વિધાનસભા ખાતે માર્ગ-મકાન વિભાગનું રૂ.૧૦ હજાર કરોડની યોજના જાહેર કરવામાં આવી હતી. ગ્રામ સડક યોજના જાહેર કરી છે જે હેઠળ ૩૪૦૦૦ ગામો અને પરાઓને આવરી લેવાશે. આ યોજના હેઠળ ત્રણ વર્ષમાં રૂ.૧૦૨૪૩ કરોડ મંજૂર કરાયા છે આ માટે વર્ષ ૨૦૧૯-૨૦ માં રૂ.૨૫૬૯.૪૧ કરોડની જોગવાઇ પણ કરાઇ છે. આ યોજના હેઠળ રાજ્યમાં રૂ.૬૯૫૦ કરોડના ૧૯૬૩૦ કિ.મી. લંબાઇના ૭૩૧૬ રસ્તાના કામો પૂર્ણ કરાયા છે અને રૂ.૪૩૯૫ કરોડના ૧૦૨૫૫ કિ.મી. લંબાઇના ૩૯૦૮ રસ્તાના કામો પ્રગતિમાં છે.
મહેસાણા-મોઢેરા રોડ, ડીસા-લાખણી રોડ, સાયલા-સુદામડા-પાળીયાદ રોડને રૂ.૨૪૦ કરોડના ખર્ચે ચારમાર્ગીય કરવાનું કામ ચાલે છે. જનભાગીદારી થકી રૂ.૧૬૫૪ કરોડના ખર્ચે બગોદરા-તારાપુર-વાસદ માર્ગને છ માર્ગીય કરાશે. ૮૦૮.૫૮ કિ.મી. લંબાઇના માર્ગોને રૂ.૧૨૬૧.૮૦ કરોડના ખર્ચે ૧૦ મીટર પહોલા કરવાના કામો પ્રગતિ હેઠળ છે. આ વર્ષે નવા છ કામો શરૂ કરાશે. એ જ રીતે ૪૯૭.૯૮ કિ.મી. લંબાઇના રસ્તાઓને રૂ.૫૯૦.૪૦ કરોડના ખર્ચે ૭ મીટર પહોલા કરવાના કામો પ્રગતિ હેઠળ છે અને નવા સાત કામો આ વર્ષે શરૂ કરાશે.
આંતર જિલ્લા જોડાણો અને ગામો-શહેરો વચ્ચે ટુંકા અંતરથી અવર-જવર માટે નાગરિકોની સરળતા ખાતર રૂ.૧૨૦૬.૮૨ કરોડના ખર્ચે હાથ ધરેલા બાવન પુલોનું કામ ચાલે છે. પાંચ કામો આ વર્ષે શરૂ કરાશે. બીજા તબક્કામાં પણ ૨૬૭ પુલોનું નિર્માણ રૂ.૪૪.૪૭ કરોડના ખર્ચે હાથ ધરાશે. રાજ્યના વિવિધ જંકશનો ઉપર ફ્લાયઓવર બનાવવાના રૂ.૪૮૭ કરોડના ૯ કામો મંજૂર કરાયા છે. જેમાં રાજકોટ-જામનગર રોડ પર માધાપર જંકશન, મહેસાણા-પાલનપુર માર્ગ પર મોઢેરા જંકશન, સુરત-બારડોલી માર્ગ પર કડોદરા જંકશન અને ગાંધીનગર-કોબા માર્ગ પર રક્ષાશક્તિ સર્કલ પર ફ્લાયઓવર બનશે. એ જ રીતે રેલ્વે ક્રોસીંગ પર ટ્રાફીકના ભારણને ધ્યાને લઇને રેલ્વે ઓવરબ્રીજનું કામ ૫૦ % રેલ્વે વિભાગ અને ૫૦ % રાજ્ય સરકારના ખર્ચે હાથ ધરાશે. જેમાં રૂ.૩૪૦૦ કરોડના ખર્ચે ૬૮ રેલ્વે ઓવરબ્રીજ મંજૂર કરાયા છે. છેલ્લા પાંચ વર્ષમાં રૂ.૭૭૪ કરોડના ખર્ચે ૩૧ રેલ્વે ઓવરબ્રીજના કામો પણ પૂર્ણ કરાયા છે.
અમદાવાદ-શંખેશ્વર રસ્તા પર પગદંડીની સુવિધા માટે રૂ.૬.૭૦ કરોડ, ગાંધીનગર ખાતે સેક્ટરોમાં છ-ટાઇપના ૫૬૦ સરકારી આવાસોના ૨૦ ટાવર બનાવવા માટે રૂ.૧૩૧ કરોડ પૈકી રૂ. ૪૪ કરોડની જોગવાઇ, અમદાવાદ શહેર ખાતે રૂ.૧૩૫ કરોડના ખર્ચે નિર્માણ થનાર વિવિધ કક્ષાના આવાસો માટે રૂ. ૪૫ કરોડ તથા ગાંધીનગર શહેર ખાતે વિવિધ આવાસોના બાંધકામ માટે પણ રૂ. ૧૦૫ કરોડની જોગવાઇ કરાઇ છે.
રાજ્યની અનુ.સૂચિત જાતિના લોકોને ગ્રામ્ય સ્તરે માળખાગત સવલતો પુરી પાડવા રૂ.૫૨૮ કરોડની જોગવાઇ કરી છે. એ જ રીતે ગામતળના રસ્તાઓને સુવિધાપથ હેઠળ સી.સી. રોડ બનાવવા માટે રૂ. ૭૩.૮૪ કરોડ અને ગ્રામ્ય માર્ગો પર નાળા/પુલો બનાવવા માટે રૂ. ૮૭ કરોડની જોગવાઇ કરાઇ છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગુજરાતે ઉત્કૃષ્ઠ કામગીરી કરી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે ત્રીજા તબક્કાના રૂ.૮૦,૦૦૦ કરોડના કામોની જાહેરાત કરી છે. તેનો લાભ પણ ગુજરાતને મળશે. વિશ્વ બેંક સહાયીત પ્રોજેક્ટમાં વિશ્વ બેંક દ્વારા ૧૦૫૦ કરોડની લોન મળી છે. જે હેઠળ ૬૦૯ કિ.મી. ના ૧૬ રાજ્ય ધોરીમાર્ગો પૈકી ૪૩૫ કિ.મી. લંબાઇના રસ્તાઓની ૪૮૦ કરોડના ખર્ચે પહોળા, મજબુત અને નવીનીકરણના કામો પૂર્ણ કરાયા છે તેમ માર્ગ અને મકાન પ્રધાન નિતીન પટેલે જણાવ્યું હતું.