ગુજરાતના ખેડૂતને દાડમની ખેતી માટે લંડનમાં પુરસ્કાર

ગુજરાતના દિવ્યાંગ ખેડૂત ગેનાજી પટેલે દાડમની ખેતી કરીને સમગ્ર વિસ્તારને નવો રસ્તો બતાવ્યો હતો. તેને 2017ના પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યા બાદ હવે લંડનમાં સાંસ્કૃત્તિક યુવા સંસ્થા દ્વારા ગૌરવ પુરસ્કાર આપવામાં આવશે. આજ સુધી તેમને 18 પુરસ્કાર આપવામાં આવ્યા છે. હવે તેમને 19 જૂલાઈ 2019માં યુનાઈટેડ કિંગડમ બ્રિટિશ પાર્લામેન્ટ લંડન ખાતે એવોર્ડ આવવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

દુકાળગ્રસ્ત ગણાતા બનાસકાંઠાના લાખણી તાલુકાના ગોળીયા ગામના દિવ્યાંગ ખેડૂત ગેનાજી પટેલે વર્ષ 2004 અને 2005થી ચીલા ચાલુ ખેતી છોડીને દાડમની ખેતીની શરૂઆત કરીને બંજર જમીનમાં ખેતીમાં સફળતા મેળવી હતી. જેથી દિવ્યાંગ ખેડૂત ગેનાજી પટેલને વર્ષ 2017ના પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

ગેનાજીએ ડીસામાં આધુનિક ટેક્નોલોજીથી દાડમની ખેતી કરીને સારો પાક મેળવેલો છે. ગેનાજીએ ઉજ્જડ ગણાતા વિસ્તારમાં ઉત્તમ ખેતી કરી છે.

ગેનાજીએ બનાસકાંઠા જિલ્લામાં દાડમની ખેતીનો પાયો નાખ્યો છે. ગોળિયા ગામ આજે દાડમના ગામ તરીકે રાજ્યભરમાં વખણાય છે. તેનો સઘળો યશ આ ખેડૂતને જાય છે. ખેડૂત દાડમની ખેતીમાં વર્ષે રૂ.75  લાખની ચોખ્ખી કમાણી કરી રહ્યા છે. દાડમની ખેતી કરવાનો વિચાર 2004માં સ્ફુર્યો હતો. દરમિયાન મહારાષ્ટ્રની મુલાકાત લેતાં ત્યાં દાડમની ખેતી જોઇ તેમણે વતન સરકારી ગોળિયામાં દાડમની ખેતી કરવાનો નિર્ણય લીધો હતો. મહારાષ્ટ્રમાંથી દાડમના રોપા દાડમના લાવ્યા હતા.

ગેનાભાઇની દાડમની ખેતીમાં પ્રગતિ જોઈ દાડમની ખેતીનો બનાસકાંઠા જિલ્લામાં એવો પવન ફૂંકાયો કે આજે દાડમની ખેતીમાં બનાસકાંઠા જિલ્લો રાજ્યભરમાં અવ્વલ હરોળમાં સ્થાન ધરાવે છે. ગેનાભાઇના વતન સરકારી ગોળિયામાં 150 ખેડૂતો અને 1500 વીઘા જમીન છે. જે તમામ જમીનમાં બાગાયતી દાડમનો પાક લહેરાઇ રહ્યો છે. ગામ દાડમના ગામ તરીકે પ્રખ્યાત થઇ ગયું છે. ગેનાભાઇ પટેલ એચ.એસ.સી સુધી ભણેલા છે.

બાગાયતમાં રોકડિયા પાક ગણાતા દાડમની ખેતીમાં બનાસકાંઠા જિલ્લો આજે રાજ્યભરમાં પ્રથમ હરોળનું સ્થાન ધરાવે છે. દાડમની ખેતીએ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના જીવનમાં સુધારો લાવવાની સાથે ડ્રિપ ઇરિગેશનમાં પણ જિલ્લાને રાજ્યમાં પ્રથમ સ્થાન અપાવ્યું છે. દાડમની ખેતી જોવા મહારાષ્ટ્રના નાસિક જતા રાજ્યભરના ખેડૂતો હવે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લઇ રહ્યા છે.

રાજ્યમાં દાડમના ઉત્પાદનમાં બીજા નંબર પર બનાસકાંઠા જિલ્લો આવે છે. જ્યાં 6,800 હેક્ટરના વાવેતરનો અંદાજ છે અને ઉત્પાદન 1.08થી 1.12 લાખ ટન જેવું સરેરાશ થાય છે. ગેનાભાઈના લાખણી તાલુકામાં 5000 હેક્ટર દાડમ ઉગાડવામાં આવ્યા છે. 2015માં અહીં ભયંકર પૂર આવ્યું હતું. જેમાં હજારો હેક્ટર દાડમના બગીચા ધોવાઈ ગયા હતા.

ગુજરાતમાં સરેરાશ 24,000 હેક્ટરમાં વાવેતર થાય છે. જેમાં 3.50 થી 3.45 લાખ મેટ્રિક ટન દાડમ ઉત્પાદન થાય છે. દેશની સરખામણીએ 11 ટકા હિસ્સો ગુજરાતનો છે. કચ્છમાં રાજ્યનું સૌથી વધું 8,023 હેક્ટર દાડમનું વાવેતર અને ઉત્પાદન થાય છે. ઉત્પાદન 1.25થી 1.30 લાખ મેટ્રિક ટન સરેરાશ રહે છે.