ગાંધીજીની તબિયત પર સંશોધન; ધરતીના બે ચક્કર જેટલી પદયાત્રા, 35 વર્ષમાં 79 હજાર કિમીનો પ્રવાસ

બાપુની 150મી જયંતીએ તબિયતનો રેકોર્ડ યુનિયન જનરલ ઓફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત

ત્રણવાર મેલેરિયા થયો, બીપી પણ બે વાર 220/110 થઈ ગયું હતું

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીએ 35 વર્ષમાં દેશભરમાં 79 હજાર કિમીનો પ્રવાસ કર્યો. જો આ સમયગાળામાં ધરતીનું ચક્કર લગાવે તો તે તેની બે વાર પરિક્રમા જેટલું થાય છે. ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાંના દસ્તાવેજો અને સરકારી રેકોર્ડના સંશોધન પછી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની મદદથી ગાંધીજીની તબિયત અંગેનો આ રિપોર્ટ તૈયાર કરાયો છે.

તેમની 150મી જયંતીના સંદર્ભમાં સોમવારે આ રિપોર્ટ જાહેર કરાયો હતો. તેઓ રોજનું 18 કિમી પગે ચાલતા હતા. સવારે 4 વાગે જાગ્યા બાદ 1 કલાક સુધી ચાલતા હતા. રાત્રે સૂતા પહેલા પણ 30થી 45 મિનિટ ચાલતા હતા.

1913થી 1948 સુધી તેમણે 79 હજાર કિમીનો પ્રવાસ કર્યો. ગાંધીજીને 1925, 1936 અને 1944માં મેલેરિયા થયો હતો. આ ઉપરાંત 1919માં પાઈલ્સની પણ સર્જરી કરાઈ હતી. ચૌરી ચૌર્યા કાંડ પછી 1922મા ગાંધીજી જેલમાં ગયા ત્યારે તેમના પેટમાં ભયંકર દુખાવો થયો હતો. તપાસ પછી 1924માં તેમનું એપેન્ડિક્સનું ઓપરેશન ડૉ. મૈડોકે કર્યું હતું. સર્જરી દરમિયાન વીજળી ડૂલ થઈ ગઈ હતી ત્યારે ફાનસના પ્રકાશે સર્જરી કરાઈ હતી.

ગાંધીજી ત્યારે 70 વર્ષના હતા અને ત્યારે તેમની લંબાઈ 5 ફૂટ 5 ઇંચ અને વજન 46.7 કિલો હતું. લંબાઈના ગુણોત્તરમાં ગાંધીજીનું વજન ઓછું હતું પણ હિમોગ્લોબિન 14.96 હતું. તેમનું બીપી હમેશા સામાન્યથી વધારે રહેતું હતું.

પરંતુ બે વાર – 26 ઓક્ટોબર 1937 અને 19 ફેબ્રુઆરી 1940ના રોજ તેમનું બીપી 220/110ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું. ગાંધીજી દૂધ નહોતા પીતા. તેમનું માનવું હતુંકે એકવાર માતાનું દૂધ પી લીધા બાદ ખાવામાં દૂધ જરૂરી હોતું નથી. ડૉક્ટર અને તેમના નજીકના લોકોની સલાહ છતાં તેઓ દૂધ પીતા નહોતા. તેઓ સંપૂર્ણપણે શાકાહારી ભોજન કરતા હતા.

તંગદિલી છતાં ગાંધીજીને ક્યારેય હૃદયની તકલીફ થઈ નહોતી: ગાંધીજી એલોપેથી દવાના વિરોધી હતા. તેઓ નેચરોપેથી અને આયુર્વેદિક દવા લેવાનું પસંદ કરતા હતા. આટલી તંગદિલી છતાં ગાંધીજીને ક્યારેય હૃદયની સમસ્યા થઈ નહોતી.

1937માં ઇસીજી તપાસમાં આ તથ્ય બહાર આવ્યું હતું. તેમનું માનવું હતું કે પ્રકૃતિની વિરુદ્ધમાં જવાથી ગરબડ થાય છે. પ્રકૃતિ સાથે રહેવાથી બધુ સારું થાય છે. તેઓ એવું પણ કહેતા હતા કે જેઓ માનસિક પરિશ્રમ કરે છે તેમના માટે શારીરિક પરિશ્રમ કરવો અત્યંત જરૂરી છે.