સુરતનાં ઈશ્વરલાલ વીમાવાળાએ વર્ષો પહેલાં ગાંધીજીનો પરિચય રેંટિયો સાથે કરાવ્યો હતો. ગાંધીજી હંમેશા રેંટિયો પર જાતે જ સુતર કાંતી આટીંઓ બનાવતા હતા અને ખાદીના કપડાં પહેરતા હતાં. 27 ફેબ્રુઆરી 1921ના દિવસે ઈશ્વપલાલે ગાંડિવ રેંટિયોની શોધ કરી લોકો સમક્ષ રજૂ કર્યો હતો. આ રેંટિયો બનાવ્યા પછી ઈશ્વરલાલે ગાંડિવ રેંટિયો પુરાણ નામના ગદ્યની પણ રચના કરી અને તેમાં રેંટિયોની રચના, ચલાવવાની પદ્ધતિ તેમજ રેંટિંયો દ્વારા થનાર લાભ જણાવ્યા હતાં, જેથી લોકોને જાગૃત કરી શકાય.
ઈશ્વરલાલ વિમાવાળાનો જન્મ 1897માં સુરતમાં થયો હતો. એમણે પ્રાથમિક શિક્ષણમાં મુંબઈમાં અને સુરતમાં લીધું હતું. થોડો સમય નડિયાદ અને મુંબઈમાં નોકરી કરી સુરત સ્થાયી થયા હતાં. કવિ ભાસના સંસ્કૃત નાટક પરથી લખેલું પુસ્તક ‘પાંડવ ગુપ્ત નિવાસ’ સૌ-પ્રથમ તેમણે 1920માં પ્રસિદ્ધ કર્યુ હતું. 1921માં તેમણે સુરતમાં ગાંડિવ સાહિત્ય મંદિરની સ્થાપના કરી હતી.
લોકો વધારેમાં વધારે રેંટિયો ચલાવે તે માટે ઈશ્વરલાલ વીમાવાળા રેંટિયાનો પ્રસાર અને પ્રચાર કરતા હતાં. ઈશ્વરલાલે 1930માં આ રેંટિયો ગાંધીજીને ભેટમાં મોકલ્યો હતો. રેંટિયો જોઈને ગાંધીજી ખૂબ જ પ્રભાવિત થયા હતાં. એમણે આ રેટિંયાનો અભ્યાસ કર્યો હતો અને ત્યાર બાદ ગાંધીજીએ આ રેંટિયોમાંથી પ્રેરણા લઈને થોડા સુધારા વધારા કરીને ‘યરવડા ચક્ર’ નામનો રેંટિયો બનાવ્યો હતો.
ઈશ્વરલાલ વીમાવાળાને સાહિત્યના શોખની સાથે યંત્ર કામમાં પણ ખૂબ ઉંડો રસ હતો.
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અમદાવાદ દ્વારા વર્ષી ‘ગ્રંથ અને ગ્રંથકાર પુસ્તકની એક સિરિઝ બહાર પાડવામાં આવી હતી. આ સિરિઝનું સંપાદન ચુનિલાલ શાહ, બચુ રાવત અને કેશવરામ શાસ્ત્રીએ કર્યુ હતું. ગ્રંથ સિરિઝના 9માં પુસ્તકના પાના નંબર 103 પર ઈશ્વરલાલ વીમાવાળાની વાત કરવામાં આવી છે. જેમાં આ સમગ્ર ઘટનાનો ઉલ્લેખ આ ગ્રંથમાં કરવામાં આવ્યો હતો.