ગાંધીના ગુજરાતમાં દારૂની પરમિટ લેવા માટે પડાપડી

ગાંધીના દારૂબંધીવાળા ગુજરાતમાં એમ તો ખૂલ્લેઆમ દારૂના વેપલો થાય જ છે પણ જે લોકો દવાના નામે પરમિટ સાથે દારૂનું સેવન કરે છે તેમના પર સાણસો કસવા સરકારે દારૂની પરમિટ માટે કાયદો બદલ્યા બાદ મોટા પ્રમાણમાં ફરિયાદોને લીધે ફરી પાછી જૂની રીતે પરમિટ આપવાની શરૂ તો કરાઈ છે પરંતુ સ્થિતિ એ છે કે તાજેતરમાં 2500 જેટલી પરમિટ સિવિલમાં રિન્યુ કરવા સાથે આવી છે અને જેમાંથી રોજ માંડ 10થી 15 જણાને જ ડોક્ટર દ્વારા તપાસીને પરમિટ ઈશ્યુ કરાતી હોઈ સિવિલ કેમ્પસ અનેક વખત સમરાગણમાં ફેરવાઈ જાય છે અને તેના પર નિયંત્રણ મેળવવા સિવિલ કેમ્પસમાં સિક્યુરિટી વધુ સઘન બનાવવાની ફરજ પડી છે. સ્થિતિ એ છે કે પાંચ હજાર જેટલી પરમિટની મુદત પૂરી થતી હોઈ સિવિલના ડોક્ટરોએ દર્દીની સારવારને બાજુએ મૂકીને પરમિટ રિન્યુ કરવા માટે અરજદારને તપાસવા પાછળ સમય વેડફવો પડે છે.

રાજ્યમાં 65 હજાર લોકો દારૂની પરમિટ ધરાવે છે

દારૂના મામલે ગુજરાતની પ્રજા અને ગુજરાત સરકાર બેવડા ધોરણો રાખે છે, ગુજરાતમાં ખૂલ્લે આમ દારૂ વેચાય છે તેવી ગુજરાત સરકારને ખબર હોવા છતાં રોજ નવા નુસ્ખા કરી દારૂબંધીનો કડક અમલ કરવામાં આવી રહ્યો હોવાનો દાવો કરે છે. બીજી તરફ ગુજરાતમાં 65 હજાર જેટલી હેલ્થ પરમીટ આપેલી છે જેમની પાસે દવા તરીકે દારૂ પીવાનો પરવાનો છે, પણ એક વર્ષ પહેલાં ગૃહ વિભાગે તેમાં તવા તીકડમ કરી નિયમો બદલ્યા જેના પરિણામે નશાબંઘી ખાતાની પરમીટની સંપૂર્ણ કામગીરી બંધ થઈ ગઈ હતી. આખરે એક વર્ષ બાદ ફરી જૂના નિયમ પ્રમાણે પરમીટ આપવાનો નિર્ણય કરાતા હાલમાં પરમીટ રીન્યુ કરાવા માટે રીતસરના ટોળા ઉમટી પડે છે જેને કાબૂમાં લેવા માટે સિવિલ હોસ્પિટલ દ્વારા સિકયુરીટી ગાર્ડ રાખવા પડે છે.

ભ્રષ્ટાચાર રોકવા માત્ર છ હોસ્પિટલને પરમિટની કામગીરી સોંપાઈ હતી

નશાબંધી ખાતાના જૂના નિયમ પ્રમાણે ગુજરાતમાં રહેતા નાગરિકને દારૂનો પરવાનો મેળવવો હોય તો આરોગ્યના કારણસર તેમને હેલ્થ પરમીટ આપવામાં આવતી હતી. આ હેલ્થ પરમીટ આપવાનું કામ  જે તે નશાબંધી અધિકારી અને સિવિલ હોસ્પિટલના ડૉકટરો કરતા હતા. પરંતુ એક વર્ષ પહેલાં ગૃહ વિભાગના અધિકારીઓએ પરમીટમાં ભ્રષ્ટાચાર થાય છે તેવા કારણોસર નિયમો બદલી રાજયમાં કુલ છ જ હોસ્પિટલમાં આ કામગીરી કરવાનો નિર્ણય કર્યો હતો, આ ઉપરાંત રાજયની છ મોટી સિવિલ હોસ્પિટલમાં પણ  ડૉકટર-નશાબંધી વિભાગ અને ગૃહ વિભાગના અધિકારી આમ ત્રણ વ્યકિતની પેનલો તૈયાર કરી હતી.

જેના કારણે કચ્છમાં રહેતી વ્યકિતને પરમીટ માટે રાજકોટ અથવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધી ધક્કા ખાવા પડતા હતા, આ ઉપરાંત જયારે પણ પરમીટ ધારક પોતાને આપવામાં આવેલી તારીખે હાજર રહે ત્યારે પેનલમાંથી એક પણ અધિકારીની ગેરહાજરી હોય તો પેનલના અન્ય બે અધિકારી તે કામગીરી કરી શકતા નહતા, આમ મોટા ભાગના કિસ્સામાં ત્રણે વિભાગના અધિકારીઓ ભેગા થવાનું કામ શકય જ બનતું નહતું, આ દરમિયાન જેમની પરમીટ રીન્યુ કરવાનો વખત આવ્યો હતો તેઓ નિયમ પ્રમાણે પોતાની પરમીટ રીન્યુ કરાવવા માટે ફોર્મ ભરતા હતા, પણ જે તે હોસ્પિટલમાં જઈ તે ફોર્મ ત્યાં જ પડયા રહેતા આમ એક એક વર્ષ થવા છતાં પરમીટ રીન્યુ થતી નહતી.

પરમિટનું કામ સિવિલમાં માત્ર બે દિવસ થાય છે

આ મામલે હોબાળો થતાં ગૃહ વિભાગે ફરી જૂના નિયમ પ્રમાણે પરમીટ આપવાનો આદેશ કરતા જે તે હોસ્પિટલમાં ગયેલા ફોર્મ પરત નશાબંધી ખાતામાં પાછા ફર્યા હતા, એકલા અમદાવાદમાં સોલા સિવિલમાંથી 2500 ફોર્મ પાછા ફરતા તે તમામ અમદાવાદ સિવિલમાં મોકલી આપવામાં આવ્યા છે. હવે સ્થિતિ એવી નિર્માણ થઈ કે સપ્તાહમાં બે દિવસ મંગળવાર અને ગુરૂવારના દિવસે પરમીટ આપવાનું કામ થાય છે તે પણ રોજના બે કલાક જ આ કામગીરી કરવાની હોય છે. બે કલાકમાં પચાસ કરતા વધુ વ્યકિતને ડૉકટર તપાસી શકતા નથી.

આમ આખા મહિનામાં માત્ર ચારસો વ્યકિતઓને તપાસી તેમને પરમીટ મળી શકે તેમ છે કે નહીં તેની ડૉકટર ભલામણ કરી શકે તેમ છે. જેની સામે હાલમાં 2500 અરજી પડતર છે અને બીજી તરફ રીન્યુનો સમય થઈ રહ્યો હોય તેવી નવી અરજીઓ સતત આવી રહી છે. આ સ્થિતિને કારણે  અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મંગળવાર અને ગૂરૂવારના રોજ પરમીટ લેવા આવનારના ટોળા આવી રહ્યા છે, જેમને કાબૂમાં રાખવા માટે સિકયુરીટી ગાર્ડ મૂકવા પડયા છે.

બીલાડીને ખીરનું રખોપું સોંપવામાં આવ્યું

ગુજરાત પોલીસે હમણાં સુધી અનેક આતંકીઓને ઠાર માર્યા છે, આતંકવાદીઓ ગુજરાતમાં આવી ગયા છે તેની જાણકારી મેળવી લેતી ગુજરાતની સ્માર્ટ પોલીસ દારૂના મામલે ભોંઠ સાબીત થાય છે. હવે ગૃહ વિભાગના આદેશથી ગુજરાત સીઆઈડી ક્રાઈમ દ્વારા દારૂને પકડવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે જેમાં એક વોટસઅપ નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં રાજયનો નાગરિક કયાં દારૂ વેચાય છે અને દારૂ પીવાય છે તેની જાણકારી આપી શકશે, પોલીસનો દાવો છે કે માહિતી આપનારાની ગુપ્તતા જાળવામાં આવશે. જો કે પોલીસ ગુપ્તતા જાળવશે તે વાત ઉપર સામાન્ય પ્રજાને ખાસ ભરોસો નથી.

પરંતુ જે પોલીસ આતંકીઓને શોધી શકતી હોય તે પોલીસને ગુજરાતમાં દારૂ કયાં અને કેવી રીતે આવે છે તેની ખબર ના હોય તે વાત માનવામાં આવે એવી નથી, ગુજરાતના ખાસ જિલ્લામાં પોસ્ટિંગ માટેનો ભાવ પણ ત્યાંના દારૂના ધંધાને આધારે હોય છે આમ રાજયના કોન્સટેબલથી લઈ ડીજીપી સુધીના અધિકારીને ખબર છે કે દારૂનો ધંધો કોણ, કયાં અને કેવી રીતે ચલાવે છે. જે પેટે પોલીસની તેમને ભાષામાં ભરણ પણ મળતું હોય છે. આમ છતાં હવે સ્ટેટ મોનિટરિંગ સેલને વોટસઅપ ઉપર દારૂની માહિતી  મેળવવાની જવાબદારી સોંપી બીલાડીને ખીરનું રખોપું આપવા જેવી વાત છે.