ગીર પૂર્વની સરસિયા રેન્જમાં 4 સિંહ કૂવામાં પડ્યા, રેસ્ક્યૂ કરાયું

અમદાવાદ,તા:૧૫ ગીરપૂર્વની આંબરડી બીટના મનાવાવ ગામે શનિવારની રાત્રે 4 સિંહ કૂવામાં ખાબક્યા હતા. વાડીના માલિક દિલુભાઈ રોજની જેમ વાડીમાં આંટો મારવા ગયા હતા, જ્યાં તેમને સિંહની ડણકો સંભળાતાં તેઓ વિમાસણમાં પડ્યા હતા. આસપાસ તપાસ કર્યા બાદ શંકા જતાં જેમણે કૂવામાં નજર કરી તો ચાર સિંહ કૂવામાં હોવાનું જણાયું હતું. આ ઘટનાની જાણ દિલુભાઈએ તાત્કાલિક પેટ્રોલિંગ પર નીકળેલી વનવિભાગની ટીમને કરી હતી.

સિંહ કૂવામાં પડવાની જાણ થતાં જ સરસિયા રેન્જની વનવિભાગની ટીમ તાત્કાલિક મનાવાવ ખાતે દિલુભાઈની વાડી ખાતે પહોંચી હતી, જ્યાં ખાલી કૂવામાં 4 સિંહ હોવાની ખરાઈ કરી હતી. ઘટનાની ખરાઈ બાદ અન્ય ટીમને પણ સાધનસરંજામ સાથે ત્યાં બોલાવાઈ હતી. 100 ફૂટ ઊંડો કૂવો હોવાથી શરૂઆતમાં રેસ્ક્યૂ ટીમને તકલીફનો સામનો કરવો પડ્યો હતો. આખરે ડીસીએફના માર્ગદર્શનમાં યોગ્ય સંકલન સાધી સ્થાનિકોની મદદ લેવાઈ હતી અને સિંહોનું રેસ્ક્યૂ શરૂ કરાયું હતું, જેમાં તમામ ચાર સિંહને કોઈપણ જાતના નુકસાન વિના 100 ફૂટ ઊંડા કૂવામાંથી રેસ્ક્યૂ કરાયા હતા. આ તમામ સિંહને ગીર પૂર્વ વનવિભાગ દ્વારા તાત્કાલિક સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર હાલમાં ચાલુ છે.

વાડીના 100 ફૂટ ઊંડા ખાલી કૂવામાં પડેલા તમામ ચાર સિંહની સ્થિતિ હાલમાં સ્થિર છે, જેમને સારવાર બાદ ફરીથી જંગલમાં મુક્ત કરવામાં આવશે.