ગુજરાતના એક માત્ર વાઘનું મોત થયું

મહિસાગર જિલ્લાના જંગલમાંથી વાઘનો મૃતદેહ મળી આવતા ગુજરાતમાંથી વાઘનું નામોનિશાન મટી ગયુ છે. આ ઘટનાની જાણ વન વિભાગને થતા વનવિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.

વન વિભાગના અધિકારીઓની તપાસમાં જાણવા મળ્યું હતું કે, 12 ફેબ્રુઆરીના રોજ જે વાઘ નાઈટ વિઝન કેમેરામાં કેદ થયો હતો, તે વાઘનો જ મૃતદેહ છે. વાઘનો મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં ઝાડીઓમાંથી મળી આવ્યો હતો. આ વાઘનું મૃત્યુ ત્રણથી ચાર દિવસ પહેલાં થયુ હોવાનું અનુમાન પણ જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ વનવિભાગ દ્વારા આ વાઘનું મોત કુદરતી રીતે થયુ હોવાનું જણાવાઈ રહ્યું છે, પરંતુ આ વાઘના મૃત્યુ અંગેનું સાચુ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.

ઉલ્લેખનીય છે કે, મહિસાગર જિલ્લામાં વાઘ હોવાની એક શિક્ષક દ્વારા માહિતી આપવામાં આવી હતી, ત્યારબાદ જંગલ વિભાગના અધિકારીઓએ જંગલમાં વિવિધ જગ્યાઓએ નાઈટ વિઝન કેમેરા ગોઠવવામાં આવ્યા હતા. જેના કારણે ગુજરાતમાં વાઘ હોવાની પુષ્ટિ વનવિભાગ અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી, ત્યારે આ વાઘ ગુજરાતમાં આવ્યાના 15 દિવસમાં જ મૃત્યુ પામ્યો હોવાના સમાચાર સામે આવતા પશુઓ પ્રેમીઓમાં દુઃખની લાગણી જોવા મળી છે.