પ્રશાંત પંડિત
અમદાવાદ, તા.22
અમદાવાદ મહાનગર પાલિકા (અમપા)માં છેલ્લા પંદર વર્ષથી સત્તારૂઢ ભાજપ વિવિધ પ્રકારની યાત્રાઓ કરી લોકોને ભ્રમિત કરવામાં સફળ રહ્યો છે. આજ પ્રકારે વર્ષ-૨૦૧૨-૧૩માં મહાત્મા ગાંધીજી અને સરદારના નામે ફરી શરૂ કરાયેલી ક્રાંતિયાત્રા માત્ર એક વર્ષ કાઢવામાં આવ્યા બાદ હાલ આ યાત્રા શાસકપક્ષ ભાજપ દ્વારા અભેરાઈ ઉપર ચઢાવી દેવાઈ છે.

આ અંગેની વિગત એવી છે કે, વર્ષ ૨૦૧૨-૧૩માં અમપાના મંજૂર કરાયેલા બજેટમાં ભાજપ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્રને આઝાદી અપાવવામાં આપેલા યોગદાન અને સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન આપનારાઓની સ્મૃતિમાં શહેરમાં ફરીથી ક્રાંતિયાત્રા શરૂ કરી દર વર્ષે આયોજિત કરવા ઠરાવ મ્યુનિસિપલ બજેટ બેઠકમાં પણ બહુમતીના જોરે પસાર કરાવ્યો હતો. આ ક્રાંતિયાત્રા માટે વર્ષ ૨૦૧૨-૧૩ના વર્ષમાં રૂપિયા વીસ લાખનું બજેટ પણ મંજૂર કરાયું હતું. આઘાતજનક બાબત તો એ છે કે, આ ક્રાંતિ યાત્રા જે રૂટ પરથી પસાર કરવાની હતી એ રૂટ માત્ર બે કિલોમીટરથી પણ ઓછા અંતરમાં આવતો હતો. આટલા ઓછા અંતરમાં નીકળનારી ક્રાંતિયાત્રા માટે વીસ લાખ રૂપિયા જેટલી માતબર રકમ કોના લાભાર્થે મંજૂર કરાઈ હતી એ બાબત આજે સાત વર્ષ બાદ પણ એક વણઉકલ્યો કોયડો બનીને રહી ગઈ છે.

ચા-પાણી, નાસ્તો અથવા મહેમાનોને લાવવા કે પરત મોકલવાનો ખર્ચ ગણવામાં આવે તો પણ પાંચ લાખથી પણ ઓછા ખર્ચમાં થઈ જાય એવી ક્રાંતિયાત્રા છેલ્લા સાત વર્ષથી બંધ છે.
ક્રાંતિયાત્રા માટે કયો રૂટ નકકી કરાયો હતો?
૧. પાંચકુવા મસ્ટર સ્ટેશનથી ખાડીયા ચાર રસ્તા થઈ ગોલવાડ તરફ.
૨. ગોલવાડથી અમૃતલાલની પોળ, ધોબીની પોળ.
૩. હાટકેશ્વર મહાદેવ, યુનાઈટેડ બંગલા હોમ.
૪. દેસાઈની પોળ, આકાશ શેઠ કુવાની પોળ.
૫. રાયપુર ચકલા, બઉઆની પોળ.

સંખ્યા વધુ બતાવવા શિક્ષકોને આદેશ કરાયો
ભાજપ દ્વારા રાજયના વિવિધ શહેરોમાં શહીદ યાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રાના સમાપન સમારોહમાં હાજરી ઓછી દેખાશે તો પક્ષના હાઈ કમાન્ડનો ઠપકો સાંભળવો પડશે એ બીકથી અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં ફરજ બજાવતા શિક્ષકોને ફરજિયાત ગાંધી ડ્રેસ અથવા ખાદીના પહેરવેશમાં હાજર રહેવા શાસનાધિકારી લગધીર દેસાઈ દ્વારા ખાસ આદેશ ભાજપ દ્વારા કરાવાતા શિક્ષકોમાં ભારે કચવાટ જોવા મળ્યો હતો.
ગુજરાતી
English




