અમદાવાદ, તા.02
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો તો સરકારે બનાવી દીધો છે, પરંતુ તેનો અમલ કેટલો થાય છે તે સૌ કોઈ જાણે છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કલાસ વન અધિકારી જુના સચિવાલયમાં નોકરીના સ્થળેથી વિદેશી દારૂની બે મોંઘીદાટ બોટલો સાથે ઝડપાતા તેની સેકટર-7 પોલીસે ધરપકડ કરી ગણતરીના કલાકોમાં જામીન પર મુક્ત કરી દીધો હતો. કબ્જે લેવાયેલી બે દારૂની બોટલમાં એક બોટલ ડિફેન્સ ક્વોટાની હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી દીધી છે.
ગાંધીનગર જુના સચિવાલય ખાતે ચારૂબહેન નરેન્દ્રભાઈ ભટ્ટ (ઉ.55) નિયામક હિસાબ અને તિજોરી તરીકે છેલ્લા એક વર્ષથી ફરજ બજાવે છે. ગઈકાલે શુક્રવારના રોજ બપોરે ચારૂબહેન ભટ્ટ તેમની ઓફિસમાં તેમના તાબાના અધિકારીઓ હિમાંશુ પટેલ, સમીર મહેતા અને પ્રવિણ ત્રિવેદી સાથે હાજર હતા. આ સમયે ઉદ્યોગ ભવનમાં ડાયરેક્ટર ઑફ પેટ્રોલીયમમાં હિસાબી સંવર્ગ અધિકારી તરીકે ફરજ બજાવતા ઉમેશ મહેશભાઈ ઓઝા (રહે.સેટેલાઈટ, અમદાવાદ) ચારૂબહેન ભટ્ટની ઓફિસમાં નવા વર્ષની શુભેચ્છા પાઠવવાના બહાને આવ્યો હતો. ઉમેશ ઓઝાએ પોતાની પાસે રહેલી કાળા રંગની બેગમાંથી વિદેશી દારૂની બે બોટલ બહાર કાઢી આપણે નવા વર્ષની ઉજવણી કરીએ તેમ જણાવ્યું હતું. ચારૂબહેન ભટ્ટ ઉમેશ ઓઝાની આ હરકતથી ચોંકી ઉઠ્યા હતા અને તેમણે તુરંત ગાંધીનગર પોલીસને જાણ કરતા સેકટર-7 પોલીસ જુના સચિવાલયમાં દોડી આવી હતી અને ઉમેશ ઓઝાની વિરૂધ્ધ ફરિયાદ નોંધી દારૂની બોટલ કબ્જે લઈ ધરપકડ કરી હતી.
પોલીસે કબ્જે લીધેલી બે બોટલો પૈકી એક બોટલ ડીફેન્સ ક્વોટા (આર્મી)ની હોવાનું સામે આવ્યું હતું. જેથી ગાંધીનગર પોલીસે ઉમેશ ઓઝાની પૂછપરછ કરી આ બોટલ કોની પાસેથી અને કેવી રીતે મેળવી હોવાની વિગતો જાણવા પ્રયાસ કર્યો છે.
ઉચ્ચ મહિલા અધિકારીને બોટલ બતાવી પાર્ટી માટે ઓફર મુકી
સુપર કલાસ વન અધિકારી તરીકે ફરજ બજાવતા ઉમેશ ઓઝાએ તેમના સિનિયર મહિલા અધિકારીને દારૂ પીને નવા વર્ષની ઉજવણી કરવાની ઓફર મુકી હતી. ઉમેશ ઓઝા પાસેથી મળી આવેલી બે બોટલ પૈકી સ્કોચ વહીસ્કીની 750 એમએલની બોટલનું સીલ તૂટેલું હતું. જે બોટલમાં 650 એમએલ જેટલો દારૂ હતો. પોલીસને આશંકા છે કે, ઉમેશ ઓઝા દારૂ પીવાની ટેવવાળો છે. જો કે, ઉમેશ ઓઝાની ધરપકડ કરવામાં આવી ત્યારે તે નશામાં ન હતો.
જામીન પર મુક્ત થયાના કલાક બાદ ફરિયાદી મહિલા અધિકારીના ઘરે જઈ લાફો માર્યો
ગાંધીનગર સેકટર-7 પોલીસ સ્ટેશનમાંથી જામીન પર છૂટ્યા બાદ આરોપી ઉમેશ ઓઝા ફરિયાદી મહિલા અધિકારીના ઘરે પહોંચી ગયો હતો અને તેમને લાફો મારી ધમકી આપીને નાસી છૂટ્યો હતો. સોલા પોલીસે આ મામલે ચારૂબહેન ભટ્ટની ફરિયાદ નોંધી ઉમેશ ઓઝાની ધરપકડ કરી છે.
ઘાટલોડીયા આર.સી.ટેકનિકલ રોડ શાયોના સિટી વિભાગ-1માં રહેતા ચારૂબહેન નરેન્દ્રભાઈ ભટ્ટ (ઉ.55) જુના સચિવાલય ખાતે નિયામક હિસાબી તિજોરી તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે શુક્રવાર રાતે નવ વાગે ઉમેશ ઓઝા અચાનક જ ચારૂબહેન ભટ્ટના ઘરે પહોંચી ગયો હતો અને ચારૂબહેનના માતાને તમારી દિકરીએ દારૂ રાખવાનો કેસ કરેલો હું છુટીને આવી ગયો છું અને હવે જોઉં છું કેવી રીતે નોકરી કરે છે તેમ કહી ધમકી આપી હતી. વાતચીત દરમિયાન ઉશ્કેરાઈ જઈ ઉમેશ ઓઝાએ ચારૂબહેનને લાફો તેમજ ધક્કો મારી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાના પગલે ચારૂબહેન ભટ્ટે મહિલા હેલ્પલાઈનમાં ફોન કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. સોલા પોલીસે ઉમેશ ઓઝા સામે ધમકી આપી લાફો મારવાનો ગુનો નોંધ્યો હતો.
ગણતરીના કલાકોમાં આરોપીને જામીન પર છોડી દેવાયો
જુના સચિવાલય ખાતે સરકારી ઓફિસમાં નોકરીના સ્થળે દારૂની એક નહીં બબ્બે બોટલ લઈને ગયેલા આરોપી ઉમેશ ઓઝાને સેકટર-7 પોલીસે ગણતરીના કલાકોમાં જામીન પર છોડી મુક્યો હતો. બપોરે ચારેક વાગે પ્રોહીબીશનના કેસમાં ઉમેશ ઓઝાની ધરપકડ કરવામાં આવી હતી અને રાતે આઠ વાગે તેને પોલીસે જામીન પર મુક્ત કરી દીધો હતો. જામીન પર છૂટ્યા બાદ ઉમેશ ઓઝાએ ફરિયાદી મહિલા અધિકારીના ઘરે જઈ લાફો મારી ધમકી આપી હોવાની ઘટના સામે આવતા ગાંધીનગર પોલીસે આજે ઉમેશ ઓઝાને નિવેદનના બહાને બોલાવી તેની સામે અટકાયતી પગલા લીધા હતા.
ગુજરાતી
English



