ગુજરાત લોક સંગીતમાં પદમશ્રી સ્વ.દિવાળીબેન ભીલ પછી નામના મેળવવી હોય તો તે કચ્છી કોયલ ગીતાબેન રબારી છે. એમના એક ગીત ”રોણા શહેર માં” એ માત્ર બે વર્ષની અંદર યુ–ટયુબ પર ધુમ મચાવી 22 કરોડ લોકોએ જોયું હતું. જે હવે 24 કરોડ સુધી પહોંચી ગયું છે. બધા અપલોડ સાથે આ આંક 30 કરોડથી વધું થાય છે. ગુજરાતમાં તેમનો આ રેકોર્ડ છે. આટલી લોકપ્રિયતા કોઈને આજ સુધી મળી નથી. ભારતની પ્રથમ ગુજરાતી લોકગાયિકા તરીકે ગીતાબેને વિશ્વરેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરી વિશ્વસ્તરે નામના મેળવી છે. કોઈ ગુજરાતીના આટલા લોકપ્રિય ગીતો થયા નથી. કરોડો લોકએ તેને સાંભળી છે.
તેમની આ સિધ્ધિને નજરે મુંબઈમાં યોજાયેલ ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડઝ–2018માં વિશ્વસ્તરની સિધ્ધિને નજર સમક્ષ રાખી વિશેષ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. તે યમયે 20 કરોડથી પણ વધુ વ્યૂઝ મળતા “મેક્સિમમ ગુજરાતી falk song on youtube ” વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત કરતા ભુજ ખાતે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના પ્રતિનિધિ મિલન સોની ઇન્ડિયાના સર્ટિફિકેટ તથા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
બચપણ – કુટુંબ
ગીતાબેન રબારી નો જન્મ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના તપ્પર ગામ ખાતે એક સામાન્ય પરિવારમાં 31 ડીસેમ્બર 1996 ના દિવસે થયો હતો. પોતાનું પ્રાથમિક શિક્ષણ ધો. 1થી 8 પોતાના તપ્પર ગામમાં ભણ્યા હતા. ધો.9થી 10 ગામ ભીમાસરમાં મેળવ્યું હતું. ગીતા રબારીના પિતા નું નામ કાનજીભાઈ અને માતાનું નામ વેજુબેન રબારી છે. ગીતાબેનને બે ભાઈ હતા જેનું અવસાન થયું છે. તેમના પિતા પોતાના ગામની આજુબાજુ મજૂરીએ જતાં હતા. પિતા સામાનના ફેરા મારતા હતા. માતા બીજાના ઘરે કચરાપોતું કરવા જતાં હતા. ગીતા 2 વર્ષના હતા ત્યારે પિતાને લકવાની અસર થતા તે કામ કરી શકતા ન હતા. તેથી પશુઓને વેચી દેવા પડ્યા હતા.
પ્રથમ ગીત
ગીતાબેન રબારી પાંચમાં ધોરણમાં હતા ત્યારથી ગીતો ગાય છે. સૌ પ્રથમ વખત પોતાની સ્કૂલના કાર્યક્રમમાંથી ગાવાની શરૂઆત કરી હતી. પોતાની પ્રથમિક શાળામાં 26 જાન્યુઆરીએ “બેટી હું મૈ બેટી, મેં તારા બનુગી” ગીત ગાયું હતું. શિક્ષક વાલજીભાઈ આહિરે ગવડાવ્યું હતું.
ગામની આસપાસ સ્ટેજ પ્રોગ્રામ હોય ત્યાં તે જોવા જતાં હતા. તેને મનમાં થતું કે આ ગાયકો કઈ રીતે ગાતા હશે. એક પ્રોગ્રામ જોવા માટે ગીતા પોતાના મિત્રો સાથે ગયા હતા. તેના એક મિત્રએ સ્ટેજ પર ચઢી જઈને કહ્યું કે અમારી ગીતા છે તે શાળામાં ખૂબ સરસ ગાય છે. પછી તેને પ્રથમ વખત સ્ટેજ પર ગાવાનો મોકો મળ્યો હતો. ગીતાએ સારું ગાયું અને તેને ઈનામ રૂપે રૂ.500 આપવામાં આવ્યા હતા. તે પૈસા તેણે તેના માતાને આપ્યા હતા. તેના કુટુંબમાંથી કોઈએ સ્ટેજ પર ગાયું હોય એવી આ પ્રથમ ઘટના હતી.
દિવાળીબેનનો રિયાઝ પ્રેરણા બન્યો
ગીતા એક વખથ તેના મામાના ઘરે જાય છે ત્યારે કચ્છના દિવાળીબેન આહીરને ગીતો ગાવોના રીયાઝ કરતાં જૂએ છે. ત્યારે તે નક્કી કરે છે તે આવા મોટા કલાકાર બનશે. બાજુના ગામમાં મેળામાં સ્ટેજ પ્રોગ્રામ આપેલો હતો. ત્યાર પછી આજુ બાજુના નાના-નાના કાર્યક્રમોમાં ગાવા જવાની શરૂઆત કરી હતી. પછી આસપાસના ગામોમાંથી તેને ગાવાનું આમંત્રણ મળવા લાગ્યું હતું. ત્યારે તેઓ પોતાના કાકાના દિકરા ભાઈ મહેસને સાથે લઈ જતાં હતા.
માતા પિતાએ ગીતો ગાવાની મંજૂરી આપી
રબારી સમાજમાં આ રીતે જાહેર કાર્યક્રમ આપી ગીત ગાવા તે ઘણું મુશ્કેલ હતું. તેમ છતાં તેણે પોતાના માતા પિતાને કહ્યું કે મારે સ્ટેજ પર ગીતો ગાવા છે. તેના માતા પિતાએ સમાજની મર્યાદામાં રહીને ગાવાની મંજૂરી આપી હતી. તેમના પિતાએ તેમને ખુબ જ મદદ કરી છે. તેવો બીમાર રહેતા હતા પણ ગીતાબેનને પ્રોગ્રામમાં લઇ જતા હતા. નાનપણથી જ ગીતો ગાવાનો ખુબ શોખ હતો.
7 વર્ષનો સંઘર્ષ
2010માં શાળામાં ગીત ગાયું પછી તે મેળામાં ગીત ગાય છે. અને 5થી 7 વર્ષ સુધી તે ગુજરાતી, કચ્છી ગાતો ગાતી રહે છે. આસપાસના ગામોમાં લગ્ન કે એવા પ્રસંગોમાં લોકો તેને ગાવા બોલાવતાં હતા. પણ અહીં તેની કાર્કિર્દી પૂરી થવાની ન હતી. એક દિવસ તેનું ગીત દિનેશભાઈ સાંભળે છે અને ગીતાનું ભાગ્ય બદલાય છે.
દિનેશભાઈએ ગીત ગવડાવ્યું
દિનેશભાઈ ભુંગરીયાએ ગીતાના ગીતો સાંભળ્યા હતા. ગીતાનો મીઠો અવાજ તેને પસંદ પડે છે. ગીતામાં રહેલી આવડતને તે ઓળખી લે છે. રાઘવ ડીઝીટલમાં “એકલો રબારી” ગીત બનાવે છે. આ ગીત કચ્છમાં ભારે લોકપ્રિય થયું હતું. માલધારી સમાજમાંથી ગીતાનો વિરોધ થવાના બદલે તેને અભૂતપૂર્વ ટેકો મળ્યો હતો. એકલો રબારી સફળ થયા પછી બે મહિનામાં બીજું ગીત આલ્બમ સાથે આવે છે. જે રોણા શહેરમાં હતું.
ગીતાની કિસ્મતની ગાડી
” રોણા શેર માં રે……રોણા શેરમાં રે…… ચાલી કિસ્મત ની ગાડી ટોપ ગેરમા રે…….. ” ગીતે તેની કારકિર્દીની ગાડીનો ગીયર બદલી નાંખ્યો છે. આ ગીત 16 એપ્રિલ 2017માં રાઘવ ડિજીટલ યૂટ્યૂબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યું હતું. થોડાક જ સમયમાં સમગ્ર ગુજરાતના લોકો તેને જોવા લાગ્યા હતા. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં તે ગીત વધું જોવાયું હતું. પછી શહેરા લોકોએ તેને પકડી લીધું હતું. પુરા ભારત અને વિદેશમાં મચાવી દીધું હતું. ત્યારે તે 20 વર્ષની હતી. તેમનું બીજું જ ગીત સમગ્ર ગુજરાતમાં લોકપ્રિય બની ગયું હતું. તે કચ્છી, રાજસ્થાની ગાતો ગાય છે.
ગીતાબેન રબારીના પ્રથમ ગીત પછી બીજા જ ગીતે તેને ગુજરાતની કોયલ બનાવી દીધી હતી. આ ખીતાબ જુનાગઢના દિવાળીબેન ભીલને મળેલું હતું. એકલો રબારી, રોણા શેરમાં જેવા ગીતમાં એકટિંગ કરેલી છે. “મસ્તી માં મસ્તાની મોજ માં રેવાની” અને “રોણા શેરમાં રે” લોકોને ખુબ જ પસંદ આવ્યું છે. “એકલો રબારી”,”મસ્તી માં મસ્તાની”, “રોણા શેરમાં”, “માં-તારા આશીર્વાદ” સહીત અનેક હિટ આલ્બમો બહાર પાડેલા છે.
ટોચ પર
ગીતાબેન રબારી અત્યારે એક સ્ટેજ પ્રોગ્રામના રૂ.2 લાખથી વધુ રકમ લે છે. 23 વર્ષની ઉંમરે તેઓ દેશ-વિદેશમાં ફેમસ છે. કચ્છી કોયલ ગણાતી ગીતા રબારી એ ક્યાંય તાલીમ નથી લીધી. લોકો પ્રસંગોમાં લાખો રૂપિયા આપીને આ લોકગાયિકાઓને બોલાવે છે. ગીત, સંતવાણી, ભજન, ડાયરો, જેવા વિવિધ કાર્યક્રમોમાં તેને બોલાવે છે. ફિલ્મો અને આલ્બમ ચપોચપ વેચાય છે.
કોની મદદ મળી
તેમને અહીં સુધી પહોંચવામાં ઘણાબધા લોકોએ ટેકો આપ્યો છે. રાઘવ ડિજીટલ, મનુભાઈ રબારી, દિપક પુરોહિત, દિનેશભાઇ ભૂભડીયા અને ધ્રુવલ સોદાગર કે જેમણે “એકલો રબારી”, “માં-તારા આશીર્વાદ” જેવા ગીતમાં ટેકો આપ્યો હતો. ગુજરાતના જાણીતા બધા જ કલાકારો જેવા કે કિંજલ દવે, ગમન સાંથલ, કિર્તીદાન ગઢવી, જીગ્નેશ કવિરાજ, ઓસમાન મીર સહીત કલાકારો સાથે કામ કરી ચુક્યા છે. પ્રોગ્રામથી લઈને રેકોર્ડિંગનું સંપૂર્ણ કામ તેમના કાકા દિકરા ભાઈ મહેશભાઈ કરે છે.
“મસ્તીમાં મસ્તાની ને મોજ માં રેવાની….. જોને માલધારી બકા…… તકલીફ તો રેવાની…….”
એક ખામી
ગીતા રબારી ડાયરામાં જાય છે ત્યારે તેના ઉપર ચલણી નોટો ફેંકવામાં આવે છે. આ પ્રથા ભારતીય સંસ્કૃતિની વિરૃદ્ધ છે. લક્ષ્મીની પૂજા થાય તેને કોઈના પર ફેંકાય નહીં. દાતાઓએ દાન આપવું હોય તો તેમણે એક દાન પેટી રખાવીને તેમાં તે નાણાં નાંખવાની પ્રથા શરૂં કરવી જોઈએ. ગીતાએ અબજો રૂપિયાના દાન આ રીતે નોટો ફેંકાવીને મેળવ્યા છે. પણ તે લક્ષ્મીનું અપમાન થાય તે રીતે મેળવ્યા છે. આ પ્રથા બદલવાની શરૂઆત તેમણે કરવી જોઈએ. લોકો ના નહીં પાડે.