રવિવારથી શરૂ થઈ રહી છે, ત્યારે ગુજરાતી ગાયિકા અને હાલમાં જ ભાજપમાં જોડાએલી કિંજલ દવે ફરી વાર કોપીલાઈટના કેસમાં અટવાઈ છે. ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતને લઈને કિંજલ દવે વિવાદમાં આવી ગઈ છે. આ ગીતના કોપીરાઈટ અંગે ફરીવાર ઓસ્ટ્રેલિયાના ગુજરાતી ગાયક કલાકાર કાર્તિક પટેલે અમદાવાદ શહેરની સિવિલ કોર્ટમાં કિંજલ દવે સામે દાવો માંડ્યો છે. પ્રાથમિક સુનાવણી બાદ અદાલતે નોટિસ પાઠવી છે.
આ અંગે વિગતો એવી છે કે, ઓસ્ટ્રેલિયાના ગુજરાતી સિંગર કાર્તિક પટેલે ફરી કોર્ટમાં ગીતના કોપીરાઇટ મામલે સિટી સિવિલ કોર્ટમાં દાવો કર્યો છે. હવે આગામી દિવસોમાં કિંજલ દવેએ આ મામલે ફરીવાર કોર્ટમાં ખુલાસો કરવો પડશે. આ મામલે અગાઉ કોમર્શિયલ કોર્ટમાં કેસ થયો હતો. આ સમયે કોર્ટે યોગ્ય કોર્ટમાં કેસ દાખલ કરવાનું ફરમાન કર્યું હતું.
અગાઉ કોમર્શિયલ કોર્ટે આપ્યો હતો સ્ટે
ઓસ્ટ્રેલિયાના ગાયક કલાકારની દલીલ બાદ અગાઉ કોમર્શિયલ કોર્ટે કિંજલને આ ગીત ગાવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. અને કોર્ટના આદેશને આધીન કિંજલે આ ગીત જાહેર કાર્યક્રમોમાં ગાવાનું બંધ કર્યું હતું તથા યૂ-ટ્યૂબ પર અપલોડ કરાયેલા આ ગીતોની તમામ સામગ્રી પણ હટાવી દેવાઈ હતી. જે તે વખતે કિંજલે એવું કહ્યું હતું કે, આ ગીત સ્ટૂડિયોની યૂ-ટ્યૂબ ચેનલ દ્વારા અપલોડ કરાયું હતું. જોકે, 2019ની શરૂઆતમાં કિંજલની અરજી બાદ ગુજરાતની વડી અદાલતે રાહત આપી ગીત ગાવા પરનો પ્રતિબંધ હટાવી દીધો હતો.
કાર્તિક પટેલની દલીલ
ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા ગુજરાતી યુવક કાર્તિક પટેલે આ ગીત પર કોમર્શિયલ કોર્ટમાં કોપીરાઈટનો દાવો કર્યો હતો. તેણે કહ્યું છે કે આ ગીત તેણે લખ્યું છે અને ગાયું પણ છે. જેની કિંજલ દવેએ નકલ કરી છે. અરજદારની કંપનીએ કોપીરાઇટ ધારા હેઠળ રજૂઆત કરી છે કે આ ગીત તેણે બનાવી તેનો વીડિયો યુટયૂબ પર વર્ષ 2016માં અપલોડ કર્યો હતો. તેના એક મહિના પછી ગીતમાં થોડા ફેરફારો કરી કિંજલ દવે એ આ ગીત ગાયું હતું.
જાન્યુઆરીમાં પણ વિવાદ થયો હતો
23 જાન્યુઆરી 2019માં કાર્તિક નામના યુવકે કોપીરાઇટનો દાવો કરતા કિંજલ દવેનું ચાર બંગડીવાળા ગીત અંગે કોમર્શિયલ કોર્ટમાં સુનાવણી હાથ ધરાય હતી. ઓસ્ટ્રેલિયાના કાઠીયાવાડી કિંગ તરીકે જાણીતા યુવકે ચાર બંગડીવાળા ગીત બાબતે કોપીરાઈટનો દાવો કરતા કોમર્શિયલ કોર્ટે આ ગીત પર પ્રતિબંધ મૂક્યો હતો અને કિંજલ દવેને આ ગીત કોઈપણ કોમર્શિયલ કાર્યક્રમમાં નહીં ગાવા અને ઈન્ટરનેટ પરથી હટાવી દેવા આદેશ કર્યો હતો. કોર્ટે આદેશ કર્યો હતો કે, આ ગીત હવે કોઈને પણ ન વેચવામાં આવે. આ કેસની સુનાવણી આજે હાથ ધરાશે. કિંજલ દવેના પ્રખ્યાત ગીત ‘ચાર બંગડીવાળી ગાડી’ સામે મૂળ ગુજરાતી પણ ઓસ્ટ્રેલિયાના વતની એવા કાર્તિક પટેલે કરેલી અરજી પર સુનાવણી છે. અમદાવાદની કમર્શિયલ કોર્ટમાં આ કેસની સુનાવણી થશે.
કાર્તિક પટેલનો દાવો
કાઠિયાવાડી કિંગના નામથી જાણીતા કાર્તિક પટેલનો દાવો છે કે, આ ગીત તેમણે લખેલું છે. પણ કિંજલ દવેએ ગીતમાં બે ચાર ફેરફાર કરીને પોતાના નામે ગાયું છે. અરજી સંદર્ભે કોર્ટે આ ગીતને યૂ ટ્યૂબ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી લેવાનો અને જાહેર કાર્યક્રમમાં આ ગીત પર પરફોર્મ નહીં કરવાનો આદેશ અગાઉ જ કરી દીધો છે. ત્યારે કોપી રાઈટ ભંગના આ કેસમાં કિંજલ દવે મુશ્કેલીમાં મુકાઈ શકે છે. કારણ કે 2016માં આ ગીત આવ્યા બાદથી જ કિંજલ દવેને સ્ટારડમ મળ્યું હતું. અરજી કરનારા કાર્તિક પટેલે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ લડાઈ આર્થિક વળતરની નહીં પણ ઓળખ માટેની છે.
કાર્તિક જામનગરના વતની
કિંજલ દવે સામે કોપીરાઈટની અરજી કરનારા કાર્તિક પટેલ મૂળ જામનગર જિલ્લાના વતની છે. તેણે જામનગરની એમપી શાહ કૉમર્સ કૉલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યુ છે. ઓસ્ટ્રેલિયા જતાં પહેલા તેણે ગુજરાતની એક આઈટી કંપનીમાં કામ કર્યુ હતું. વર્ષ 2000માં વધુ અભ્યાસ અર્થે કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયા ગયા હતા. શરૂઆતમાં તેણે પોતાનો ખર્ચ કાઢવા ઓસ્ટ્રેલિયામાં ટેક્સી ચલાવી હતી. આ જ સમયગાળા દરમિયાન સંગીત પ્રત્યે તેને આકર્ષણ જાગ્યું હતું.
2016માં કાર્તિકે ગીત ગાયુ
કાર્તિક પટેલે ચાર બંગડીવાળી ગીત લખી ગાયું, પછી 2016માં તેને યૂ ટ્યૂબ પર અપલોડ કર્યુ હતું. આ ગીતનું શૂટિંગ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં થયું હતું. પણ આ ગીત અપલોડ થયાના થોડા સમયમાં કિંજલ દવેએ આ જ ગીત અલગ અંદાજમાં ગાઈને યૂ ટ્યૂબ પર અપલોડ કર્યુ. યૂ ટ્યૂબની ડિજીટલ ટીમનું સૂચન હતું કે, જે દેશમાં કોપીરાઈટનો ભંગ થયો હોય ત્યાંની કોર્ટમાંથી આદેશ મેળવવો પડશે. ત્યારબાદ કાર્તિક પટેલે અમદાવાદની સ્થાનિક કોર્ટમાં કિંજલ દવે સામે કોપીરાઈટ ભંગનો કેસ કર્યો હતો.
મનુ રબારી ગીતકાર હોવાનો દાવો
કિંજલ દવેનો દાવો છે કે આ ગીત મનુ રબારીએ લખ્યું છે. ખાસ વાત એ છે કે ચાર બંગડીવાળી ગાડી ગીતની મારવાડી અને અન્ય ભાષાઓમાં પણ નકલ કરવામાં આવી છે. કાર્તિક પટેલ આગામી દિવસોમાં અન્યોને પણ કાયદાકીય રીતે પડકારવા માંગે છે.