ગુજરાતના ડેરી, કેમિકલ અને ટેક્સટાઈલ ઉદ્યોગનો આરઈસીપી એગ્રીમેન્ટ સામે વિરોધ

અમદાવાદ,તા.15

રિજ્યોનલ કોમ્પ્રિહેન્સિવલ ઇકોનોમિક પાર્ટનરશીપના કરાર કરવામાં આવે અને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ માત્ર તેના 5થી 10 ટકા ડેરી ઉત્પાદનો ભારતના બજારમાં ઠાલવવાનું શરૂ કરી દે તો સમગ્ર ભારતના દૂધ ઉદ્યોગને માઠી અસર પહોંચી શકે તેમ છે. હા, તેની સીધી અસર હેઠળ દૂધની અને દૂધની બનાવટોની ક્વોલિટીમાં કદાચ સુધારો જોવા મળી શકે છે. દૂધ અને ડેરી ઉપરાંત કેમિકલ, ટેક્સટાઈલ અને મેટલ ઉદ્યોગ આરસીઈપીનો વિરોધ કરી રહ્યા છે.

ભારતમાં દુધ ઉત્પાદકો, સ્થાનિક પશુપાલકોનો મત કેમ નહી

અમૂલના ડિરેક્ટર તેજસ પટેલનું કહેવું છે કે અમે અમેરિકામાં અમૂલનો પ્લાન્ટ નાખવા માટેની વાત કરી હતી ત્યારે ત્યાંની સરકારે સ્થાનિક પશુપાલકો અને દૂધ ઉત્પાદકો સહિતના તમામને બોલાવીને આ બાબતમાં તેમનો મત શું છે તે અંગે જાણકારી લીધી હતી. તેમની સાથે ચર્ચા કરી હતી. આ પ્રકારની સ્થિતિ ભારતમાં જોવા મળતી નથી. સ્ટેક હોલ્ડર્સને સીધા મળવાનું આયોજન કરીને તેમના અભિપ્રાયો લેવાનો વિચાર જ કરવામાં આવતો નથી.

ચીનમાંથી ઝીરો ડયૂટીથી કેમિકલ ઉધોગને અસર

કેમિકલ અને ડાયસ્ટફના બિઝનેસની દેશવ્યાપી સંસ્થા કેમેક્સિલના ગુજરાત રિજ્યનના ચેરમને ભૂપેન્દ્ર પટેલનું કહેવુ છે કે કેમિકલમાં જો ઝીરો ડ્યૂટીથી ચીનમાંથી ઇમ્પોર્ટ કરવાની છૂટ આપવામાં આવે તો ગુજરાતનો ડાયસ્ટફનો સંપૂર્ણ ઉદ્યોગ ઠપ થઈ જાય તેમ છે. કેમિકલ ઉદ્યોગના ટર્નઓવરનો 33 ટકા હિસ્સો ડાયસ્ટફનો છે. હા, ડ્યૂટી થોડી ઘટાડો તો અસર સીમિત થઈ શકે છે. આ સંજોગોમાં સંપૂર્ણ ડ્યૂટી ફ્રી આયાત કરવાની છૂટ આપવા ઉચિત નથી. એચ. એસિડ અને વિનાયલ સલ્ફોનની ડ્યૂટી ફ્રી આયાત કરવાની છૂટ આપી દેવામાં આવે તો તેને પરિણામે કેમિકલનો 50 ટકા ધંધો તૂટી પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ શકે છે. જોકે આ તો અત્યારે કરવામાં આવતું અનુમાન છે. તે અંગેના નિયમો અને શરતો તૈયાર થયા પછી ફાઈનલ કરાર કેવો અમલમાં આવે છે તેના પર જ આખરી અસરનો તાગ મેળવી શકાશે.

ટેકસટાઈલ ઉધોગ ચતોપાટ થઈ જશે

ટેક્સટાઈલ ઉદ્યોગ પણ તેની સામે જોરદાર વિરોધ નોંધાવી રહ્યો છે. નોટબંધી અને તે પછી આવેલી મંદીને પરિણામે ટેક્સટાઈલ ઉદ્યોગ બેસી ગયો છે. હવે રિજ્યોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપના કરાર થશે તો દેશનો ટેક્સટાઈલ ઉદ્યોગ ચત્તોપાટ થઈ જશે, એમ સુરતના ટેક્સટાઈલના ક્ષેત્રની કંપની શબનમ પેટ્રોફિલ્ડ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર રફિક મેમણનું કહેવું છે કે છ દેશો સાથે કરવામાં આવેલા ફ્રી ટ્રેડ  એગ્રીમેન્ટને પરિણામે ભારતમાંથી 60 અબજ ડોલરની નિકાસ થઈ છે. તેની સામે 200 અબજ ડોલરની આયાત થઈ છે. માત્ર છ દેશ સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં આ અસર જોવા મળી છે. બીજા સોળ દેસ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવે તો તેની બહુ જ જંગી અસર ભારતના ટેક્સટાઈલ ઉદ્યોગ પર આવી શકે છે. વિયેટનામ અને બાંગલાદેશ સાથેના એગ્રીમેન્ટનો પણ ચીને ફાયદો ઊઠાવ્યો છે. તેમાં પણ ભારતના ટેક્સટાઈલ ઉદ્યોગ પર અવળી અસર પડી છે.

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો વિરોધ

આ કારણોસર જ ભારતમાં વેપાર ઉદ્યોગોઓ ચીન, જાપાન, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, વિયેટનામ, બ્રુનેઈ, કમ્બોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા,મ્યાનમાર, થાઈલેન્ડ, કોરિયા અને ન્યુઝીલેન્ડ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં કેમિકલ, સ્ટીલ અને ટેક્સટાઈલ ઉદ્યોગે પણ તેની સામે વિરોધ નોંધાવ્યો છે. ભારતના ઇલેક્ટ્રોનિક ઉદ્યોગને પણ ધોઈ નાખવા જાપાન, કોરિયા, સિંગાપોર સહિતના દેશો સમર્થ છે. રિજ્યોનલ કોમ્પ્રિહેન્સિલ ઇકોનોમિક પાર્ટનરશીપમાં જોડાનારા 16 દેશોના જે ઉત્પાદનોની હેરફેર થવાની છે તે વિશ્વના દેશોના કુલ જીડીપીના 34 ટકા જેટલી છે. પરિણામે તેની બહુ જ મોટી અસર જોવા મળી શકે છે. વિશ્વના કુલ વેપારના 40 ટકા વેપાર તેમાં આવી જશે.