તેમની કોટડીની સીક્યુરીટી છગનલાલ કરતાં હતાં. તેણએ ગાંધીજીની અલગ અલગ મૂડની પેઈન્ટીંગ બનાવી હતી.

રવિશંકપ રાવળ પાસે ગાંધીજીએ મોકલ્યા

રીઝવાનભાઈના જણાવ્યા અનુસાર છગનલાલને પોતાના અભ્યાસમાં આગળ વધારવા માટે ગાંધીજીએ કલાગુરુ રવિશંકર રાવળ સાથે મુલાકાત કરાવી હતી અને રવીશંકર રાવળે તેમને ગુરીજા પ્રસાદ કે જેઓ રણછોડલાલ મંગળદાસના પ્રપૌત્ર હતા તેમની સાથે મુલાકાત કરાવી અભ્યાસ માટે સ્કોલરશિપ અપાવી હતી.. સ્કોલરશિપ મળ્યા પછી તેમણે ઈન્દોર અને લખનૈમાં આટર્સ ભણવાનું શરૂ કર્યુ હતું. રવિશંકર રાવળ સાથે મુલાકાત કર્યા પછી જ છગનલાલના જીવનમાં એક ટર્નીંગ પોઈન્ટ આવ્યો.

 

કોની કોની છે આ પેઈન્ટીંગ્સ

રીઝવાન કાદરીના જણાવ્યા અનુસાર, તેમણે મેળવેલી બુકમાં ગાંધીજીની અગલ અલગ તસવીરો છે,  જેમાં ખાન અબ્દુલ ગફાર ખાન, સરદાર પટેલ, જમનાલાલ બજાજ, સરોજીની નાઈડુ, મીથુબેન અને જવાહરલાલ નહેરુનો સમાવેશ થાય છે. કેટલીક તસવીરો પર ગાંધીજીએ પોતે હસ્તાક્ષર પણ કરેલા છે. 1987ના એપ્રિલ મહિનામાં છગનલાલ મૃત્યુ પામ્યા અને તેમની છાપ પાછળ આ તસવીરોના માધ્યમથી મુકતાં ગયા.

કયાં કયાં ચિત્રો

1, દાંડી માર્ચનો જુસ્સો

2, નવસારી, દાંડી અને કરાડી શિબિરના ચિત્રો

3, 1930 અને 1932માં બાપુ સાથેના ચિત્રો

4, જેલમાં સત્યાગ્રહીઓનું જીવન

5, સરદાર પટેલનું ચિત્ર તેમનું નવું નેતૃત્વ

6, 1933નો આશ્રમ

7, 1938માં હરીપુરા ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝનું નેતૃત્ત્વ

8, જવાહર લાલ નહેરુ