ધારાસભ્યનો પગાર મહિને 1.14 લાખ રૂપિયા છે, જેમાં ચાલુ વર્ષના અંતે 46.75 ટકાનો વિક્રમી વધારો થવાની સંભાવના છે. ચાલુ વર્ષના અંતે 4.10 કરોડની ધારણા રાખવામાં આવી છે, જેની સામે મંત્રીઓના અંગત સ્ટાફનું ખર્ચ 21.04 કરોડ થશે.
2017-18માં મંત્રી પરિષદનું કુલ ખર્ચ 4.60 કરોડ હતું ત્યારે મંત્રી પરિષદના અંગત સ્ટાફનું ખર્ચ 20.89 કરોડ થયું હતું, જો કે રાજ્યના નાણાં વિભાગે પાછલા વર્ષમાં મંત્રીમંડળના ખર્ચનો આંકડો 5.78 કરોડ મૂક્યો હતો મંત્રીઓના અંતગ સ્ટાફના ખર્ચના અંદાજ 18.67 કરોડ મૂકવામાં આવ્યા હતા. જેમાં 2.21 કરોડનો વધારો થયો હતો.
2019-20ના ચાલુ વર્ષે મંત્રી પરિષદ માટે 4.10 કરોડ તેમજ મંત્રીઓના અંગત સ્ટાફ માટે 21.04 કરોડની જોગવાઇ સૂચવી છે. જોકે, છેલ્લા બે વર્ષના આંકડા જોઇએ તો મંત્રી પરિષદ અને તેમના અંગત સ્ટાફના પગાર અને ભથ્થાંના ખર્ચમાં ઘટાડો થયો છે.
ગયા વર્ષ એટલે કે 2018-19માં ગુજરાતના ધારાસભ્યોના પગાર અને ભથ્થાં માટે સરકારે 17.09 કરોડ, વિરોધપક્ષના નેતા માટે 1.14 કરોડ અને સરકારી મુખ્ય દંડક અને તેના મહેકમ માટે 1.86 કરોડની ફાળવણી કરી હતી. ચાલુ વર્ષે નાણા વિભાગે તેમાં વધારો કરીને ધારાસભ્યો માટે 25.08 કરોડ, વિરોધ પક્ષના નેતા માટે 1.00 કરોડ અને સરકારી મુખ્ય દંડક અને તેના મહેકમ માટે 2.10 કરોડનું ખર્ચ સરકારી તિજોરીમાંથી કરવાનું નક્કી કર્યું છે.
વિગત | 2018-19 | 2019-20 |
મંત્રીઓના પગાર-ભથ્થાં | 3.96 કરોડ | 4.10 કરોડ |
મંત્રીના અંતગ સ્ટાફનું ખર્ચ | 20.89 કરોડ | 21.04 કરોડ |
ઘારાસભ્યોના પગાર-ભથ્થાં | 17.09 કરોડ | 25.08 કરોડ |
વિપક્ષી નેતાના પગાર-ભથ્થાં | 1.14 કરોડ | 1.00 કરોડ |
મુખ્ય દંડકનું મહેકમ | 1.86 કરોડ | 2.10 કરોડ |
ધારાસભ્ય દીઠ સાદી ગણતરી પ્રમાણે વાર્ષિક અંદાજે સરેરાશ 13.78 લાખ અને માસિક 1.14 લાખ રૂપિયાનું ખર્ચ સરકારી તિજોરીમાંથી કરે છે.
વર્ષ 2018-19ના સુધારેલા સંભવિત ખર્ચની તુલનાએ 2019-20ની અંદાજીત જોગવાઇમાં રાજ્ય વિધાનસભાના સભ્યોના ખર્ચમાં 46.75 ટકા ખર્ચમાં વધારો થશે જ્યારે વિરોધ પક્ષના નેતાના ખર્ચમાં 12.13 ટકાનો ઘટાડો થશે. એ ઉપરાંત મુખ્ય દંડકની કચેરી પાછળ સરકાર 12.66 ટકાનો વધારો કરી રહી છે.