ગિરનાર પર રોપવે પ્રોજેકટ શરુ કરતા પહેલા મંદીરના પરિસરનો વિકાસ કરવો જરુરી

જૂનાગઢ, તા.25

ગિરનાર પર્વત ઉપર અંબાજી મંદિર ખાતે મહત્વાકાંક્ષી પ્રોજેકટ રોપવે શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે મંદિર પરિસરનો વિકાસ કરવા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી ગુરૂ, દતાગીરીજીએ ગિરનાર વિકાસ મંડળના વિભાવરીબેન દવેને રજૂઆત કરી છે. ગિરનાર પર્વત ઉપર જે યાત્રિકો સીડી ચડીને જઇ શકતા ન હતા તે લોકો માટે આશિર્વાદરૂપ મહત્વાકાંક્ષી  પ્રોજેકટ જે હવે પુર્ણતાના આરે છે.  હવે પ્રવાસીઓ ગિરનાર પર્વત ઉપર અંબાજી મંદિર અને આસપાસના ધર્મસ્થાનોના દર્શને જઇ શકશે. ગિરનારના પાંચ હજાર પગથિયા ઉપર અંબાજી મંદિર ખાતે અતિ આધુનીક રોપવે પ્રોજેકટ આગામી દિવસોમાં શરૂ થઇ રહ્યો છે ત્યારે લોકો માત્ર ૧૫ મિનીટમાં ગિરનાર અંબાજી પહોચી જશે અને મંદિર અને તેની આગળના અને ધર્મસ્થાનોના દર્શન કરી શકશે ત્યારે રોપવે શરૂ થાય તે પહેલા મંદિર પરિસરનો પણ વિકાસ થાય તે માટે જરૂરી સુચનો છે. રોપવે શરૂ થતા ગિરનાર પર પ્રવાસીઓની ભીડ વધશે. એક અંદાજ મુજબ રોજના આઠ થી દસ હજાર પ્રવાસીઓની અવર જવર રહેશે અને વાર તહેવારો અને વર્ષ દરમિયાનના બે મોટા મેળા એક મહાશિવરાત્રી અને બીજો ગીરનારની લીલી પરિક્રમાનો મેળો આ બંને મેળાના છ થી સાત દિવસના ગાળામાં લાખોની સંખ્યા યાત્રિકો આવે છે. જેમાં એક મેળામાં ૧૦ થી ૧૨ લાખ યાત્રિકો આ મેળામાં પધારે અને જેના ઘણા ખરા યાત્રિકો ગિરનાર પર્વત ઉપરના ધમસ્થાનોના દર્શને જતા હોય છે ત્યારે ગીરનાર ઉપર રોપ વે શરૂ થતા યાત્રિકોનો અવિરત ઘસારો જોવા મળશે ત્યારે તે મંદિર પરિસરનો વિકાસ કરવો જરૂરી બની જાય છે. રોજના આઠથી દસ હજાર જેટલા યાત્રીકો ગિરનાર પર્વત ઉપર જઇ ચડશે જેમાના અમુક યાત્રીકોને બાદ કરતા રોજના બે થી અઢી હજાર યાત્રીકો જે આગળ જઇ શકે તે યાત્રીકો મંદિર પરિસરમાં જ રોકાશે ત્યારે તેમની સુખાકારી માટે સરકારે પરિસરનો વિકાસ કરવો ઘણો જરૂરી બની રહેશે તેમ રજૂઆતમાં જણાવાયુ છે.