ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી મામલે હાઈકોર્ટમાં અરજી

હંમેશા ઉત્સવોમાં મસ્ત રહેનારી ભાજપની રાજ્ય તેમ જ કેન્દ્ર સરકારની મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી માટે જે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે તે બાબતે ગુજરાત હાઈકોર્ટમાં આજે એક પીટીશન ફાઈલ કરવામાં આવી છે. હાઈકોર્ટમાં અરજી કરનાર અરજદારે પોતાની અરજીમાં જણાવ્યું છે કે, દેશનાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જઈ રહી છે. આ માટે કેન્દ્ર સરકારે આ ઉજવણી માટે રૂપિયા 150 કરોડ તેમ જ ગુજરાત સરકારે રૂપિયા 25 કરોડની ફાળવણી કરી છે. જો કે, આ કરોડો રૂપિયાનાં ફંડ થકી કયા પ્રકારનાં અને કેવા કાર્યક્રમો યોજાવાના છે તે બાબતે બન્નેમાંથી એક પણ સરકારે આપી નથી.
અરજદારે એવી પણ રજૂઆત કરી હતી કે જે લોકોએ આ કાર્યક્રમોમાં હિસ્સો લેવો હોય તેવા લોકો જાણકારીનાં અભાવે તેમાં ભાગ નહિ લઈ શકે. આ અરજી સંદર્ભે હાઈકોર્ટે બન્ને પક્ષોની દલીલો સાંભળી હતી અને રાજ્ય સરકારને એવો નિર્દેશ કર્યો હતો કે, 2જી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ઉજવણી બાબતે રાજ્ય સરકારે કેવા પ્રકારનું આયોજન કર્યું છે તેની વિગતો આપવા તેમ જ આ તમામ બાબતોને લઈને સૂચનો કરવાનો પણ નિર્દેશ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષોથી પ્રતિ વર્ષ કોઈને કોઈ ઉત્સવો પાછળ કરોડોનું આંધણ કરવામાં આવી રહ્યું છે. સાથે આ ઉત્સવો પાછળ જે આંધણ થાય છે તેનો સીધો બોજો રાજ્યની પ્રજા પર પડતો હોવાનાં કારણે પ્રજાને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે, ગુજરાત હાઈકોર્ટનાં નિર્દેશ બાદ રાજ્ય સરકાર ગાંધી જયંતિ નિમિત્તે યોજાનાર કાર્યક્રમો વિશે કેવા સૂચનો કરે છે.