અમદાવાદ, તા.૦૬
શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલી અલ-રશિદ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીની સંચાલિકા સામે વિદેશ મોકલવાના બહાને રૂ. 2.60 લાખની છેતરપિંડી કર્યા અંગેની વધુ એક ફરિયાદ નોંધાવાઇ છે. ગાંધીનગરના યુવક અને એક મહિલાને દુબઈ મોકલવાના બહાને રૂપિયા મેળવી ઠગાઇ કરી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગરના સેકટર 3-ડી,માં રહેતા રજનીકુમાર કાંતિલાલ પટેલે અમદાવાદ શહેરના ભદ્ર વિસ્તારમાં ઇટાલિયન બેકરીની સામે આવેલી અલ-રશિદ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલિકા સોનિયાબેન હારૂનભાઈ શિરાવાલા સામે કારંજ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, અલ-રશિદ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલિકા સોનિયાબેન શિરાવાલા દુબઈ જવા માટેની વ્યવસ્થા કરી આપે છે તેવી માહિતી મળી હતી. જેથી તેમણે સોનિયાબેનનો સંપર્ક સાધ્યો હતો. જેમાં તેમણે રૂબરૂ મળવા બોલાવતા તેઓ ત્યાં ગયા હતા. ત્યારે સોનિયાબેને તેમને દુબઈ જવા માટે વિઝા અને ટિકિટ માટે રૂપિયા 1.60 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું, જો કે અંતે રૂ. 1.50 લાખમાં નક્કી થયું હતું. જે અંગે રજનીકુમારે કટકે કટકે રૂ. 1.50 લાખ ચેક અને રોકડેથી ચૂકવી આપ્યા હતા. આ વાતને સમય વીતી જતાં વારંવારની રજૂઆત બાદ સોનિયાબેને દુબઈ જવાના વિઝા અને વર્ક પરમિટ વિગેરે વોટ્સએપ મોકલી આપ્યા હતા. પરંતુ તેમની ટિકિટ બનાવી આપી ન હતી. જેથી રજનીકુમારે પૈસાની ઉઘરાણી કરતાં વર્ષ 2018માં તેમને રૂ. 50 હજારનો ચેક આપ્યો હતો અને બાકીના રૂ. એક લાખ એક મહિનામાં આપી દેવાનો વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો. પરંતુ તેમનો ચેક બાઉન્સ થયો હતો. ત્યાર બાદ સોનિયાબેન મળ્યા ન હતા.
રજનીકુમાર ઉપરાંત તેમના વિસ્તારમાં રહેતા ધીરજબેન ઓડેદરા સાથે પણ આવી રીતે રૂ. 1.10 લાખ મેળવીને તેમની સાથે ઠગાઇ કરી હતી. આ અંગે કારંજ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.