અમદાવાદ,તા:૨૮
ગૂજરાત વિદ્યાપીઠ અને એસોસિયેશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીના શિક્ષણ સંબંધી વિચારો અને પ્રયોગોના વિચાર સાથે કુલપતિઓની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિષદમાં યુજીસીના અધ્યક્ષ ડો. ડી.પી.સિંઘ અને એસોસિયેશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીના અધ્યક્ષ પ્રો.એમ.એમ. સાળુંખે ઉપરાંત શિક્ષણમંત્રી ઉપસ્થિત રહેશે.
વિદ્યાપીઠ 18 ઓક્ટોબરે શતાબ્દીની ઉજવણી કરી રહી છે, ત્યારે ગાંધીવિચારને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત કુલપતિઓની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગાંધીજીનું દર્શન- 21મી સદી માટેનો વ્યાપક અને સર્વાંગી દૃષ્ટિકોણ મુખ્ય વિષય ઉપરાંત અન્ય છ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. આ છ વિષયોમાં મુખ્યત્વે (1) મહાત્મા ગાંધીનું નેતૃત્વ- આજના વિશ્વ માટે શીખવાના પાઠ (2) વિશ્વશાંતિ અને વિકાસ માટે ગાંધીમૂલ્યો (3) સાંપ્રત ભારત માટે ગાંધીસૂચિત અર્થશાસ્ત્રની પ્રસ્તુતતા (4) ગાંધીવિચારના ચાર આધારસ્તંભો – સત્યાગ્રહ, સર્વોદય, સ્વરાજ, સ્વદેશીની પ્રસ્તુતતા (5) પરિવર્તનનું સંચાલન- ગાંધીવિચાર અને આચારમાંથી આંતરદર્શન અને (6) ગ્રામસ્વરાજ- ગ્રામવૃદ્ધિ અને સંપોષિતતા માટે સૂક્ષ્મ ગાંધીકાર્ય જેવા વિષયોનો સમાવેશ કરાયો છે. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ ગાંધીવાદી વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહેશે. 30 સપ્ટેમ્બરે ગૂજરાત વિદ્યાપીઠના સભાગૃહમાં આ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવસે. પ્રથમ સત્રમાં વિદ્યાપીઠના ભૂતપૂર્વ કુલનાયક ડો.સુદર્શન આયંગર, ડો. અનિલ ગુપ્તા પોતાના વિચારો રજૂ કરશે. જુદાંજુદાં કુલ 6 સત્રમાં 30થી વધારે કુલપતિ અને ટેકનોક્રેટ ઉપસ્થિત રહીને પોતાનાં વ્યાખ્યાનો આપશે. જ્યારે કુલપતિ પરિષદમાં દક્ષિણ ભારત, ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાંથી 75 જેટલા કુલપતિ ભાગ લેશે. 18થી વધુ રાજ્યની સેન્ટ્રલ યુનિવર્સિટી, રાજ્યકક્ષાની યુનિવર્સિટી, ખાનગી યુનિવર્સિટીઓ અને ડિમ્ડ યુનિવર્સિટીના કુલપતિ પણ ભાગ લેશે. યુજીસીના ચેરમેન ડી.પી.સિંઘ નવી શિક્ષણનીતિ સંબંધે ઉદઘાટન સત્રમાં વિગતો આપશે. ગૂજરાત વિદ્યાપીઠના શતાબ્દી વર્ષ તથા ગાંધી 150 તેમજ ગાંધીજયંતીની ઉજવણી અંતર્ગત જુદાજુદા તજજ્ઞો દ્વારા લખાયેલા લેખોના 300 પેજના યુનિવર્સિટી ન્યૂઝનું પણ આ પ્રસંગે વિમોચન કરવામાં આવશે. ગુજરાતની પણ 20થી વધુ યુનિવર્સિટી આ બે દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે.