ગુજરાતથી ઉત્તર ભારત જતી બે ટ્રેન આંશિક અને બે ટ્રેન સંપૂર્ણપણે રદ્દ કરાઈ

અમદાવાદ, તા. 08

વિશ્વની સૌથી મોટી રેલ સેવા ધરાવતી ભારતીય રેલવેની કામગીરી વધુ સુદ્રઢ અને સરળ બને તે હેતુસર તેમ જ અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે આધુનિક ટેકનોલોજીમાં અપગ્રેડ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વખતોવખત જે તે વિભાગની રેલવે લાઈનની મરામ્મતની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે. આ સંદર્ભે 15મી નવેમ્બર 2019થી 31 જાન્યુઆરી 2020 સુધી ઉત્તર ભારતમાં 90 દિવસનો મેગા બ્લોક જાહેર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે અમદાવાદથી ઉત્તર ભારત તરફ જતી બે ટ્રેનને આંશિક અને અન્ય બે ટ્રેનને સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી છે. આ ઉપરાંત 12 જેટલી ટ્રેનોના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

ટૂ લાઈનના કારણે પણ રેલ સેવા પર માઠી અસર

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મેગા બ્લોક ઉપરાંત અજમેર-પાલનપુર રેલવે સેક્શન પર ટ્રેકને ટૂ લાઈન કરવાની કામગીરી ચાલી રહી છે. જેના કારણે પણ કેટલીક ટ્રેનો રદ્દ કરાઈ છે. ટૂ લાઈન કરવાની કામગીરીના કારણે અમદાવાદથી આવન-જાવન કરતી કેટલીક ટ્રેનો પર તેની માઠી અસર પડશે તેમ જ કેટલીક ટ્રેનો તેના નિયત સમય કરતાં મોડી ચાલશે.

મેગા બ્લોકના કારણે કઈ ટ્રેનો પ્રભાવિત થશે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાંથી આવન-જાવન કરતી ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેન રદ્દ કરાઈ છે, એવી જ રીતે દહેરાદૂનથી ઓખા આવતી ટ્રેનને પણ રદ્દ કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ-હરિદ્વાર વચ્ચે ચાલતી યોગા એક્સપ્રેસ મેરઠ-હરિદ્વારની વચ્ચે રદ્દ કરવામાં આવી છે. જ્યારે એવી જ રીતે હરિદ્વારથી અમદાવાદ આવતી આ ટ્રેન આ રૂટ વચ્ચે રદ્દ રહેશે.

ટૂ લાઈનની કામગીરીના કારણે પ્રભાવિત ટ્રેનો

રેલવે વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે 12 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી અજમેર-પાલનપુર રેલવે સેક્શન પર ટૂ લાઈનની કામગીરીના કારણે 12 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ-સુલતાનપુર-અમદાવાદ એક્સપ્રેસ, અમદાવાદ-અજમેર-અમદાવાદ ઈન્ટરસિટી, અમદાવાદ-કોલકત્તા-અમદાવાદ એક્સપ્રેસ, અમદાવાદ-આગ્રા કેન્ટોન્ટમેન્ટ એક્સપ્રેસ, ગ્વાલિયર-અમદાવાદ એક્સપ્રેસ, બરેલી-ભૂજ-બરેલી એક્સપ્રેસ, મહેસાણા-આબુ રોડ પેસેન્જર ડેમુ ટ્રેન રદ્દ કરવામાં આવી છે. આ ઉપરાંત વૈષ્ણોદેવી-કટરા-અમદાવાદ એક્સપ્રેસ એક કલાક અને કોલકત્તા-અમદાવાદ એક્સપ્રેસ તેના નિયત સમય કરતાં 35 મિનીટ મોડી ચાલશે.